ટોચના હીરો લોકો માટે યાદગાર સોન્ગ આપનારા આ ગાયકે અન્ય અભિનેતાઓ માટે ગાયેલાં ગીત પણ આજે રસિકોને યાદ છે...
હેન્રી શાસ્ત્રી
આજે 31 જુલાઈ. 46 વર્ષ પહેલા એ દિવસની વરસાદી સાંજે અફલાતૂન ગાયક મોહમ્મદ રફીના દેહાવસનના સમાચાર સાંભળી અનેક રસિકો હચમચી ગયા હતા. 1944થી 1980 દરમિયાન હિન્દી અને ગુજરાતી સહિત અન્ય ભાષાઓમાં ગાયકીની આભા પાથરનારા બેમિસાલ રફીસાબની મ્યુઝિકલ રેન્જ અદ્ભુત હતી એટલું જ વિશાળ એમનું યોગદાન હતું.
કારકિર્દીના પ્રારંભિક કાળમાં દિલીપ - દેવ - રાજની ત્રિપુટી માટે પાર્શ્વગાયન કરનારા રફી સાહેબે ધર્મેન્દ્ર - રાજેશ ખન્ના - અમિતાભ બચ્ચન માટે પણ ઘણાં ગીત ગાયાં. એમની સંગીત સફર પર નજર નાખતા ધ્યાનમાં આવે છે કે એમણે એવા અભિનેતાઓ માટે પણ પ્લેબેક આપ્યું છે જે ફિલ્મના પડદા પર ગીત રજૂ કરવા માટે જાણીતા નહોતા. આવા કલાકાર માટે પાર્શ્વગાયન કર્યું હોય અને એ ગીત સુપરહિટ થયાં હોય એના ઉદાહરણ મોજુદ છે. એવા પાંચ ગીત વિશે જાણીએ અને આજે એમની પુણ્યતિથિ નિમિત્તે આ અને અન્ય ગીતો માણી એમને સ્મરણ વંદન કરીએ.
ડેવિડ અબ્રાહમ:
નન્હે મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠી મેં ક્યા હૈ - બુટ પોલિશ (1954)
હિન્દી ફિલ્મોમાં બાળકોને ધ્યાનમાં રાખી લખાયેલાં ગીતોમાં આ સર્વશ્રેષ્ઠ છે એ મારો અંગત અભિપ્રાય છે. બાળકો માટેનાં ગીતમાં પડદા પર બાળકો તો હોવાના જ, સાથે વડીલની હાજરી પણ હોય. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સંભવત: એકમાત્ર પુરુષ યહૂદી અભિનેતા ડેવિડને રફીએ પ્લેબેક આપ્યું છે અને એમનાથી જ ગીતનો પ્રારંભ થાય છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સોફેસ્ટિકેટેડ એક્ટર ગણાયેલા ડેવિડ (આખું નામ ડેવિડ અબ્રાહમ યેઉલકર) અંકલએ 100થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો, જેમાં મહદંશે માયાળુ માણસના રોલમાં જોવા મળ્યા. ‘મેમદીદી’માં ગામવાસીઓ પર રોફ જમાવતા બહાદુર સિંહ કે ‘બુટ પોલિશ’માં ગેરકાયદે દારૂની હેરફેર કરતા જોન ચાચાના પાત્રો સામે દર્શકોને જરાય તિરસ્કાર નથી થતો, ઊલટાનું મમત્વ થાય છે.
અદ્ભુત ગીતકાર શૈલેન્દ્રએ બાળકોના ભાવને પ્રભાવીપણે રજૂ કર્યા છે અને આશા ભોસલે સાથેના આ યુગલગીતમાં રફીસાબની ગાયકીએ ડેવિડ અંકલને માત્ર બાળકોના જ નહીં સર્વવયના દર્શકોના ફેવરિટ બનાવી દીધા છે. શૈલેન્દ્રના શબ્દો, શંકર જયકિશનની સરળ ધૂન, માણસમાત્ર માટે મમત્વ ધરાવતા મોહમ્મદ રફીનો અવાજ, ડેવિડ અંકલનો માયાળુ ચહેરો અને ફિલ્માંકનમાં સાદગી એ પંચામૃત માણવા જેવું છે.
