Tue Oct 06 2026

Logo

મેંગો જ્યુસ-મિલ્ક શેક પીતાં પહેલાં કેવી કેરીઓ વપરાય છે એ જાણી લો, મહેસાણામાં ફૂટ્યો ભાંડો

2026-06-04 10:01:00
Author: Vimal Prajapati
મેંગો જ્યુસ-મિલ્ક શેક પીતાં પહેલાં કેવી કેરીઓ વપરાય છે એ જાણી લો, મહેસાણામાં ફૂટ્યો ભાંડો

મહેસાણા: જો તમે પણ આ ઉનાળાની સિઝનમાં બજારમાંથી રેડીમેડ કેરીનો રસ લાવીને ખાવાના શોખીન હોવ તો સાવધાન થઈ જવાની જરૂર છે. મહેસાણામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થતાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અહીં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. મહેસાણા નજીક આવેલા નુગર ગામ પાસે મહાદેવ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં કાર્યરત ‘પાટીદાર રસ કેન્દ્ર’ (Patidar Ras Kendra) ના ગોડાઉન પર ફૂડ વિભાગે ઓચિંતી રેડ પાડીને કીડાવાળી અને સડી ગયેલી કેરીઓનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.  

ચોક્કસ બાતમીના આધારે ફૂડ સેફ્ટી વિભાગની ટીમ દ્વારા આ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન ગોડાઉનની અંદર અતિશય ગંદકી અને કીડાથી ખદબદતી અને ફૂગ વળેલી કેરીઓ જોવા મળી હતી, જેમાંથી બજારમાં વેચવા માટે જથ્થાબંધ રસ તૈયાર કરવામાં આવી રહ્યો હતો.  

2025 કિલો અખાદ્ય કેરીઓનો સ્થળ પર જ નાશ કરાયો

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ કાયદેસરની કાર્યવાહી કરીને સ્થળ પરથી 2025 કિલોગ્રામ સડેલી કેરીઓનો જથ્થો જપ્ત કરી તેનો તાત્કાલિક નાશ કર્યો હતો. આ ઉપરાંત, આ ખરાબ સ્ટોકમાંથી તૈયાર કરવામાં આવેલો આશરે 230 ગ્રામ જેટલો મેંગો જ્યુસનો તૈયાર જથ્થો પણ ફેંકી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર અને દેશની સર્વોચ્ચ ખાદ્ય નિયામક સંસ્થા FSSAI દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મેંગો લવર્સમાં ભારે ફફડાટ ફેલાયો છે.  

 

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સડી ગયેલી કે કીડાવાળી કેરીમાંથી બનાવેલો રસ પીવાથી ફૂડ પોઇઝનિંગ થઈ શકે છે. આનાથી પેટમાં અસહ્ય દુખાવો, ઉલ્ટી, ડાયરિયા (ઝાડા-ઉલ્ટી), ગેસ્ટ્રો અને આંતરડામાં ગંભીર ચેપ લાગવાનું જોખમ રહે છે. ખાસ કરીને બાળકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધો માટે આ પ્રકારનો રસ ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે.