Mon Jun 08 2026

Logo

રવિવારે મધ્ય રેલવેની હાર્બર અને ટ્રાન્સ હાર્બર લાઈનમાં મેગાબ્લૉક રહેશે

2026-04-04 18:32:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મધ્ય રેલવેમાં પ્રવાસ કરનારા મુંબઈગરાને રવિવારે હાલાકીનો સામનો કરવો પડે એવી શક્યતા છે. મધ્ય રેલવે દ્વારા હાર્બર સહિત ટ્રાન્સહાર્બર લાઈનમાં મેગાબ્લૉક જાહેર કરવામાં આવ્યો છે. તેથી ટ્રેનો તેના સમય કરતા વિલંબે દોડશે. રવિવારે જોકે દિવસ દરમ્યાન મધ્ય રેલવેની મેઈન લાઈનમાં કોઈ બ્લોક રાખવામાં આવ્યો નથી. છતાં શનિવાર રાતના બ્લોકને કારણે મેઈન લાઈનમાં ટ્રેનોને ટાઈમટેબલને અસર પહોંચવાની શક્યતા છે.

હાર્બર લાઈનમાં પનવેલ અને વાશી સ્ટેશન દરમ્યાન સવારના ૧૧.૦૫ વાગ્યાથી સાંજના ૪.૦૫ વાગ્યા દરમ્યાન અપ અને ડાઉન લાઈનમાં બ્લોક રહેશે.પનવેલથી સવારના ૧૦.૩૩ વાગ્યાથી બપોરના ૩.૪૯ વાગ્યા સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની દિશામાં છૂટનારી અપ હાર્બર લાઈનની લોકલ સેવા અને છત્રપતિ શિવાજી  મહારાજ ટર્મિનસથી સવારના ૯.૪૫ વાગ્યાથી બપોરના ૩.૧૨ વાગ્યા સુધી પનવેલ બેલાપૂર દિશામાં છૂટનારી ડાઉન હાર્બર લાઈનની લોકલ સેવા રદ કરવામાં આવી છે. 

ટ્રાન્સહાર્બર લાઈનમાં પનવેલથી થાણે દિશામાં જનારી અપ-ટ્રાન્સહાર્બર લાઈન પર સવારના ૧૧.૦૨ વાગ્યાથી બપોરના ૩.૫૩ વાગ્યા સુધી પનવેલની દિશામાં જનારી ડાઉન ટ્રાન્સ હાર્બર રૂટ પરની લોકલ સેવા સવારના ૧૦.૦૧ વાગ્યાથી બપોરના ૩.૨૦ વાગ્યા સુધી બંધ રહેશે. 
બ્લોક દરમ્યાન છત્રપતિ શિવાજી ટર્મિનસ મુંબઈ-વાશી વચ્ચે સ્પેશિયલ ઉપનગરીય ટ્રેનો દોડાવવામાં આવશે. બ્લોક દરમ્યાન ટ્રાન્સ-હાર્બર લાઈન પર થાણે-વાશી-નેરુલ સ્ટેશન દરમ્યાન ટ્રેન ઉપલબ્ધ હશે.

મધ્ય રેલવેના પ્રવક્તાના જણાવ્યા મુજબ રવિવારે મેઈન લાઈનમાં દિવસનો કોઈ બ્લોક રાખવામાં આવ્યો નથી. મેઈન લાઈનમાં શનિવાર રાત ૧૦.૩૦ વાગ્યાથી વહેલી સવારના ઓલરેડી સ્પેશિયલ બ્લોક રાખવામાં આવ્યો હતો, જેમાં પ્રભાદેવી બ્રિજના પૅનલ કાઢવા  માટે અને ૧૫ ડબ્બાની ટ્રેન માટે પ્લેટફોર્મના વિસ્તરણ માટે   સ્પેશિયલ ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવ્યો  હતો. તેથી મેઈન લાઈનમાં શનિવાર રાતથી રવિવાર વહેલી સવારના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી દાદર વચ્ચે અપ અને ડાઉન રેલ સેવા બંધ રાખવામાં આવી હતી. આ સ્પેશિયલ બ્લોકને કારણે લાંબા અંતરની પણ ટ્રેનોને પણ અસર થઈ હતી. જોકે રવિવાર સવારથી મેઈન લાઈનમાં ટ્રેન પૂર્વવત્ થઈ હતી. જોકે રાતના બ્લોકની અસર સવારના સમયમાં  પ્રવાસીઓને જણાઈ આવી હતી.