શેખર:
તુજે ક્યા સુનાઉં મૈં દિલરુબા - આખરી દાવ (1958)
હિન્દી ફિલ્મ ઈતિહાસના કેટલાક અજાણ્યા અને આકરા લાગે - કઠે એવા હીરોમાં એક નામ છે શેખરનું. ‘આખરી દાવ’માં નૂતનના નાયક બનેલા મિસ્ટર શેખરને મીના કુમારીના હીરો (ચાંદની ચોક) બનવાનું સદ્ભાગ્ય પણ સાંપડ્યું હતું. મજરૂહ સુલતાનપુરી લિખિત અને મદન મોહનએ સ્વરબદ્ધ કરેલા આ ગીતમાં એક પણ પંક્તિ ગાયા વિના અને ગીતના ભાવમાં ગૌણ હોવા છતાં ગીત જોયા પછી નૂતન જ સ્મરણમાં રહે છે. એને અભિનેત્રીની આવડત સમજવી કે હીરોની અણઆવડત સમજવી એ ગીત જોઈને જાતે નક્કી કરી લેવું.
ક્ધયાઓની પિકનિકમાં કુંવર ભાવશૂન્ય હોવા છતાં ગીત કેટલું ભાવવાહી બન્યું છે એનો પ્રમુખ શ્રેય નૂતનના એક્સપ્રેશન્સને અને રફી સાહેબના મખમલી અવાજને ટેંક કર્ણમધુર ધૂનને જાય છે. 1960ના દાયકામાં અનેક પ્રેમીઓ પોતાની પ્રેયસી માટે આ ગીત ગણગણવા પ્રેરાયા હશે એમાં બેમત નહીં. રફી સાહેબના માધુર્યને કારણે એક ભાવહીન ચહેરો ધરાવતા નાયકના ગીતને અમર કરી દીધું એ કેવી મોટી વાત કહેવાય.
પ્રેમનાથ:
મોહબ્બત ઝિંદા રહતી હૈ - ચંગેઝ ખાન (1957)
રાજ કપૂરની ‘બરસાત’માં સહાયક અભિનેતા તરીકે પ્રથમ વાર લોકપ્રિયતા મેળવનારા પ્રેમનાથે 1950ના દાયકામાં કેટલીક ફિલ્મોમાં હીરો તરીકે કામ કર્યું હતું એ ખરું, પણ એમને વિશેષ લોકપ્રિયતા મળી સહાયક અભિનેતા (વિલન અથવા મુખ્ય કલાકારના પિતા ઈત્યાદિ તરીકે) એ હકીકત છે. અહીં આપણે જે ફિલ્મમાં ગીતની વાત કરી છે એમાં પ્રેમનાથ હીરો હતા, પણ એ સમયના હેન્ડસમ યુવાન સિવાય અન્ય લાક્ષણિકતા એમની પાસે નહોતી.
લગભગ સવા ચાર મિનિટના આ ગીતમાં પ્રેમનાથ બંધક અવસ્થામાં અને હિરોઈન બીના રાય મૂર્છિત અવસ્થામાં છે અને ગીતનું ફિલ્માંકન ભાવહીન છે. આટલા માઈનસ પોઈન્ટ હોવા છતાં ગીત અવિસ્મરણીય બન્યું છે, આજે પણ સાંભળવું ગમે છે એનો સંપૂર્ણ શ્રેય મોહમ્મદ રફીને જાય છે. ગીતની પંક્તિમાં જ્યારે રફીસાહેબ તાર સ્વરમાં ‘ચલી આ’ ગાય છે ત્યારે એ બૂમ પાડી હોય એવું નથી લાગતું, બલકે આજીજીભરી વિનવણી લાગે છે. ગીતોના શબ્દો (ગીતકાર કમર જલાલાબાદી) અને રફીના ગળાની જુગલબંદીનો આ પ્રતાપ છે. રાજા ચંગેઝ ખાન, ફિલ્મ ‘ચંગેઝ ખાન’ તેમજ પ્રેમનાથ સુધ્ધાં આજે વિસરાઈ ગયા છે, નથી વિસરાયું આ ગીત.
અજિત:
ચમન કે ફૂલ ભી તુજકો ગુલાબ કેહતે હૈં - શિકારી (1963)
‘સારા શહર મુજે લોયન કે નામ સે જાનતા હૈ’ અને ‘લિલી ડોન્ટ બી સિલી’ જેવા ડાયલોગ અને ખલનાયકના પાત્રોથી જ સ્મરણપટ પર રહેલા હમીદ અલી ખાન - આપણા અજિતે પડદા પર ગીત ગાયું હોય અને રફીનું પ્લેબેક? થોડા ચોંકી જવાય એ ખરું, પણ હેન્ડસમ અને ભરાવદાર શરીરને કારણે અજિતે હીરો બનવાની ઈચ્છા રાખી હોય તો એ સ્વાભાવિક કહેવાય. જોકે, ‘જીવનસાથી’ (1949)થી ‘મૈં હૂં અલાદ્દીન’ (1965) સુધી મોહમ્મદ રફીએ 45 ગીતમાં ફિલ્મના હીરો અજિતને પ્લેબેક આપ્યું છે, પણ એમાં માત્ર ત્રણ જ ગીત (10 ટકાથી પણ ઓછા) એવા છે જે યાદ રહી ગયાં હોય અને આજે પણ સાંભળવા ગમે એવા છે.
