Sun Jun 21 2026

Logo

બૅન્ગકોકથી આવેલા બે ભારતીય પાસેથી 6.65 કરોડનો ગાંજો જપ્ત

2026-06-21 17:16:20
Author: Yogesh C Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર બૅન્ગકોકથી આવેલા બે ભારતીય નાગરિક પાસેથી કસ્ટમ્સના અધિકારીઓએ અંદાજે 6.65 કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત કર્યો હતો.કસ્ટમ્સના ઍર ઈન્ટેલિજન્સ યુનિટે (એઆઈયુ) ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ હરિયાણાના કરનાલ ખાતે રહેતા તેજિન્દર ગાબા (48) અને પિંપરી-ચિંચવડના વતની રોહન મહાલે (31) તરીકે થઈ હતી.

બૅન્ગકોકથી આવનારા બે પ્રવાસી તેજિન્દર અને રોહન પાસે હાઈડ્રોપોનિક ગાંજો હોવાની માહિતી એઆઈયુને મળી હતી. માહિતીને આધારે અધિકારીઓએ શનિવારે મુંબઈ ઍરપોર્ટ પહોંચેલા બન્નેને તાબામાં લઈ તેમના સામાનની તપાસ કરી હતી.અધિકારીના જણાવ્યા મુજબ ગાબાની ટ્રોલી બૅગમાંથી ફૂડ પૅકેટ્સ મળ્યાં હતાં, જેમાં ગાંજો ભરેલાં છ પાઉચ સંતાડવામાં આવ્યાં હતાં. એ જ રીતે મહાલેની ટ્રોલી બૅગમાંથી ડ્રગ્સનાં 11 પૅકેટ્સ મળ્યાં હતાં. ફીલ્ડ ટેસ્ટિંગ કિટ પર તપાસ કરતાં પૅકેટ્સમાં ઉચ્ચ ગુણવત્તાવાળો ગાંજો હોવાની ખાતરી થઈ હતી.

બન્ને આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી અંદાજે 6.65 કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગાંજો બૅન્ગકોકમાં કોણે આપ્યો હતો અને મુંબઈમાં કોના સુધી પહોંચાડવાનો હતો તેની તપાસ અધિકારીઓ કરી રહ્યા છે.