હાઉસિંગ સોસાયટીઓને ફૂટપાથ પરના રૅમ્પ તાત્કાલિક હટાવવાની ચેતવણી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ‘પેડેસ્ટ્રિયન ફર્સ્ટ’ અભિયાન હેઠળ ફેરિયા અને દુકાનદારોને ફૂટપાથ પરના અતિક્રમણ તાત્કાલિક હટાવવાની ચેતવણી આપ્યા બાદ હવે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર અશ્ર્વિની ભીડેએ હાઉસિંગ સોસાયટીઓને નિશાના પર લીધી છે.
ફૂટપાથ પર ગેરકાયદે રીતે ઊભા કરેલા રૅમ્પ, અતિક્રમણ, કમર્શિયલ બાંધકામ અથવા કોઈ પણ સ્વરૂપના બાંધકામને હટાવવાની ચેતવણી મુંબઈની હાઉસિંગ સોસાયટીઓને આપવામાં આવી છે. એક મહિનાની અંદર સ્વખર્ચે ફૂટપાથ પરના અતિક્રમણને નહીં હટાવ્યા તો સંંબંધિતો સામે આકરી કાર્યવાહી કરવાની ચીમકી કમિશનર દ્વારા આપવામાં આવી છે.
ફૂટપાથ પરના ગેરકાયદે રીતે અતિક્રમણ કરનારા ફેરિયાઓને તાત્કાલિક હટાવીને ફૂટપાથને રાહદારીઓને ચાલવા યોગ્ય બનાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા તરફથી ‘પેડેસ્ટ્રિયન ફર્સ્ટ’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના અનુસંધાનમાં પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેએ ગુરુવારે પશ્ર્ચિમ ઉપનગરમાં વિલેપાર્લેમાં સ્વામી વિવેકાનંદ રોડ, રામ ગણેશ ગડકરી રોડ, બંડૂ ગોરે માર્ગ, ગોરેગામ રેલવે સ્ટેશન રોડ, શેઠ શ્રી દેવરાજજી ગુંદેચા ચોક, ગોરેગામ સ્ટેશન પાસેની ટોમેટો ગલી, દૂધ સાગર રોડ જેવા વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન નાગરિકો સરળતાથી ચાલી શકે તે માટે તેમણે ફૂટપાથ પરના અતિક્રમણ સંપૂર્ણ રીતે હટાવવાનો નિર્દેશ આપ્યો હતો.
આ દરમ્યાન કમિશનરે ફૂટપાથ પરના અતિક્રમણ, રૅમ્પ, કમર્શિયલ બાંધકામ તેમ જ નાગરિકોને ફૂટપાથ પર આવતા અવરોધ બાબતે સંંબંધિત અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું અને ફૂટપાથ નાગરિકોને વપરાશ માટે ખુલ્લી કરી આપવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ અધિકારીઓને આપ્યો હતો.
‘કે-પશ્ર્ચિમ’ વોર્ડમાં ‘પેડેસ્ટ્રિયન ફર્સ્ટ’ અભિયાન અંતર્ગત પહેલા તબક્કામાં ૩૨૦ કિલોમીટરની લંબાઈની ફૂટપાથ પરથી અતિક્રમણ હટાવીને નાગરિકોને ચાલવા માટે તેને ઉપલબ્ધ કરી આપવામાં આવવાની છે. તેમ જ પશ્ર્ચિમ ઉપનગરમાં કુલ ૩૫૫ રોડમાંથી ૨૭ રોડ હાથમાં લેવામાં આવ્યા છે, જેમાં આ ૨૭ રસ્તા પરના ૩૭.૭ કિલોમીટરના ફૂટપાથ અતિક્રમણ મુક્ત કરવામાં આવવાના છે.
