મુંબઈ: બેસ્ટ વહીવટીતંત્રે મુંબઈમાં રહેતા કે મુંબઈ આવતા શ્રદ્ધાળુઓ તેમ જ નિયમિત મુસાફરો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રભાદેવી સ્થિત પ્રખ્યાત શ્રી સિદ્ધિવિનાયક મંદિરના દર્શનાર્થે આવતા નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખી એ - 814 નંબરની શ્રી સિદ્ધિવિનાયક ફેરી નામની ખાસ એસી બસ શરૂ કરવામાં આવી છે.
23 મેથી શરૂ થયેલી આ બસ દાદર સ્ટેશન પશ્ચિમથી પ્રભાદેવી મંદિર સુધી જશે. મંદિર વિસ્તારમાં દરરોજ ભક્તોની ભીડના કારણે ટ્રાફિક જામ અને પાર્કિંગની સમસ્યા થતી હોવાથી આ બસ સર્વિસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બસ ફેરીમાં મુસાફરી કરતી વખતે મુસાફરો હવે પોર્ટુગીઝ ચર્ચ, આરામ નગર, રવિન્દ્ર નાટ્ય મંદિર, દાદર પોલીસ સ્ટેશન, શારદા આશ્રમ, કબુતર ખાના જેવા કેટલાક મહત્વપૂર્ણ સ્થળોએ સરળતાથી પહોંચી શકશે. આ સુવિધા વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને નિયમિતપણે મંદિરમાં દર્શન માટે આવતા ભક્તો માટે ફાયદાકારક રહેશે.આગામી દિવસોમાં જો આ સર્વિસને મુસાફરો તરફથી સારો પ્રતિસાદ મળશે તો અન્ય વિશેષ ધાર્મિક સ્થળો માટે બસ સર્વિસ શરૂ કરવા પર વિચારણા કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.