હેમંત વાળા
આધુનિક આવાસની વ્યાખ્યા સમજવા જેવી છે. આધુનિક આવાસ એટલે શું? સમાજ કઈ કઈ સવલતો હોય, સ્થાપત્યની રચનાનો કયો પ્રકાર હોય, સમગ્રતામાં કેવી છબી સ્થાપિત થતી હોય તો આવાસને આધુનિક માને? પ્રવર્તમાન વલણ પ્રમાણે આધુનિક આવાસ માટે કેટલીક ધારણા બંધાઈ ગઈ છે. એક સમજ પ્રમાણે આધુનિક સ્થાપત્ય શૈલીની સાથે પરંપરાગત પ્રતીક કે પરંપરાગત સ્થાપત્યના કેટલાક અંગ પણ પ્રયોજાતાં હોય છે. અમુક સમયગાળા સુધી આ પ્રકારના પ્રયત્નો થતાં રહ્યાં. હવે આ અભિગમને એટલું મહત્ત્વ નથી મળતું. હવે તો આધુનિક એટલે આધુનિક પ્રકારની વિચારસરણીમાં જ માનવામાં આવે છે.
આવાસ એ આવાસ છે અને તેમાં મોટાભાગની બાબતો સમાન રહે, પછી તે એક વ્યક્તિ માટેનું હોય કે બીજી વ્યક્તિ માટેનું, પરંતુ આધુનિક આ પ્રકારના આવાસમાં, કુટુંબમાં, દરેક વ્યક્તિ પોતાના કાર્યક્ષેત્રના વિશ્વમાં જીવવાનો પ્રયત્ન કરતી હોય છે તેથી તે બધાંને એકત્રિત કરવા માટે ખાસ બહુ-ઉપયોગી તથા મનોરંજનના સ્થાન નિર્ધારિત કરાય છે. આની માટે બહારનું રસોડું તથા બહારનું ભોજન-સ્થળ એક સહાયકારક સ્થાન બની રહે છે.
આ આવાસમાં રસોડા અને દીવાન-ખંડની રચનામાં ખાસ પ્રકારની છબી ઊભરે તેવા પ્રયત્ન થતાં હોય છે. આ સાથે શાંતિ ભરેલા માહોલની સ્થાપના માટે મકાનની અંદર અને ચારે બાજુ લીલોતરી અને પાણીના હોજનો અસરકારક ઉપયોગ થતો જોવાં મળે છે. તે ઉપરાંત આધુનિક આવાસમાં અહીં એક નવી જ અનુભૂતિ માટે છત પર લીલોતરી ઉગાડાતી હોય છે, બાજુમાં સ્વિમિંગ પુલ બનાવાતો હોય છે, મકાનની અંદર ક્યારેક પાણીના હોજની વ્યવસ્થા કરાતી હોય છે અને અન્ય વ્યૂહાત્મક સ્થાને પણ લીલોતરીનો પ્રયોગ થતો હોય છે,
સ્વાભાવિક છે કે આ મકાનો સ્માર્ટ સ્થાપત્યના પ્રતિનિધિ હોય. અહીં સગવડતા અને સુરક્ષા માટે સ્માર્ટ ઉપકરણ અને સિસ્ટમનો ઉપયોગ કરાતો હોય છે. આ જ પ્રકારની પદ્ધતિથી ઊર્જાનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે તેની પણ વ્યવસ્થા જોવા મળે છે. પણ અંતે તો આ બધા પાછળ ઊર્જા તો વધુ જ વપરાતી હોય છે. જો વિશેષ જરૂરિયાત હોય તો આ પ્રકારના આવાસમાં જિમ, સોલારિયમ, યોગ-સ્થાન, ધ્યાન-ખંડ, પુસ્તકાલય, નાનકડી ઓફિસ, ટેબલ ટેનિસ રૂમ, સ્ટુડિયો જેવાં સ્થાનની વ્યવસ્થા પણ કરાય છે.
એમ જણાય છે કે આધુનિક આવાસમાં વાતાનુકૂલ સ્થિતિનું મહત્ત્વ વધારે હોય છે. તાજી હવાની સંભાવના પ્રમાણમાં ઓછી રહેવાની. છતાં પણ ક્યાંક ખુલ્લી જગ્યાનો, બહારની પરિસ્થિતિ સાથે સંવાદ સ્થાપી શકે તેવાં સ્થાનનો સમાવેશ કરાતો જોવાં મળે છે. આ આવાસો વિશાળ હોવાથી તેમાં આવી જગ્યાનું આયોજન સરળ બની રહે. અન્ય બધાં જ આવાસમાં હોય છે તેમ, આધુનિક આવાસમાં પણ સરળતા અને કાર્યક્ષમતાનું પણ મહત્વ જળવાઈ રહે છે. અહીં સંસાધનોમાં સીમિતતા ન હોવાથી જરૂરી બધી જ સગવડતાનો સમાવેશ કરવાની ઘેલછા દેખાય છે.