હાઉસિંગ સોસાયટીઓને પાલિકાની ચેતવણી
‘કે-પશ્ર્ચિમ’ અને ‘પી-દક્ષિણ’ વોર્ડમાં ફૂટપાથ પર હાઉસિંગ સોસાયટીઓ અને ગાળાધારકો દ્વારા વાહનોની અવરજવર માટે તૈયાર કરવામાં આવેલા રૅમ્પ અનેક ઠેકાણે નાગરિકોને ચાલવા માટે માર્ગમાં અડચણરૂપ બની રહ્યા છે. ખાસ કરીને સિનિયિર સિટિઝન, મહિલા, નાનાં બાળકો અને દિવ્યાંગ બાળકોને ફૂટપાથ પરના અવરોધોને કારણે ફૂટપાથને બદલે રસ્તા પર ચાલવું પડી રહ્યું છે. તેથી કમિશનરે આ પ્રકારના રૅમ્પ તાત્કાલિક હટાવવાનો નિર્દેશ આપ્યો છે. સંબંધિતોને એક મહિનાની અંદર જાતે જ આ અતિક્રમણ હટાવીને ફૂટપાથ પૂર્વવત્ કરવાની છે. નિર્દેશનું પાલન નહીં કરનારા વિરુદ્ધમાં પાલિકા નિયમ અનુસાર આકરી કાર્યવાહી કરવાની ચેતવણી કમિશનરે આપી છે. ફૂટપાથ પર અનેક ઠેકાણે ઊભા કરવામાં આવેલા સ્ટોલધારકોને પણ પર્યાયી જગ્યા ઉપલબ્ધ કરી આપીને જગ્યા ખાલી કરવામાં આવવાની છે.
ઍમ્બ્યુલન્સ, દર્દી અને વિદ્યાર્થીઓને પ્રાધાન્ય
વિલપાર્લે (પશ્ર્ચિમ)પરિસરમાં કૂપર હૉસ્પિટલ આવેલી હોવાથી રામ ગણેશ ગડકરી રોડ, એસ.વી. રોડ પરથી દર્દીઓ, દર્દીના સંબંધી અને ઍમ્બ્યુલન્સની અવરજવર રહેતી હોય છે. અહીં કૉલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ હોવાથી તેના વિદ્યાર્થીઓ પણ મોટા પ્રમાણમાં અવરજવર કરતા હોય છે. તેથી અહીંની ફૂટપાથ પર અતિક્રમણ હોવાથી રોડ પર લોકો ચાલતા હોવાથી વાહનવ્યવહારમાં અડચણ આવતી હોય છે. તેથી ‘પેડેસ્ટ્રિયન ફર્સ્ટ’ અભિયાન અંતર્ગત રોડ પરની ફૂટપાથ નાગરિકો માટે પૂર્ણપણે ખુલ્લી કરવામાં આવશે.
ગોરેગામમાં સ્ટેશન બહારનો રસ્તો પહોળો થશે
ગોરેગામ પશ્ર્ચિમમાં રેલવે સ્ટેશન પરિસરમાં બંડૂ ગોરે રોડ પરની ફૂટપાથ પરના અતિક્રમણને પરિસરમાં ટ્રાફિક જૅમની સમસ્યા નિર્માણ થઈ રહી છે, તેથી સંબંધિત વ્યવસાયધારકોનું જલદીમાં જલદી સ્થળાંતર કરવાનો કમિશનરે નિર્દેશ આપ્યો હતો. બંડૂ ગોરે રોડની લંબાઈ ૩૫૦ મીટર અને પહોળાઈ ૧૩.૪૦ મીટરની છે. આ રોડનો દરરોજ લગભગ ૭૦,૦૦૦ રેલવે પ્રવાસીઓ ઉપયોગ કરે છે. પહેલા તબક્કામાં ગોરેગામ પશ્ર્ચિમમાં રેલવે સ્ટેશન પરિસરમાં ૪૩ વ્યવસાયધારકોના બાંધકામ હટાવીને રસ્તો પહોળો કરવામાં આવશે. બીજા તબક્કામાં એસ.વી. રોડ અને બંડૂ ગોરે રોડના જંકશન પર જરૂરી વળાંકનું ડિઝાઈનિંગનું કામ પ્રગતિએ છે. આ કામ માટે ૧૧ બાંધકામ અસરગ્રસ્ત હોઈ તેમને વર્ષના અંત સુધીમાં હટાવવાનું પ્રસ્તાવિત છે.