Tue Oct 06 2026

Logo

મુંબઈ કૉસ્ટલ રોડ પર અકસ્માતમાં ગુજરાતના ત્રણ યુવકના મોત, બીએમડબલ્યુનું પડીકું વળી ગયું

2026-09-20 15:34:07
Author: Pooja Shah
મુંબઈ કૉસ્ટલ રોડ પર અકસ્માતમાં ગુજરાતના ત્રણ યુવકના મોત, બીએમડબલ્યુનું પડીકું વળી ગયું

અમદાવાદઃ મુંબઈના કૉસ્ટલ રોડ પર આજે સવારે લગભગ ૫:૩૦ વાગ્યે ભયાનક અકસ્માત થયો હતો, જેમાં અમદાવાદના ત્રણ યુવકના મોત થયા હતા જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર કોસ્ટલ રોડ પર લોટસ જેટી પાસે પુલ પરથી ૧૫૦ ફૂટ ઊંડા વિસ્તારમાં પડી ગઈ હતી જ્યાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. આ ઘટનાના વીડિયો રૂંવાટા ઊભા કરી દે તેવા છે. કાર હવામાં ઉછળીને નીચે પટકાઈ હતી. કારનનું પડીકું વળી ગયું હતું, જેની તસવીરો જોઈ અક્સમાત કેટલો ભયંકર હતો તે સમજી શકાય છે.

ઘટનાની મળતી વિગતો અનુસાર રવિવારે સવારે કાળા રંગની બીએમડબલ્યુ કાર મરીન ડ્રાઇવ પર હાજી અલી તરફ ખૂબ જ ઝડપે જઈ રહી હતી. લાલા કોલેજની સામે અને લોટસ જેટી નજીક કોસ્ટલ રોડની નોર્થ લાઈન તરફ મુસાફરી કરતી વખતે, કાર કોસ્ટલ રોડ પર પુલની ધાર પરથી પાર્કિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યાં પડી હતી.કારામાં અમદાવાદના ચાર યુવક સવાર હતા જેમાં સંજય ગજ્જર (21) અમદાવાદનો હોવાનું અને કાર તેના પિતાના નામે હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત ધૈર્ય શેઠ (17) અને આદિત્ય જકસાણિયા (19)નો સમાવેશ થાય છે. આદિત્ય ઓસ્વાલ (23) ઈજાગ્રસ્ત છે અને સારવાર લઈ રહ્યો હોવાની માહિતી મળી હતી. 

પોલીસના જણાવ્યા અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં રજીસ્ટર થયેલી બીએમડબલ્યુ કાર ખૂબ ઝડપી ચાલી રહી હતી અને એલિવેટેડ રોડ પરથી નીચે ખાબકી હતી. ભોગ બનેલા યુવક એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચરના વિદ્યાર્થી હતા અને જુહુ અને કુર્લાની કૉલેજમાં ભણતા હતા. પોલીસે જણાવ્યું હતું કે ભોગ બનેલા લોકો જુહુ અને કુર્લા સ્થિત એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચર કોલેજોના વિદ્યાર્થીઓ હતા. કાર ફાલ્ગુન ગજ્જર (અમદાવાદમાં સ્વસ્તિક સોસાયટી) ના નામે રજીસ્ટર હતી. અકસ્માતની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.