અહીં કુટુંબના દરેક સભ્યોની આગવી જરૂરિયાત સંતોષાતી હોય છે અને સાથે સાથે મહેમાનો માટે પણ અલાયદી વિશેષ વ્યવસ્થા ઊભી કરાતી હોય છે. આ પ્રકારના આવાસમાં બારીઓ મોટી હોય, કદાચ છતથી ફરસ સુધી લંબાયેલી હોય, કાચની જ હોય. આ પ્રકારની રચનાથી અને ઓપન ક્નસેપ્ટ પ્લાનિંગથી જગ્યા હોય તેનાથી વધારે હોવાની અનુભૂતિ થતી હોય છે. ઓપન કન્સેપ્ટ પ્લાનિંગ આ પ્રકારના આવાસનો એક નિર્ણાયક માધ્યમ બનતું જાય છે. ઘણીવાર તો દાદર અને રેલિંગની રચનામાં પણ કાચનો ઉપયોગ જોવા મળે છે. કાચ ઉપરાંત આ બધી બાબતોમાં સ્ટેનલેસ સ્ટીલનો પણ વ્યાપક ઉપયોગ થતો હોય છે. આ મકાનના સમગ્ર બાંધકામમાં આધુનિક સામગ્રી અને આધુનિક તકનીક પ્રયોજાય તે સ્વાભાવિક છે.
આધુનિક આવાસ માટે સુંદરતાની વ્યાખ્યા જુદી હોય તેમ જણાય છે. અહીં દેખાડવાની બધી જ બાબતોને સભાનતાપૂર્વક અને અસરકારક રીતે દેખાડવામાં આવે છે. આ પ્રકારના આવાસમાં નાટકીયતા સ્થાપિત કરવા માટે ક્યારેક લટકતા દાદર, ઝૂલતા ઝરૂખા, ડબલ હાઇટની સ્પેસ, રસપ્રદ માસિંગ, ચોક્કસ પરિસ્થિતિ સાથે ખુલ્લાપણું જેવી બાબતોની પસંદગી કરાતી હોય છે.
આ પ્રકારના આવાસમાં સામાન્ય રીતે સ્ટોરેજ નજરે નથી ચડતો, તેની રચના એ રીતે કરાય છે કે જેથી તે જે તે પરિસ્થિતિ પાછળ ઢંકાઈ જાય. જો કે અહીં અમુક પ્રકારનો સ્ટોરેજ પણ નથી હોતો પણ જે હોય છે તે પૂરતાં પ્રમાણમાં હોય છે. વિશેષ પ્રકારના સ્ટોરેજ માટે ક્યાંક ભોયરાનું આયોજન પણ કરાય છે. અહીંના પડદા, અહીંનું રાચરચીલું, બધું જ સંપન્નતા દર્શાવી જાય છે. આંતરિક સુશોભનમાં પ્રકાશ વ્યવસ્થા પણ સંપન્નતા ઊભરી આવે તે રીતે કરાતી હોય છે...
આ આવાસોમાં સ્થાપત્ય શૈલી બહુ સ્પષ્ટતાથી ઊભરતી હોય છે અને તે માટે ચોક્કસ ભૌમિતિક કે અભૌમિતિક પેટર્ન અને રસપ્રદ રેખાઓ પ્રયોજાય છે. આનાથી નજર પકડાયેલી રહે છે. આ પ્રકારની રચનાના દેખાવમાં સરળતા પણ હોય અને રસપ્રદ વિગતિકરણ પણ હોય, રંગોની રમત પણ હોય અને તેની સાથે એક પ્રકારની સાદગી પણ લવાતી હોય, દરેક અંગનું આગવું મહત્ત્વ પણ હોય અને અન્ય બીજા અંગ સાથે તેનો વ્યવસ્થિત સમન્વય પણ હોય, અહીં પ્રકાશ સાથે પણ રમત થતી હોય છે અને કુદરતી સામગ્રીને પણ યોગ્ય સ્થાન અપાતું હોય છે, તે અંતર્ગત હોય કે બહારથી લગાડવામાં આવેલ પ્રકારનું પણ હોઈ શકે. અહીં રંગનો પ્રયોગ હિંમત ભરેલ અને રસપ્રદ હોય છે. આ બધાં માટે સ્થપતિએ વધુ સંવેદનશીલ અને સર્જનાત્મક રહેવું પડે.