ભરત ભારદ્વાજ
મેટાએ પોતાનાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પરથી આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો હટાવી લીધો એ મુદ્દે ચાલી રહેલી ખેંચતાણ પર હાલ પૂરતો પડદો પડી ગયો છે. મેટાએ ધરાર લુખ્ખી દાદાગીરી કરીને મોદીનો વીડિયો ફેસબુક પરથી હટાવી લીધો એ ગુસ્તાખી માટે 12 દિવસ પછી અંતે મેટાના કર્તાહર્તા માર્ક ઝકરબર્ગે પોતે માફી માગી લીધી અન સિસ્ટમમાં ભૂલ હતી એવું સ્વીકારી લીધું તેથી ઘીના ઠામમાં ઘી પડી જશે એવું લાગે છે.
આપણી કોમ્યુનિકેશન અને ઈન્ફર્મેશન ટેકનોલોજી પરની પાર્લામેન્ટરી કમિટીના ચેરમેન નિશિકાન્ત દુબેએ બુધવારે મેટાને અલ્ટિમેટમ આપેલું કે, મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ ત્રણ દિવસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 23 જુલાઈના વીડિયોને હટાવી દેવા બદલ માફી માંગે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી નહીં કરે તો ‘સેફ હાર્બર ક્લોઝ’ રદ કરી દેવામાં આવશે.
ઝકરબર્ગે આ ત્રણ દિવસની મુદત પૂરી થવાની રાહ પણ ના જોઈ અને અમેરિકામાં જેવો દિવસ ઉગ્યો કે તરત માફી માગી લીધી. આપણા સાંસદોએ એવો આક્ષેપ પણ કરેલો કે, મેટા પ્લેટફોર્મનું અલ્ગોરિધમ પક્ષપાત કરે છે અને પ્લેટફોર્મ પર અશ્લીલ અને વાંધાજનક સામગ્રી સરળતાથી ઉપલબ્ધ રહે છે જ્યારે યોગ્ય કન્ટેન્ટ હટાવી દેવામાં આવે છે.
ઝકરબર્ગે આ મુદ્દે કશું કહ્યું નથી કે મોદીનો વીડિયો હટાવવા માટે જવાબદાર લોકોને હટાવવા મુદ્દે પણ કોઈ ખાતરી નથી આપી પણ મોદીની માફી માગી લીધી તેથી હાલ પૂરતો મુખ્ય વિવાદનો અંત આવી ગયો એમ કહી શકાય કેમ કે ફેસબુક પરથી મોદીનો વીડિયો હટાવી દેવાયો તેના કારણે આપણી ભારે બેઈજજતી થયેલી.
આ કારણે જ સંસદીય સમિતિએ ચીમકી આપવી પડેલી જ્યારે ચાઈલ્ડ પોર્ન કન્ટેન્ટ સહિતના મુદ્દે લાંબા સમયથી ખેંચતાણ ચાલે છે એ મુદ્દે ખાલી જવાબ માગ્યો હતો. ભારત સરકારે મેટા પાસેથી વોટ્સએપની નવી યુઝરનેમ પોલિસી અને ઇન્સ્ટાગ્રામ પર ચાઈલ્ડ પોર્ન કન્ટેન્ટ મુદ્દે પહેલાં પણ નોટિસો આપેલી પણ મેટા તેને ઘોળીને પી ગયું છે. અત્યારે પણ આ મુદ્દે કોઈ ફોડ પડાયો નથી તેના પરથી એવું માની શકાય કે મેટાને આ મુદ્દે કશું કરવામાં રસ નથી.
ઝકરબર્ગે તાત્કાલિક માફી માગી એ માટે ‘સેફ હાર્બર ક્લોઝ’ રદ કરવાની ચીમકી કામ કરી ગયાનું મનાય છે. ભારતના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની કલમ 79 હેઠળ, ઇન્ટરનેટ મીડિયાઅરીઝ એટલે કે વચેટિયાઓ અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સને પોતાના નેટવર્ક પર મુકાયેલી કે પ્રસારિત કરાયેલી કોઈ ત્રાહિત પાર્ટીની એટલે કે બહારનાં લોકોના ક્ધટેન્ટ માટે જવાબદાર ગણવામાં નથી આવતા ને કાનૂની કાર્યવાહી કરાતી નથી. તેના બદલામાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ અને ઇન્ટરનેટ મીડિયાઅરીઝ તટસ્થ બનીને વર્તે અને સરકારના નિયમોનું પાલન કરે એવી અપેક્ષા રખાય છે.
ભારત સેફ હાર્બર ક્લોઝ રદ કરી દે તો મેટા જાત જાતના કેસોમાં અટવાઈ જાય તેથી એ લમણાઝીંકમાં નહીં પડવા ઝકરબર્ગે સરળ રસ્તો અપનાવીને માફી માગી લીધી પણ ઝકરબર્ગની માફી પછી પણ ઘણા સવાલો તો ઊભા જ છે એ જોતાં ખરેખર આ પ્રકરણ અહીં પતી જવું ના જોઈએ. પહેલી વાત તો એ આ વીડિયો કેમ હટાવી લેવાયો તેનાં કારણો મેટાએ આપ્યાં નથી ને હજુય ટેકનિકલ વાતો કરીને આપણને રમાડ્યા કરે છે.
