- રાજકુમાર ‘દિનકર’
વરસાદની ઋતુ કાળઝાળ ગરમીમાંથી રાહત તો આપે છે, પરંતુ પોતાની સાથે અનેક પ્રકારના સ્વાસ્થ્ય પડકારો પણ લઈને આવે છે. આ ઋતુમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે. તાપમાનમાં વધઘટ થાય છે અને બેક્ટેરિયા, વાયરસ તથા ફંગસ ઝડપથી ફેલાય છે. આ જ કારણ છે કે શરદી, ઉધરસ, વાયરલ તાવ, પેટનું ઇન્ફેક્શન, ફૂડ પોઇઝનિંગ અને ત્વચાને લગતી સમસ્યાઓ આ ઋતુમાં વધુ જોવા મળે છે.
નિષ્ણાતોનું માનવું છે કે ચોમાસા દરમિયાન જો ખાનપાન પર વિશેષ ધ્યાન આપવામાં આવે, તો રોગપ્રતિકારકશક્તિ મજબૂત કરવામાં મદદ મળી શકે છે. આ માટે ખાદ્ય પદાર્થોની પસંદગી કરતી વખતે એ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે એવા કયા સુપરફૂડ્સ છે, જે આપણને આ ઋતુમાં વિટામિન્સ, મિનરલ્સ, એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને અન્ય જરૂરી પોષક તત્ત્વો ભરપૂર માત્રામાં પૂરા પાડે છે. ચાલો, ક્રમશ: તેના વિશે જાણીએ.
આદુ
આદુ આમ તો ઘણા લોકો સ્વાદ માટે દરેક ઋતુમાં ખાતા હોય છે, પરંતુ ચોમાસાના દિવસોમાં તેનો ઉપયોગ ચોક્કસ કરવો જોઈએ. તેમાં રહેલા એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણો શરીરને ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. સાથે જ, તે આપણા પાચનને પણ સુધારે છે, જેનાથી પેટની સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. શિયાળાની જેમ ચોમાસામાં પણ આદુવાળી ચા ગળાને આરામ આપે છે અને શરદી-ઉધરસથી આપણને રાહત અપાવે છે.
હળદર
હળદર પણ એક એવું સુપરફૂડ છે, જેનો ઉપયોગ ચોમાસાના દિવસોમાં ચોક્કસ કરવો જોઈએ. જો કે, હળદર ભારતીય રસોડાનો એક અભિન્ન હિસ્સો છે. તેથી જો તેના પર વિશેષ રૂપે ધ્યાન ન પણ આપવામાં આવે, તો પણ આપણે સામાન્ય રીતે હળદર ખાતા જ રહીએ છીએ. પરંતુ ચોમાસાના દિવસોમાં તેને પૂરી સજાગતાથી આપણા ખોરાકનો ભાગ બનાવવી જોઈએ. કારણ કે તેમાં જોવા મળતું ‘કર્ક્યુમિન’ નામનું શક્તિશાળી એન્ટિ-ઓક્સિડન્ટ તત્ત્વ એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો માટે જાણીતું છે.
ચોમાસામાં હળદરવાળું દૂધ પીવું ખૂબ જ ફાયદાકારક હોય છે. આનાથી શરીરની નિયમિત રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે. ઘણા સંશોધનો પરથી જાણવા મળ્યું છે કે, આમ તો હળદર અદ્ભુત રોગપ્રતિકારક ક્ષમતા ધરાવે છે, પરંતુ તેનો ઉપયોગ સંતુલિત માત્રામાં જ કરવો જોઈએ.
લસણ
લસણમાં કુદરતી એન્ટિબાયોટિક તત્ત્વો જોવા મળે છે. તેમાં ‘એલિસિન’ નામનું તત્ત્વ હોય છે, જે અનેક પ્રકારના સૂક્ષ્મજીવો સામે અસરકારક હોય છે. જો નિયમિતપણે થોડી માત્રામાં લસણનો ઉપયોગ કરવામાં આવે, તો તે અનેક પ્રકારના ઇન્ફેક્શનને દૂર કરે છે. ભારતીય દાળ, શાકભાજી અને સૂપમાં પણ લસણનો પુષ્કળ ઉપયોગ થાય છે. ચોમાસાના દિવસોમાં લસણ ખૂબ જ લાભદાયી છે, કારણ કે તે આ દિવસોમાં ઝડપથી ફેલાતા ચેપ સામે રક્ષણ આપે છે.
દહીં
ચોમાસાની ઋતુમાં પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં દહીં અને છાશની મહત્ત્વની ભૂમિકા છે, પરંતુ ઘણા લોકો વરસાદના દિવસોમાં દહીં ખાવાનું ટાળે છે. પરંતુ આના સેવનથી આંતરડામાં સારા બેક્ટેરિયા વધે છે, પાચન પણ સુધરે છે અને શરીરની રોગપ્રતિકારકશક્તિને પણ ટેકો મળે છે.
મોસમી ફળો અને ડ્રાયફ્રૂટ્સ
ચોમાસામાં મળતા ઘણા ફળો વિટામિન્સ અને એન્ટિ-ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે જેમ કે જાંબુ, નાશપતી, આલુબુખારા, સફરજન અને દાડમ. આ દિવસોમાં આ ફળો ખાવાથી શરીરના પોષણની સાથે-સાથે રોગપ્રતિકારક તંત્રને પણ ભરપૂર ઊર્જા મળે છે. પરંતુ ફળો હંમેશા ધોઈને અને તાજા જ ખાવા જોઈએ. કાપેલા ફળો અથવા કાપીને ફ્રિજમાં લાંબો સમય રાખેલા ફળો ખાવાનું ટાળવું જોઈએ.
ચોમાસામાં રોગપ્રતિકારકશક્તિ વધારવા માટે શું ખાવું અને શું ન ખાવું
શું ખાવું જોઈએ
આદુ, હળદર અને લસણ ખાઓ. તુલસીયુક્ત હર્બલ ડ્રિંક પીવો. તાજો અને ગરમ ખોરાક ખાઓ. દહીં અને પ્રોબાયોટિક ખોરાક ખાઓ. બદામ, અખરોટ ખાઓ. પુષ્કળ પાણી પીવો
શું ન ખાવું
સારી રીતે ધોયા વિના ફળો કે શાકભાજીને ન ખાઓ. વધુ પડતા તળેલા ખોરાક ખાવાનું ટાળો. ખુલ્લામાં કાપેલા ખોરાક ખાવાનું ટાળો.