Thu May 28 2026

Logo

મહેસાણામાં યુકે વિઝાના બહાને મહિલા પોલીસ તાલીમાર્થી સાથે સંબંધીએ કરી 25 લાખની છેતરપિંડી

2026-05-28 19:45:31
Author: Vimal Prajapati
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મહેસાણાઃ અંગત સંબંધોમાં આંધળો વિશ્વાસ અને વિદેશ જવાના કામકાજમાં મદદ કરવાની ભાવના ક્યારેક કેટલી ભારે પડી શકે છે, તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો મહેસાણામાં બન્યો છે. યુકે જવા માટે વિઝા પ્રક્રિયામાં બેંક બેલેન્સ બતાવવાના બહાને એક પોતાના સંબંધીએ જ ગુજરાત પોલીસની મહિલા તાલીમાર્થી પાસેથી રૂપિયા 25 લાખની રકમ પડાવી લઈ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, ભોગ બનનાર 33 વર્ષીય ડોલીબેન હર્ષલકુમાર પટેલ મૂળ જોટાણા તાલુકાના કસલપુરા ગામના વતની છે અને હાલ મહેસાણાના રાધનપુર રોડ સ્થિત મંગલમૂર્તિ ટાઉનશિપમાં રહે છે. તેઓ હાલમાં જૂનાગઢ પી.ટી.સી. સેન્ટર ખાતે ગુજરાત પોલીસ વિભાગની તાલીમ મેળવી રહ્યા છે. આશરે પાંચેક મહિના પહેલા ડોલીબેનનો સંબંધી યશવંત રવિન્દ્રભાઈ પાનશે મહેસાણા ખાતે તેમના ઘરે આવ્યો હતો.

આ દરમિયાન યશવંતે ડોલીબેનને પોતાના ચાલમાં ભોળવી લીધા હતા. યુકેમાં રહેતી તેની બહેન શિવાની ગર્ભવતી હોવાથી તેની દેખભાળ માટે તેના માતા-પિતાને તાત્કાલિક યુકે મોકલવાના છે. આ માટે વિઝાની પ્રક્રિયામાં બેન્ક ખાતામાં રૂપિયા 25 લાખનું બેલેન્સ બતાવવું અત્યંત જરૂરી છે, તેવું કહીનું રૂપિયા માંગ્યાં હતા, આ રૂપિયા ત્રણ મહિનામાં પાછા આપી દેવાનો વાયદો પણ કર્યો હતો. જેથી ડોલીબેને પતિના મિત્ર પાસેથી આ રૂપિયાની વ્યવસ્થા કરી આપી અને યશવંતને આ રકમનો ચેક આપ્યો હતો, જે વટાવીને આરોપીએ નાણાં પોતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા.

ત્રણ મહિના પછી પણ યશવંતે પૈસા પરત કર્યા એટલે ડોલીબેને આંતરિક તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપીના માતા-પિતા પણ યુકે ગયા ન હતા અને સમગ્ર વાત માત્ર નાણાં પડાવવાનું બહાનું હતું. આથી ડોલીબેને પોતાની રકમ પરત માંગવાનું શરૂ કર્યું હતું. તો આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું, જેથી ડોલીબેને મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યશવંત રવિન્દ્રભાઈ પાનશે વિરુદ્ધ સત્તાવાર રીતે ફરિયાદ દાખલ કરાવી છે. આ કેસમાં પોલીસ દ્વારા પણ તપાસ અને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.