મુંબઈ: મુંબઈમાં ચોમાસું નજીકમાં છે ત્યારે કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મેળવવા માટે આ વખતે પણ એસી લોકલમાં લોકોએ વિશેષ મુસાફરી કરી હતી. પશ્ચિમ રેલવેના અહેવાલ મુજબ કાળઝાળ ગરમીના કારણે પ્રવાસીઓ આ વર્ષે સૌથી વધારે એસી લોકલ ટ્રેનોમાં મુસાફરી કરી હતી. શહેરમાં પડતી અસહ્ય ગરમીએ એસી લોકલ ટ્રેનોની માંગ વધારી છે. શહેરમાં મે મહિનામાં પડેલી અસહ્ય ગરમીના લીધે એસી લોકલ ટ્રેનોની માંગ વધી હતી. જેના લીધે અસી ટ્રેનમાં મુસાફરી કરનારા પ્રવાસીઓની સંખ્યામાં અને રેલવેની આવકમાં ધરખમ વધારો થયો હતો.
પશ્ચિમ રેલવેના દાવા પ્રમાણે પશ્ચિમ રેલ્વેમાં 11 મેના એક દિવસે રેકોર્ડ બ્રેક લોકોએ મુસાફરી કરી હતી. આ દિવસે સૌથી વધારે ટિકિટો અને પાસ વેચાયા હતા. રેલવે અધિકારીઓની વિગતો મુજબ તે એક જ દિવસમાં કુલ 50,663 જેટલી ટિકિટો અને પાસનું વેચાણ થયું હતું. જેની કુલ આવક 1,60,58,895 રૂપિયા જેટલી થઇ હતી. આ પહેલા થોડા દિવસ અગાઉ જ એટલે કે 4 મેના કુલ 47,475 જેટલી ટિકિટો અને પાસ વેચ્યા હતા, જેમાં કુલ આવક 1,60,21,240 રૂપિયા જેટલી થઇ હતી.
અધિકારીઓના જણાવ્યા મુજબ, શહેરમાં મે મહિનામાં પડેલી કાળઝાળ ગરમીના લીધે પ્રવાસીઓ એસી ટ્રેનમાં સફર કરવાનું વધારે પસંદ કરતા હતા. જેના કારણે અચાનક આ ઉછાળો જોવા મળ્યો હતો, પરિણામે એસી લોકલ ટ્રેનમાં મુસાફરી કરનારા પ્રવાસીઓના આંકડામાં પણ વૃદ્ધિ જોવા મળી હતી.
વેસ્ટર્ન રેલવે દ્વારા પ્રવાસીઓની મુસાફરીનો ડેટા રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં 1 મેથી 31 મે સુધીમાં 58,89,737 જેટલા પ્રવાસીએ એસી લોકલ ટ્રેનમાં આ મહિના દરમિયાન મુસાફરી કરી હતી. એક જ મહિનામાં રેલવે વિભાગને કુલ 28,10,81,995 રૂપિયા જેટલી આવક પ્રાપ્ત થઇ હતી.
રેલવે અધિકારીના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષ કરતા આ વર્ષે એસી લોકલ ટ્રેનોની માંગ વધારે જોવા મળી હતી. દૈનિક મુસાફરી કરનારા પ્રવાસીઓમાં પણ એસી સબર્બન સેવાઓનો લાભ લીધો હતો, જેના લીધે પ્રવાસીઓની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો.
પશ્ચિમ રેલવેના અધિકારીએ કહ્યું હતું કે જો આમને આમ એસી લોકલ ટ્રેનોમાં મુસાફરી કરનારા પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળશે, તો તેઓ નવી એડિશનલ લોકલ એસી સેવા વધારવાની નોબત આવશે. આ સેવાઓ માટે પ્રવાસીઓ દ્વારા પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
હાલમાં પશ્ચિમ રેલવે દ્વારા રોજના 145 એસી લોકલ ટ્રેન દોડાવવામાં આવે છે, જ્યારે શનિવાર અને રવિવારે કુલ 118 જેટલી એસી લોકલ ટ્રેન સબર્બન નેટવર્ક વચ્ચે દોડે છે. આ પહેલા પાંચ મહિનાઓમાં એસી લોકલ ટ્રેનોનો વ્યાપ વધતો જોવા મળ્યો હતો.
વેસ્ટર્ન રેલવે દ્વારા જાન્યુઆરી 2026થી મે 2026 સુધીમાં કુલ 52,43,367 એસી લોકલ ટ્રેન ટિકિટો અને પાસનું વેચાણ થયું હતું. જેમાં લગભગ 119 કરોડ રૂપિયા જેટલી આવક થઈ હતી. પશ્ચિમ રેલવે દ્વારા આ સમયગાળા દરમિયાન વર્ષ 2025માં 40,77,294 જેટલી ટિકિટો અને પાસનું વેચાણ થયું હતું. જેમાં લગભગ 97 કરોડ જેટલી આવક થઇ હતી.
આ આંકડાઓ અસહ્ય ગરમીના લીધે પ્રવાસીઓની એસી લોકલ ટ્રેનોની વધતી માંગ તરફ ઈશારો કરે છે, જે વેસ્ટર્ન રેલવે વિભાગની આવકમાં પણ વધારો કરશે. આ સાથે આવક વધતા પ્રવાસીઓની સેવાઓમાં પણ વધારો કરવામાં આવશે.