Mon Jul 27 2026

Logo

મિડલ ક્લાસમાંથી અપ્પર ક્લાસમાં અપગ્રેડ થવું છે? આ પાંચ ભૂલો કરવાનું ટાળશો તો...

2026-05-22 10:57:00
Author: Darshana Visaria
Article Image

વૈશ્વિક બજારમાં ચાલી રહેલી આર્થિક અસ્થિરતા અને સતત વધતી જતી મોંઘવારી વચ્ચે, દરેક સામાન્ય માણસનું એક જ સપનું હોય છે અને એ સપનું એટલે આર્થિક રીતે સક્ષમ બનવું અને અમીર થવું. એક પર્સનલ ફાઇનાન્સ રિપોર્ટ અનુસાર, મધ્યમ વર્ગના મોટાભાગના લોકો પોતાની રોજબરોજની જિંદગીમાં કમાણી કરવા છતાં કેટલીક એવી સામાન્ય પણ ગંભીર નાણાકીય ભૂલો કરી બેસે છે, જે તેમને ક્યારેય અમીર બનવા દેતી નથી...

મધ્યમ વર્ગના લોકો ઘણીવાર સખત મહેનત કરે છે, પરંતુ ફાઇનાન્સિયલ પ્લાનિંગના અભાવને કારણે તેઓ કાયમ 'મની ક્રાઈસિસ' અથવા તો સેલેરી-ટુ-સેલેરીના ચક્રવ્યૂહમાં ફસાયેલા રહે છે. નિષ્ણાતોના મતે, સમૃદ્ધ થવાના માર્ગમાં આ પાંચ ભૂલો સૌથી મોટો અવરોધ સાબિત થાય છે, ચાલો જોઈએ કઈ છે આ પાંચ ભૂલો...

માત્ર બચત કરવી, રોકાણ નહીં!
મધ્યમ વર્ગની સૌથી મોટી નાણાકીય ભૂલ એ છે કે તેઓ પૈસા બચાવીને કાં તો બેંકના સેવિંગ્સ એકાઉન્ટમાં રાખે છે અથવા તો પરંપરાગત ફિક્સ ડિપોઝિટમાં મૂકે છે. આજની મોંઘવારીના દરમાં માત્ર બચત કરવાથી પૈસાનું મૂલ્ય ઘટે છે. જો તમે તમારા પૈસાને મ્યુચ્યુઅલ ફંડ, ઇક્વિટી કે અન્ય સ્માર્ટ રોકાણ માધ્યમોમાં નહીં લગાવો, તો કમ્પાઉન્ડિંગનો લાભ નહીં મળે અને પૈસાથી પૈસા બનાવવાનું સપનું અધૂરું રહી જશે.

કમાણી પહેલાં ખર્ચનું પ્લાનિંગ
ઘણા લોકોનો એવો ટ્રેન્ડ હોય છે કે મહિનાની શરૂઆતમાં પગાર આવતાં જ તેઓ મોંઘા ગેજેટ્સ, બ્રાન્ડેડ કપડાં કે લક્ઝરી લાઈફસ્ટાઈલ પાછળ આડેધડ ખર્ચ કરવા લાગે છે. આને 'લાઇફસ્ટાઇલ ઇન્ફ્લેશન' કહેવામાં આવે છે. નિયમ એવો હોવો જોઈએ કે આવક માઇનસ બચત બરાબર ખર્ચ; પરંતુ મોટાભાગના લોકો પૂર્વાધમાં ખર્ચ કરે છે અને મહિનાના અંતે જે વધે તે બચાવવાનો પ્રયાસ કરે છે, જે સામાન્ય રીતે શૂન્ય હોય છે.

ક્રેડિટ કાર્ડ અને લોનની જાળમાં ફસાવું
દિવાળી સેલ હોય કે ઓનલાઈન ડિસ્કાઉન્ટ, મધ્યમ વર્ગના લોકો પોતાની ખરીદશક્તિ (Value) થી બહાર જઈને 'નો કોસ્ટ EMI' અથવા ક્રેડિટ કાર્ડના સ્વાઇપ કલ્ચરનો ભોગ બને છે. બિનજરૂરી વસ્તુઓ માટે પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડનું મોંઘું વ્યાજ ચૂકવવું એ ગરીબીને આમંત્રણ આપવા સમાન છે. લોન હંમેશા એવી હોવી જોઈએ જે તમારી સંપત્તિ (જેમ કે હોમ લોન અથવા બિઝનેસ લોન) વધારે, નહીં કે તમારા માથે બોજ વધારે.

ઈમરજન્સી ફંડ અને વીમાનો અભાવ
જીવનમાં ક્યારેય પણ મેડિકલ ઈમરજન્સી કે નોકરી જવાનું સંકટ આવી શકે છે. મધ્યમ વર્ગના લોકો ઘણીવાર યોગ્ય હેલ્થ ઇન્સ્યોરન્સ કે ટર્મ પ્લાન લેવાનું ટાળે છે. જ્યારે અચાનક કોઈ મોટી મુશ્કેલી આવે છે, ત્યારે વર્ષોની જહેમતથી એકઠી કરેલી બચત એક ઝાટકે સાફ થઈ જાય છે અને વ્યક્તિ ફરીથી આર્થિક રીતે શૂન્ય પર આવી જાય છે. ઓછામાં ઓછો ૬ મહિનાના ખર્ચ જેટલો 'ઇમરજન્સી ફંડ' અલગ રાખવો અનિવાર્ય છે.

આવકનો માત્ર એક જ સોર્સ 
અમીર બનનારા લોકો ક્યારેય માત્ર એક જ નોકરી કે પગાર પર નિર્ભર રહેતા નથી. મધ્યમ વર્ગના લોકો પોતાની સિક્યોર નોકરીમાં જ સંતોષ માની લે છે. આજના ડિજિટલ યુગમાં સાઇડ હસલ (Side Hustle), ફ્રીલાન્સિંગ, કે ડિવિડન્ડ અને ભાડાની આવક જેવા પેસિવ ઇનકમ સોર્સ (Passive Income) ઊભા ન કરવા એ એક મોટી નાણાકીય ભૂલ છે.