Mon Aug 17 2026

Logo

ઘાટકોપરમાં ભેખડ ધસી પડી: સાતનાં મોત

2026-08-13 08:57:00
Author: Yogesh C. Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં મંગળવારે દિવસભર વરસેલા વરસાદ પછી બુધવારના મળસકે ડુંગરાળ ભાગમાં બાંધવામાં આવેલાં ઘરો પર એકાએક ભેખડ ધસી પડી હોવાની ઘટના ઘાટકોપર નજીક બની હતી. ભૂસ્ખલનને કારણે ત્રણથી ચાર ઘર જમીનદોસ્ત થઈ ગયા હતા અને રહેવાસીઓ કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ કમનસીબ ઘટનામાં બે બાળક સહિત સાત રહેવાસીએ જીવ ગુમાવ્યા હતા તો જખમી અન્ય સાતને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘાટકોપરના બનાવને પગલે ડુંગરાળ ભાગોમાં જીવને જોખમે રહેતા લોકોનો પ્રશ્ર્ન ફરી ચર્ચાએ ચઢ્યો હતો.

મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ ચિરાગ નગર પાસેના અશોક નગરમાં ગૌશિયા ચાલ પર બુધવારના મળસકે 3.45 વાગ્યાની આસપાસ ડુંગરનો અમુક ભાગ તૂટી પડ્યો હતો. કાટમાળ નીચે દટાઈ ગયેલાઓમાંથી સાતનાં મૃત્યુ થયાં હતાં. મૃતકોમાં બે વર્ષના અબાન આરીફ શેખ, ચાર વર્ષના મનત આરીફ શેખ, મરજિના આરીફ શેખ (27), મોહમ્મદ સમીર અન્સારી (14), સાહિલ હુસેન અબ્દુલ કાઝી (19) અને વિકેત રમેશ યાદવ (27)નો સમાવેશ થાય છે. 45 વર્ષના એક મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા હતા.

મુંબઈ અને આસપાસના પરિસરોમાં પોરો ખાધા પછી મંગળવારે વરસાદે ફરી દેખા દીધી હતી. આખો દિવસ વરસાદની હાજરી વાતાવરણમાં ખુશનૂમા બન્યું હતું ત્યારે બુધવારના મળસકે બનેલી આ ઘટનાથી શોકનું મોજું ફરી વળ્યું હતું.

કહેવાય છે કે ટેકરી વિસ્તારમાં આવેલા અશોક નગરમાં મોટા ભાગનાં ઘરો ગેરકાયદે બાંધવામાં આવ્યાં હતાં. મહાપાલિકાની ચેતવણી છતાં રહેવાસીઓએ સ્થળાંતર કર્યું નહોતું. બુધવારે ભેખડ ધસી પડવાને કારણે ત્રણથી ચાર ઘર તૂટી પડ્યાં હતાં અને કાટમાળમાં ફેરવાઈ ગયાં હતાં.

દુર્ઘટનાની જાણ થતાં જ ઘાટકોપર પોલીસ, ફાયર બ્રિગેડ, નૅશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) અને પાલિકાના એલ વૉર્ડનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પાલિકાના ‘એલ’ વૉર્ડનો ચાર્જ સંભાળતા આસિસ્ટન્ટ કમિશનર અનિલ જાધવે શરૂઆતમાં બેનાં મૃત્યુ અને છથી આઠ રહેવાસી દટાયા હોવાની માહિતી આપી હતી. બાદમાં બચાવ કામગીરી દરમિયાન કાટમાળ હેઠળ દટાયેલા અન્ય રહેવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.

રેસ્ક્યૂ ઑપરેશન દરમિયાન કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવેલા ચાર રહેવાસીને કુર્લાની ભાભા હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. સોહેલ અન્સારી (18)ને માથામાં ગંભીર ઇજા થઈ હતી, જ્યારે મોહમ્મદ અન્સારી (14), નઈમુદ્દીન ઈકબાલ ખાન (28) અને સાજિદ અન્સારી (16)ની સારવાર બાદ તબિયત સુધારા પર હોવાનું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.
દરમિયાન રાજાવાડી હૉસ્પિટલમાં દાખલ ત્રણ રહેવાસી ફરાના દિલબર ખાન (28), દિલબર અમનુલ્લા ખાન (38) અને શમીન મુસ્લિમ ખાન (26)ની સારવાર ચાલી રહી છે. પ્રાથમિક સારવાર પછી તેમનું સ્વાસ્થ્ય સુધારા પર હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.