Fri May 01 2026

Logo

ફરી એક વખત મુંબઈમાં પૂર આવશે?

2026-03-19 08:35:47
Author: Sapna Desai
Article Image

મીઠી નદીની સફાઈ માટે કૉન્ટ્રેક્ટર મળતા નથી: સ્થાયી સમિતિની બેઠકમાં નગરસેવકોએ વ્યક્ત કરી ચિંતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસાના આગમન પહેલા ૧૮ કિલોમીટર લાંબી મીઠી નદીનો ગાળ કાઢવા માટેના કામમાં થઈ રહેલા વિલંબ બાબતે બુધવારે થયેલી સ્થાયી સમિતિમાં નગરસેવકોએ કૉન્ટ્રેકટરની ગેરહાજરી અને ચોમાસાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

સ્થાયી સમિતિના સભ્યોએ પ્રશાસનની તૈયારીને લઈને સવાલ કર્યા હતા. મીઠી નદીનો ગાળ કાઢવાના ટેન્ડરની સમયમર્યાદા કૉન્ટ્રેક્ટર તરફથી કોઈ પ્રતિભાવ નહીં મળતા પૂરી થઈ ગઈ છે. સ્થાયી સમિતિના સભ્યોએ મીઠી નદીની સફાઈના કામ શરૂ કરવાને લઈને થયેલા વિલંબને કારણે પૂરનું જોખમ વધી શકે છે. તેમાં પણ જો ચોમાસું વહેલું આવ્યું તો મુંબઈને જળબંબાકાર થતા કોઈ રોકી શકશે નહીં.

કૉંગ્રેસના પાલિકાના ગ્રૂપ લીડર અશરફ આઝમીએ પોઈન્ટ ઓફ ઓર્ડર લીધો હતો, જેમાં તેમણે કુર્લાના અમુક વિસ્તારને કેન્દ્રિત કરીને કહ્યું હતું કે મોટી ભરતી દરમ્યાન આ વિસ્તારમાં પહેલાથી પાણી ભરાતા આવ્યા છે. ભરતી દરમ્યાન આ વિસ્તારમાં બસમાં પણ પાણી ભરાઈ જતા હોય છે. તેમાં પાછું જો મીઠીની સફાઈ નહીં થઈ તો ચોમાસા દરમ્યાન નિર્માણ થનારી પૂરજનક પરિસ્થિતિનો સામનો પ્રશાસન કેવી રીતે કરશે? આ મુદ્દો અત્યંત ગંભીર હોઈ પ્રશાસને તેના પર તાત્કાલિક પગલાં લેવા આવશ્યક હોવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો.

શિવસેનાના નેતા અમેય ઘોલેએ કહ્યું હતું કે મીઠી નદીના પ્રવાહમાં ભરતીની અસર દાદરથી વડાલા સુધીના વિસ્તારોને થાય છે. પ્રશાસનનો આ બાબતે શું એક્શન પ્લાન છે તે બાબતે તેમણે સવાલ પણ કર્યો હતો.

ચોમાસામાં વારંવાર નિર્માણ થતી પૂરજનક પરિસ્થિતિ બાબતે કૉંગ્રેસના નગરસેવિકા ટ્યૂલિપ મિરાન્ડાએ સવાલ કર્યો હતો કે શું પ્રશાસન બીજી હોનારત આવે તેની રાહ જોઈ રહ્યું છે?  છેલ્લા અનેક વર્ષોથી મીઠીની સફાઈ કરવામાં આવી રહી છે છતાં કામ શરૂ કરવામાં આટલી અડચણો કેમ આવી રહી છે. ગયા વર્ષે કૉન્ટ્રેક્ટર સામે પોલીસમાં નોંધાયેલી એફઆઈઆરને કારણે તેઓ કામ માટે આગળ આવવામાં અચકાઈ રહ્યા છે એવો સવાલ પણ તેમણે પ્રશાસનને કર્યો હતો. રાષ્ટ્રવાદી કૉંગ્રેસના કુર્લાના નગરસેવિકાએ પણ ભારે વરસાદ અને ભરતી સમયે મીઠી નદીને કારણે તેમના વિસ્તારમાં આવતી સમસ્યાઓને લઈને પ્રશાસનને સવાલ કર્યો હતો.

પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું કે ડેડલાઈન લંબાવ્યા બાદ પણ હજી સુધી કોઈ બિડર મળ્યા નથી. તેથી પ્રશાસને ફરીથી મુદત લંબાવવાનો નિર્ણય લીધો છે.  અમે હવે સાત દિવસની  મુદત વધારી આપી રહ્યા છે. પાલિકાને ઝોન પાંચમાં મોટા નાળાની સફાઈ માટે પણ કોઈ કૉન્ટ્રેક્ટર મળ્યો નથી, જેમાં મુખ્યત્વે એમ-પૂર્વ અને એમ-પશ્ર્ચિમ વોર્ડનો સમાવેશ થાય છે.