Wed Sep 02 2026

Logo

સુરતમાં દેશનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન અને ડેપો તૈયાર: ડાયમંડ થીમ સાથેનો અદભૂત નજારો

2026-04-01 19:08:16
Author: Vimal Prajapati
સુરતમાં દેશનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન અને ડેપો તૈયાર: ડાયમંડ થીમ સાથેનો અદભૂત નજારો

સુરતઃ ભારતની પ્રથમ બુલેટ ટ્રેન મુંબઈ-અમદાવાદ કોરિડોર પ્રોજેક્ટનું કામ અત્યારે ઝડપી ચાલી રહ્યું છે. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગયા વર્ષે જ જાહેરાત કરી દીધી હતી કે, આગામી 15 ઓગસ્ટે ગુજરાતમાં પ્રથમ બુલેટ ટ્રેન દોડશે. તેમાં કેટલી હકીકત છે તે આ કામગીરી દર્શાવે છે. સુરતમાં બુલેટ ટ્રેન સ્ટેશનનું સિવિલ વર્ક પૂર્ણ થઈ ગયું છે. એક ડ્રોન વીડિયોમાં સ્પષ્ટ રીતે છત પર હીરાની આકૃતિઓ જોવા મળે છે, જે સુરત સ્ટેશનની થીમ 'ડાયમંડ' પર આધારિત છે.

સુરતમાં પહેલા ડેપોનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ

NHSRCLએ સુરતમાં પહેલા ડેપોનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ કરી દીધું છે. અહીંથી પહેલી બુલેટ ટ્રેન શરૂ કરવામાં આવશે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે ઇન્સ્ટાગ્રામ પર આ પ્રોજેક્ટનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં સુરતના પહેલા બુલેટ ટ્રેનના ડેપોનો નજારો જોઈ શકાય છે. સુરત રોલિંગ સ્ટોક ડેપો 27 હેક્ટરમાં બને છે અને તેમાં ટ્રેનના ચાલુ કરવા તથા જાળવણી માટે આધુનિક સુવિધાઓ છે. અહીં જાળવણી માટે અત્યાધુનિક સાધનો, નિરીક્ષણ બે, વોશિંગ પ્લાન્ટ, સ્ટેબલિંગ લાઇન્સ વગેરેની વ્યવસ્થા છે. 

NHSRCLએ એક્સ પ્લેટફોર્મ પર વીડિયો શેર કર્યો

નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડએ સુરતમાં પ્રથમ રોલિંગ સ્ટોક ડેપો તૈયાર કર્યો છે, જ્યાંથી બુલેટ ટ્રેન રોલ આઉટ કરવામાં આવશે. NHSRCLએ પોતાના એક્સ પ્લેટફોર્મ પર તેનો વીડિયો શેર કર્યો છે. આ પરિયોજનામાં કુલ ત્રણ ડિપો બનાવવામાં આવશે. બે ગુજરાતમાં સાબરમતી અને સુરત જ્યારે એક મહારાષ્ટ્રના થાણેમાં બનાવાશે. સુરતમાં જે ડેપોની વાત છે તે અત્યારે તૈયાર કરી દેવામાં આવ્યો છે. એટલે આગામી પંદરમી ઓગસ્ટે પહેલી બુલેટ ટ્રેન શરૂ કરવાની જે યોજના તે સફળ થશે તેવું લાગે છે.