મોરબી: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર ભારતના સિરામિક ઉદ્યોગ કેન્દ્ર મોરબી પર પડી છે, જે હોર્મુઝ સ્ટ્રેટના અવરોધને કારણે માત્ર ગેસની અછત જ નહિ પણ દરિયામાં કાર્ગોના વધારાના ખર્ચ તેમજ પ્રતિબંધનો પણ સામનો કરી રહ્યો છે. તાજેતરમાં જ નિકાસ માટે મોકલવામાં આવેલા લગભગ 1500 જેટલા કન્ટેનરો પરત ફર્યા હોવાના અહેવાલ છે. આ જહાજો પરત ફરવાને કારણે શિપિંગ લાઈનો દ્વારા વસૂલવામાં આવતા સરચાર્જનો માર પણ સિરામિક ઉદ્યોગને મોટો ફટકો આપનારો છે.
મળતી વિગતો અનુસાર, મધ્ય-પૂર્વમાં વધતા તણાવને લીધે મુંદ્રા અને કંડલા પોર્ટ પરથી રવાના થયેલા મોરબીના અંદાજે 1,500 જેટલા કન્ટેનરો અધવચ્ચેથી પરત ફર્યા છે. આ વૈશ્વિક સંકટને પગલે શિપિંગ કંપનીઓએ કન્ટેનર દીઠ 500 થી 3,500 ડોલર સુધીનો તોતિંગ સરચાર્જ અને લાખો રૂપિયાનો ડેમરેજ વસૂલતા ઉદ્યોગકારોને 5 લાખથી લઈને 2 કરોડ રૂપિયા સુધીનું માતબર આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ ઉદ્યોગપતિઓએ સરકારને રજૂઆત કરી હતી અને તેના પ્રતિસાદ રૂપે કેન્દ્ર સરકારે મુશ્કેલીમાં મુકાયેલા ઉદ્યોગકારો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નોટિફિકેશન મુજબ, યુદ્ધના કારણે આર્થિક ફટકો વેઠી રહેલા અસરગ્રસ્ત એક્સપોર્ટરોને વધુમાં વધુ 50 લાખ રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે. સરકારના આ સમયસરના નિર્ણયથી કરોડો રૂપિયાના નુકસાનમાં ડૂબેલા મોરબીના સિરામિક એકમોને સંકટના સમયે મોટું આર્થિક પીઠબળ મળવાની આશા જાગી છે.
મોરબી સિરામિક ઉદ્યોગને માથે ઊભા થયેલા આ સંકટમાં અન્ય એક કારણ પણ જવાબદાર છે. ઈરાન દ્વારા હોર્મુઝની ખાડી પર મૂકવામાં આવેલા પ્રતિબંધ કે જ્યાંથી વિશ્વનો 20% ગેસ પુરવઠો પસાર થાય છે, તેની અસર પણ મોરબીના સિરામિક ઉદ્યોગમાં જોવા મળી રહી છે. ગેસની અછત સર્જાતા ભારત સરકારે ઘરગથ્થુ રાંધણ ગેસને પ્રાધાન્ય આપ્યું છે, જેના કારણે મોરબીના 515થી વધુ પ્રોપેન-સંચાલિત ટાઈલ્સ એકમોને મળતી સપ્લાય બંધ થઈ ગઈ છે. મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (MCMA) એ 17 માર્ચથી ઉદ્યોગોમાં સામાન્ય ઉત્પાદન સ્થગિત કરવાની જાહેરાત કરી છે.
અહેવાલો અનુસાર, મોરબીના આર્થિક તંત્ર પર આની ખૂબ ગંભીર અસર પડી છે. અંદાજે 75,000 કરોડના ટર્નઓવર ધરાવતા આ માર્કેટમાં 70% થી વધુ એકમો અત્યારે બંધ છે. માત્ર તેવા જ એકમો કાર્યરત છે જે નેચરલ ગેસ પર ચાલે છે, પરંતુ ત્યાં પણ કેન્દ્ર સરકારના નવા ગેઝેટ નોટિફિકેશન મુજબ સપ્લાયમાં 20% નો કાપ મુકાયો હોવાથી ચિંતા ઘેરી બની છે.