Thu Jun 18 2026

Logo

અખાતી દેશોનું યુદ્ધ કચ્છ માટે ખતરો: ઝેરી વાયુઓ અને દરિયાઈ પ્રદૂષણની આશંકા

2026-03-01 15:23:00
Author: Tejas Rajpara
Article Image

ભુજ: અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે જયારે અખાતી દેશો  સુધી પહોંચ્યું છે અને સાથે-સાથે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ છે ત્યારે સતત ફૂટી રહેલા દારૂ ગોળા અને મિસાઈલ્સના મારાની અસર ભૌગોલિક રીતે યુદ્ધગ્રસ્ત વિસ્તારોથી પ્રમાણમાં નજીક એવા કચ્છ-ગુજરાત પર પણ ભયાવહ  વિસ્ફોટકોથી પેદા થતા ઝેરી વાયુઓ અને દરિયાઈ પ્રદુષણની સીધી અસર થતી જોવા મળી રહી છે. 

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજીના એક વૈજ્ઞાનિક ડો.વિજય કુમારના જણાવ્યા પ્રમાણે, યુદ્ધમાં વપરાતા વિસ્ફોટકો અને તેલના કુવાઓમાં લાગતી આગને કારણે વાતાવરણમાં મોટા પાયે 'બ્લેક કાર્બન' અને ગ્રીનહાઉસ વાયુઓ મુક્ત થાય છે. પશ્ચિમના પવનો આ પ્રદૂષિત કણોને ખેંચીને કચ્છના આકાશ સુધી લાવી શકે છે. આ કણો સૂર્યની ગરમીને શોષી લે છે, જેના પરિણામે આગામી સમયમાં કચ્છના સરેરાશ તાપમાનમાં અસામાન્ય વધારો જોવા મળી શકે છે.

કચ્છનો અખાત અને તેની આસપાસનો દરિયાઈ વિસ્તાર અત્યંત સંવેદનશીલ છે. યુદ્ધ દરમિયાન થતા દરિયાઈ વિસ્ફોટો અને નૌકાદળની ગતિવિધિઓને કારણે પેદા થતા ઘોંઘાટથી વ્હેલ અને ડોલ્ફિન જેવા જીવોની 'સોનાર સિસ્ટમ' ખોરવાઈ રહી છે. આ ઉપરાંત, દારૂગોળાના અવશેષોમાં રહેલા સીસા અને પારો જેવી ભારે ધાતુઓ સમુદ્રમાં ભળવાથી માછલીઓના સંવર્ધન પર માઠી અસર પડી રહી છે, જેની સીધી અસર સ્થાનિક મત્સ્ય ઉદ્યોગ પર પણ પડી શકે છે.

કચ્છ એ વિદેશી પક્ષીઓ માટેનું 'બીજું ઘર' ગણાય છે. મધ્ય એશિયાથી આવતા પક્ષીઓનો માર્ગ, યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી પસાર થાય છે, જેના કારણે આ પક્ષીઓના સ્થળાંતરમાં ઘટાડો નોંધાયો છે. સાથોસાથ, વાતાવરણમાં વધતી ખારાશને કારણે અને તે એસિડિક બનતું જતું હોવાને કારણે કચ્છના દરિયાકાંઠાના ચેરના જંગલોની વૃદ્ધિ ધીમી પડી રહી હોવાનું અનુમાન છે.

પર્યાવરણની બાબતમાં કોઈ ભૂમિ કે જળસીમાઓ હોતી નથી. તેથી પશ્ચિમ એશિયામાં થતા રાસાયણિક ફેરફારો વાયુ -પ્રવાહ દ્વારા કચ્છના રણ અને દરિયાકાંઠાની ઈકો-સિસ્ટમને લાંબા ગાળે નુકસાન પહોંચાડી શકે છે તેથી તેને સંબંધિત 'ડેમેજ કંટ્રોલ એક્સરસાઇઝ તાત્કાલિક શરૂ કરવી જરૂરી છે.