મેટાની ગુસ્તાખીનું આખું કમઠાણ કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના આંદોલન વખતે શરૂ થયું. આ આંદોલન ઉગ્ર બન્યું પછી આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 23 જુલાઈએ જેન-ઝીને સંબોધવા માટે ‘સેલ્ફી વીડિયો’ સોશ્યલ મીડિયા પર મૂક્યો હતો. થોડા કલાકો પછી આ વીડિયો ગાયબ થઈ ગયો તેમાં હોહા થઈ ગઈ એટલે ફેસબુકે વીડિયો પાછો મૂક્યો પણ બીજું કશું કર્યું નથી.
સૌથી મોટી વાત એ છે કે, મોદીનો વીડિયો હટાવી લેવાની ઘટના સાવ સામાન્ય હોય એ રીતે ટેકનિકલ ગ્લિચનું કારણ આપી દીધું ને પોતે દિલગીર છે એવો સરકારી રાહે જવાબ આપીને વાતનો સંકેલો કરી લીધો હતો. દેશના વડા પ્રધાનનો વીડિયો ઊતરી જાય ને કંપની કશું ના બન્યું હોય એ રીતે વર્તે એ શરમજનક કહેવાય ને તેના કારણે સરકારની આબરૂનો ફજેતો થયો એટલે સરકારે મેટાના પ્રતિનિધિઓને બોલાવીને ઊલટતપાસ કરીને સત્ય બહાર કઢાવવા કોશિશ કરી પણ તેમાં સફળ નથી થયા. આ દેશની જનતાને જે સૌથી મોટો સવાલ સતાવે છે તેના જવાબ કઢાવવામાં પણ આપણે સફળ થયા નથી.
આપણને સૌથી મોટો સવાલ એ થાય છે કે, મેટાએ મોદીના વીડિયોને અડકવાની જ શું જરૂર? ફેસબુક પર લાખો વીડિયો મૂકાય છે ને તેમાંથી ઘણા વીડિયો અત્યંત ગંદા ને અશ્ર્લીલ હોય છે. નાનાં બાળકોના જાતિય શોષણથી માંડીને આતંકવાદને પણ પોષતા હોય એવા વીડિયો પણ સોશ્યલ મીડિયા પર હોય છે પણ ફેસબુકનું કદી તેના તરફ ધ્યાન જતું નથી કે એવા વીડિયોને પોતાની રીતે દૂર કરાતા નથી ને મોદીનો વીડિયો તરફ જ ધ્યાન ગયું ? તેને જ કેમ બ્લોક કરી દેવાયો?
મેટા ટેકનિકલ ગ્લિચનું બહાનું આપીને છટકી જેવા માગે છે પણ આ વાત ગળે ઊતરતી નથી. ટેકનિકલ ગ્લિચ આવે ને વીડિયો દેખાતો બંધ થાય એવું બને પણ એ સંજોગોમાં ફેસબુક તરફથી કોઈ સૂચના લખેલી ના દેખાય. મોદીના વીડિયોના કિસ્સામાં વીડિયો જોવા માગતા યુઝરને સ્પષ્ટ સૂચના વંચાતી હતી કે, ‘લીગલ રીક્વેસ્ટ’ એટલે કે કાનૂની વિનંતીને કારણે આ પોસ્ટને બ્લોક કરવામાં આવી છે. મતલબ કે વીડિયોને ફેસબુકે પોતે જ બ્લોક કર્યો છે.
સવાલ એ છે કે, આ ‘લીગલ રીક્વેસ્ટ’ કોણે કરી? ભારત સરકારે તો ના જ કરી હોય ને? પોતાના જ વડાપ્રધાનનો વીડિયો કોઈ સરકાર બ્લોક ના જ કરાવે એ નાના છોકરાને સમજાય એવી વાત છે તો પછી આ ‘લીગલ રીક્વેસ્ટ’ કોણે કરી? અમેરિકાની સરકારે? અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે? વ્હાઈટ હાઉસે? ફેસબુકે આ સવાલનો જવાબ આપવો જોઈએ પણ ફેસબુકે તેનો જવાબ આપ્યો નથી. આ સવાલ સૌથી મહત્ત્વનો છે ને ખરેખર તો ભારત સરકારે ઝકરબર્ગની માફી પછી પણ આ સવાલનો જવાબ મેળવવા આગ્રહ રાખવો જોઈએ.
મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગની માફીનો એ રીતે પણ અર્થ નથી કે ઝકરબર્ગની કંપની મેટા પહેલાં જ માફી માગી ચૂકી છે. કંપની માફી માગે કે માર્ક ઝુકરબર્ગ પોતે માફી માગે તેનાથી આ દેશનાં લોકોને કોઈ ફરક પડતો નથી. આ દેશનાં લોકોને તો ફેસબુકે આ હરકત કેમ કરી એ જાણવામાં રસ છે પણ તેનો જવાબ હજુય મળ્યો નથી. આપણી સરકારમાં અમેરિકાની કંપનીને કશું કરવાની ત્રેવડ નથી એટલે તેની પાસેથી ઝાઝી અપેક્ષા રાખવા જેવી નથી પણ મોદીના વીડિયોને મુદ્દે આખા દેશે એક થઈને મેટાને પરચો બતાવવાની જરૂર છે.
કોઈને વિચારધારાની રીતે મોદી સામે વાંધો હોઈ શકે કે મોદીના કામથી અસંતોષ હોઈ શકે પણ એ વાંધાવચકા ને વિરોધ પછીય મોદી આપણા સૌના દેશના વડા પ્રધાન છે, આ દેશની જનતાએ ચૂંટેલા શાસક છે એ જોતાં તેમના અપમાન સામે આખા દેશે એક થવું પડે પણ આપણી પ્રજા પણ ફેસબુક વિના મરી જવાની હોય એ રીતે વર્તી રહી છે પછી દેશનું આત્મગૌરવ કઈ રીતે જળવાય?