નાળાસફાઈમાં પારદર્શકતા રહે તે માટે ડેશબોર્ડ પર તમામ માહિતી ઉપલબ્ધ કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ચોમાસા પહેલાના નાળાસફાઈના કામનો મોડે મોડે પણ શુભારંભ થઈ ગયો છે ત્યારે મુંબઈના નાના-મોટા તમામ નાળાઓની સફાઈનું કામ ઝડપથી કરવાનું અને નીચાણવાળા વિસ્તાર કે જયાં વરસાદના પાણી ભરાતા હોય(ફ્લડિંગ સ્પોટ) તેવા વિસ્તામાં ખાસ ધ્યાન આપીને યોગ્ય પદ્ધતિએ નાળાસફાઈના કામનું આયોજન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમ જ નાળાસફાઈના કામમાં પારદર્શતા જળવાઈ રહે તે માટે નાળાસફાઈના કામની તમામ માહિતી પાલિકાના ડેશબોર્ડ પર ઉપલબ્ધ કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે.
મુંબઈ મહાનગર પાલિકાના એડિશનલ કમિશનર(પ્રોજેક્ટ) અભિજિત બાંગરે મુંબઈમાં ચાલી રહેલા નાળાસફાઈના કામનું ઈન્સ્પેકશન કર્યું હતું એ દરમ્યાન તેમણે કામને તેની નિર્ધારીત મુદતમાં અને ગુણવત્તાપૂર્વક કરવાનો નિર્દેશ આપ્યો હતો. કૉન્ટ્રેક્ટર અથવા સંબંધિત અધિકારી દ્વારા કામમાં જાણીજોઈને કોઈ પણ પ્રકારની બેદરકારી કરી હોવાનું જણાઈ આવ્યું તો સંબંધિતો સામે આકરા પગલા લેવાની તેમણે ચેતવણી પણ આપી હતી.
એડિશનલ કમિશનરે જણાવ્યું હતું કે કે મુંબઈના તમામ નાળાની સફાઈ સમયસર પૂરું થાય તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. નાળાસફાઈ કરવા પહેલાં મોટા નાળામાં રહેલા તરતા કચરાને અટકાવવા માટે ટ્રેશ બુમ સિસ્ટમને અમલમાં મૂકવાની સલાહ આપવામાં આવી છે. તેમ જ નીચાણવાળા અને ગીચ વસતીના ઠેકાણે પાણી ભરાય નહીં તે માટે આ વિસ્તારમાં આવેલી ગટરો અને નાળાઓની સફાઈ યોગ્ય પ્રકારને થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ગયા વર્ષે ભાંડુપના ઉષાનગર સોસાયટીમાં ભરાયેલા વરસાદના પાણી ભાંડુપ રેલવે સ્ટેશન પરના પાટા પર અને ઘાટકોપરના જોલી જિમખાના ઠેકાણે પાટા પર આવી ગયેલા પાણી તેમ જ ચુનાભટ્ટી રેલવે સ્ટેશન નજીક હાઈવે સોસાયટીમાંથી આવેલા પાણીને કારણે રેલવે સેવા ખોરવાઈ ગઈ હતી. તેથી આ વર્ષે આવી ઘટનાનું પુનરાવર્તન થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

માહિતી ડેશબોર્ડમાં અપડેટ કરવાની રહેશે
કૉન્ટ્રેક્ટરે નાળાની સફાઈ દરન્યાન કાઢેલો ભીનો ગાળ (કાદવ-કચરો) ૪૮ કલાકમાં તડકામાં સુકાવ્યા બાદ તેનું ટ્રાન્સ્પોર્ટેશન થાય છે કે નહીં તેના પર સંબંધિત એન્જિનિયરે ધ્યાન આપવાનું રહેશે. એ સાથે જ બીજી બાજુએ સંબંધિત કૉન્ટ્રેક્ટરે વિડિયો સાથે કમ્પ્યુટર સિસ્ટમ પર દૈનિક કામગીરીની વાહનવાર વિગતો પણ અપડેટ કરવાની જરૂરી રહેશે.પાલિકાના અધિકારી અને કૉન્ટ્રેક્ટરે સમન્વય સાધીને સાથે કામ કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો હતો. એ સાથે જ નાગરિકોને નાળાના સફાઈની લગતી તમામ વિગતો મળી રહે તે માટે ડેશબોર્ડ પર તમામ માહિતી ઉપલબ્ધ કરવી પડશે.
નાળા સફાઈના કામમાં એન્જિનિયરની હાજરી ફરજિયાત
નાળાસફાઈની સંપૂર્ણ પ્રક્રિયા પર એન્જિનિયરે વ્યક્તિગત રીતે ધ્યાન રાખવાનું આવશ્યક રહેશે. તેમ જ નાળાસફાઈના કામ દરમ્યાન એન્જિનિયરની હાજરી આવશ્યક રહેશે. કૉન્ટ્રેક્ટર મારફત કરવામાં આવનારા કામમાં સંપૂર્ણ પારદર્શકતા રહે તે માટે એન્જિનિયરે અલર્ટ રહેવાનું રહેશે. જો જાણીજોઈને કોઈ ગેરપ્રકાર કરવાનો પ્રયાસ કરતો હોવાનું જણાઈ આવ્યું તો કૉન્ટ્રેક્ટર અને અધિકારી બંને સામે ગંભીર કાર્યવાહી કરવાની ચીમકી પ્રશાસન દ્વારા આપવામાં આવી છે.