ત્રણેય યુગલ ગીત લતાદીદી સાથેના છે. પહેલું છે 1955માં આવેલી ‘બરદારી’નું ‘ભૂલા નહીં દેના જી ભૂલા નહીં દેના, ઝમાના ખરાબ હૈ ભૂલા નહીં દેના’. બીજું છે 1956ની ‘હલાકુ’નું ‘આજા કે ઈન્તઝાર મેં’ અને ત્રીજું છે ‘ચમન કે ફૂલ ભી તુજકો ગુલાબ કેહતે હૈં’. જોકે, આ ગીત યુટ્યૂબ પર નિહાળતી વખતે પહેલી જ રોમેન્ટિક લાઈનમાં અજિતના દેદાર અને હાવભાવ જોશો તો તરત બોલી ઉઠશો કે આ કલાકાર ખલનાયક તરીકે દીપી ઉઠે. હિન્દી ફિલ્મોમાં એવા અનેક ગીત છે જે પડદા પર દીઠા ન ગમે પણ સંગીત - ગાયકીને કારણે કાયમ સાંભળવા ગમે. ‘શિકારી’ના આ ગીત રફીસાબને કારણે જ એ પંક્તિમાં બિરાજમાન છે.
મનમોહન કૃષ્ણ:
તૂ હિંદુ બનેગા ન મુસલમાન બનેગા - ધૂલ કા ફૂલ (1959)
હિન્દી ચિત્રપટ સૃષ્ટિનો ઈતિહાસ તપાસતા ખ્યાલ આવે છે કે કેટલાંક પાત્રો કાયમ આજીજી ભાવ સાથે દર્શકોની અનુકંપા મેળવવા જ જાણે સર્જાયા હોય. દુ:ખના પહાડ નીચે દબાયેલા ચહેરા સાથે ફરતા રહેતા આ પાત્રો ભજવનારા કલાકારોમાં એક નામ હતું મનમોહન કૃષ્ણનું. 1958ની ‘સાધના’થી 1978ની ‘ત્રિશુલ’ સુધી ચોપડા બંધુઓ (બી. આર. ચોપડા અને યશ ચોપડા)ની ફિલ્મોમાં નિયમિતપણે નજરે પડેલા આ કલાકારે યશ ચોપડા દિગ્દર્શિત પહેલી ફિલ્મ ‘ધૂલ કા ફૂલ’માં દયાળુ સ્વભાવના અબ્દુલ રશીદનું પાત્ર સાકાર કર્યું હતું. ત્યજી દેવાયેલા બાળકનો યોગ્ય રીતે ઉછેર કરી શકાય એ માટે કોઈ કસર બાકી નહીં રાખતા આ પાત્ર માટે મનમોહનજીને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો. બિનસાંપ્રદાયિકતાનો મહિમા ગાતા ગીતનું પિક્ચરાઈઝેશન અભિનેતા પર કરવામાં આવ્યું છે.
યોગાનુયોગ રફી અને મનમોહન કૃષ્ણ (આ ગીતમાં ગાયક અને અભિનેતા) બંને ઋજુ સ્વભાવના ઈન્સાન હતા. એટલે ગીતના ભાવ સ્વરમાં અને ચહેરા પર એમ બંને જગ્યાએ બખૂબી ઉભરી આવ્યા છે. રફી - મનમોહનની જુગલબંદી1955ની ‘રેલવે પ્લેટફોર્મ’ (સુનીલ દત્તની પહેલી ફિલ્મ)માં પણ જોવા મળી હતી. ફિલ્મનું ગીત ‘બસ્તી બસ્તી પર્બત પર્બત ગાતા જાએ બંજારા’ બે વાર આવે છે. પહેલી વાર ટાઈટલ વખતે અને બીજી વાર અધવચ્ચે. રફીનું આ ગીત આજે પણ અનેક લોકોને યાદ હશે.