Sun Sep 27 2026

Logo

મુંબઈમાં ૧૪ ફૂટ અને તેનાથી ઊંચાઈના ઝૂંપડા સામે બીએમસી કરશે કાર્યવાહી

2026-09-19 20:58:00
Author: Sapna Desai
મુંબઈમાં ૧૪ ફૂટ અને તેનાથી ઊંચાઈના ઝૂંપડા સામે બીએમસી કરશે કાર્યવાહી

ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ પહેલી ઑક્ટોબરથી ત્રણ મહિના સુધી વિશેષ ઝુંબેશ ચાલશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુંબઈના જુદા જુદા વિસ્તારમાં આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પહેલી ઑક્ટોબરથી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ ત્રણ મહિના સુધી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવવાની છે, જે અંતર્ગત ૧૪ ફૂટ અને તેના કરતા વધુ ઊંચાઈના ઝૂંપડાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર અશ્ર્વિની ભીડેના નિર્દેશ અનુસાર પહેલી ઑક્ટોબરથી ઝૂંપડાઓ સામે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવવાની છે. પાલિકા ૧૪ ફૂટ અને તેનાથી વધુ ઊંચા બાંધકામ સામે જાતે કાર્યવાહી કરીને તોડી પાડે તે પહેલા જ તેમાં રહેતા સંબંધિત લોકોએ જાતે જ તેને તાત્કાલિક તોડી પાડવા અન્યથા આકરા પગલાં લેવામાં આવશે એવી અપીલ પ્રશાસન દ્વારા કરવામાં આવી છે.

મુંબઈમાં ગેરકાયદે બાંધકામ વિરોધમાં મહાનગરપાલિકાના પ્રશાસકીય વિભાગ મારફત વોર્ડ સ્તરે કાર્યવાહી ચાલી રહી છે. ૨૪ ઑગસ્ટથી ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીના સમયગાળામાં કુલ ૧૨૮ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. તો ૧૪૦ ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ કાર્યવાહી બહુ જલદી શરૂ કરવામાં આવશે.

મુંબઈમાં બે લાખ ઝૂંપડા

પાલિકાના આસિસ્ટન્ટ કમિશનર (વિજિલન્સ) દેવેન્દર સિંહના જણાવ્યા મુજબ બૃહન્મુંબઈ (મુંબઈ શહેર અને ઉપનગર) વિસ્તારમાં કુલ ૨,૨૩,૧૫૦ ઝૂંપડા આવેલા છે, તેમાંથી ૩૯,૧૧૧ ઝૂંપડાં ૧૪ ફૂટ અને તેના કરતા વધુ ઊંચાઈના હોવાનું જણાઈ આવ્યું છે. તેમાંથી ૩,૩૪૮ ઝૂંપડાં શહેર વિભાગમાં અને ૪,૩૪૮ ઝૂંપડાં પશ્ર્ચિમ ઉપનગરમાં અને ૩૧,૨૨૭ ઝૂંપડાં પૂર્વ ઉપનગરમાં આવેલા છે. અત્યાર સુધી ૪,૫૮૪ ઝૂંપડાં સામે પહેલાં જ કાર્યવાહી કરવામાં આવી છે. ૬૧૧ ઝૂંપડાઓને નોટિસ ફટકારવામાં આવી છે. બાકીના ઝૂંપડામાં રહેતા લોકોને સંબંધિત બાંધકામ જાતે જ તોડી પાડવાની અન્યથા આકરી કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે.