Sat Sep 05 2026

Logo

ધોનીએ 18 વર્ષમાં પાંચ મૅચ ગુમાવી હતી, હવે બે અઠવાડિયાંમાં છ મૅચ ગુમાવશે

2026-03-29 18:38:00
Author: Ajay Motiwala
ધોનીએ 18 વર્ષમાં પાંચ મૅચ ગુમાવી હતી, હવે બે અઠવાડિયાંમાં છ મૅચ ગુમાવશે

ચેન્નઈઃ મહેન્દ્ર સિંહ ધોની 2008થી માંડીને 2025 સુધીમાં આઇપીએલ (IPL)ની કુલ 18 સીઝનમાં ફિટનેસના કારણસર ફક્ત પાંચ મૅચ નહોતો રમી શક્યો, પણ હવે તે પગના દુખાવાને લીધે આવનારા લગભગ ત્રણ અઠવાડિયા દરમ્યાન કુલ છ મૅચ નહીં રમે એવું જાણવા મળ્યું છે.

ધોની (DHONI) 44 વર્ષનો છે. તે 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયો હતો અને ત્યાર બાદ દર વર્ષે આઇપીએલમાં રમ્યો છે. 2023માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમ વિક્રમજનક પાંચમી વખત ટાઇટલ જીતી હતી અને ત્યારે ધોની આઇપીએલમાંથી પણ રિટાયર થઈ જવા માગતો હતો, પરંતુ કરોડો ક્રિકેટપ્રેમીઓની લાગણીને તેણે રમવાનું ચાલુ રાખ્યું છે.

જોકે આ વખતની સીઝનના આરંભ અગાઉ ઘણા દિવસો પહેલાંથી ધોનીએ ફિટનેસ પર ખાસ ધ્યાન આપ્યું હતું, પણ પગનો દુખાવો ઓછો નથી થયો. બે દિવસ પહેલાં અહેવાલ મળ્યો હતો કે તે બે અઠવાડિયા નહીં રમે. આ બે અઠવાડિયામાં સીએસકેની ચાર મૅચ રમાવાની હોવાથી એ ચારેય મૅચ ગુમાવશે એવું મનાતું હતું, પણ એક જાણીતા અંગે્રજી દૈનિકના અહેવાલ અનુસાર ધોની એપ્રિલના છેલ્લા અઠવાડિયાંથી પહેલાં મેદાન પર પાછો આવશે એની સંભાવના ઓછી છે એટલે લગભગ પહેલી છ મૅચમાં તે નહીં જોવા મળે.

સીએસકેના એક વરિષ્ઠ અધિકારીએ એક મુલાકાતમાં કહ્યું, `ધોનીની ઈજા અમારા માટે મોટી ચિંતા છે. અમારા માટે આ એક ઝટકો પણ છે, પરંતુ અમારે એ આઘાત અને નિરાશામાંથી બહાર આવવું પડશે.'