Mon Aug 17 2026

Logo

મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટના બોર્ડિંગ વખતે પ્રવાસીની એક ટિપ્પણીથી 'અફડાતફડી', સ્ટાફે સમગ્ર વિમાનની તપાસ કરી પણ...

2026-08-13 20:07:53
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના T2 ટર્મિનલ પર એક મુસાફરની એક ટિપ્પણી કે, મારી બેગમાં "બૉમ્બ" છે, ને કારણે કલાકો સુધી એરપોર્ટ પરિસરમાં તંત્ર દોડતું થઈ ગયું હતું. દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઇટના બોર્ડિંગ ગેટ પર સુરક્ષા તપાસ દરમિયાન 55 વર્ષીય મુસાફર અનુજ જયરામ સુવર્ણાએ પોતાના બેગમાં બોમ્બ હોવાનો દાવો કર્યો હતો. મુસાફરના આ નિવેદન બાદ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા તાત્કાલિક સક્રિય કરવામાં આવી હતી અને સમગ્ર વિમાનની તપાસ હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, મુંબઈથી દિલ્હી જવા માટે ઈન્ડિગોની ફ્લાઇટ ઉડાન ભરવાની તૈયારીમાં હતી. એ જ વખતે બોર્ડિંગ ગેટ પર એરલાઇનના સિસ્ટમ સિક્યોરિટી મેનેજર ઓમપ્રકાશ રાજભર અને સુરક્ષા અધિકારી રવિન્દ્ર રોકડ મુસાફરોના હેન્ડ બેગની નિયમિત તપાસ કરી રહ્યા હતા. સુરક્ષા તપાસ દરમિયાન અધિકારીઓએ અનુજ સુવર્ણા નામની પ્રવાસીને તેની બેગમાં માચિસ, લાઇટર, કોઈ પ્રવાહી અથવા અન્ય પ્રતિબંધિત વસ્તુ છે કે કેમ તે અંગે સામાન્ય પૂછપરછ કરી હતી. 

આ દરમિયાન સુવર્ણાએ કથિત રીતે બેફિકરાઈથી પોતાના બેગમાં બોમ્બ હોવાનું જણાવ્યું હતું. મુસાફરના મોઢેથી ‘બોમ્બ’ શબ્દ સાંભળતા જ એરલાઈનના કર્મચારીઓએ મામલાની ગંભીરતા સમજીને પોતાના વરિષ્ઠ અધિકારીઓ તેમ જ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ )ને જાણ કરી હતી. 
સીઆઈએસએફના જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરીને મુસાફરને ફ્લાઇટમાંથી નીચે ઉતારીને કસ્ટડીમાં લીધો હતો. જોકે બાદમાં તેણે કહ્યું કે તેણે માત્ર મજાકમાં આવી વાત કહી દીધી હતી, પણ હસવામાંથી ખસવું થઇ ગયું હતું. 

સિક્યોરિટી પ્રોટોકોલ મુજબ સમગ્ર વિમાનને ખાલી કરાવવામાં આવ્યું હતું. તમામ મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતારી દેવાયા બાદ સુરક્ષા એજન્સીઓએ સઘન તપાસ શરૂ કરી હતી. સીઆઈએસએફ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે વિમાનના અંદરના ભાગો ઉપરાંત કાર્ગો સહિત મુસાફરોના સામાન અને અન્ય સંબંધિત સ્થળોની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

લાંબી તપાસ બાદ કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નહોતી. તપાસમાં કોઈ જોખમી વસ્તુઓ નહીં મળતાં સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો અને ત્યારબાદ ફ્લાઈટને દિલ્હી જવા માટે રવાના કરવામાં આવી હતી.

સીઆઈએસએફએ અનુજ સુવર્ણાને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સહાર પોલીસને સોંપ્યો હતો. પોલીસની પૂછપરછ દરમિયાન મુસાફરે કથિત રીતે જણાવ્યું હતું કે તેણે બેગમાં બોમ્બ હોવાની વાત માત્ર મજાકમાં કરી હતી. 
સુરક્ષા અધિકારીની ફરિયાદના આધારે સહાર પોલીસે કેસ નોંધ્યો અને મુસાફરની ધરપકડ કરી હતી. જોકે, બાદમાં તેને વોર્નિંગ નોટિસ આપીને છોડી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

એરપોર્ટ જેવા અત્યંત સંવેદનશીલ સ્થળે બોમ્બ અંગેની એક ટિપ્પણીને સુરક્ષા એજન્સીઓ હળવાશથી લઈ શકે નહીં. મુસાફરના નિવેદન બાદ નિયમિત પ્રક્રિયાના ભાગરૂપે સમગ્ર વિમાન અને સામાનની તપાસ કરવી પડી હતી. તેના કારણે ફ્લાઇટના સંચાલનમાં પણ વિલંબ થયો હતો. 

અધિકારીઓના જણાવ્યા મુજબ આ પ્રકારની બેદરકારીભરી ટિપ્પણીથી અન્ય મુસાફરોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. અને એરલાઈન તથા સુરક્ષા એજન્સીના સંસાધનોનો પણ મોટો ઉપયોગ કરવો પડ્યો હતો. હાલમાં પોલીસ સમગ્ર મામલાની વધુ તપાસ કરી રહી છે.