ભુજઃ કચ્છના સરહદી અને દરિયાઈ વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ જવાનોની સુખાકારી અને મનોબળ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. માંડવી શહેર પોલીસ લાઈન ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા રૂપિયા 7.81 કરોડના ખર્ચે નિર્મિત થનાર વિવિધ કેટેગરીના 27 પોલીસ આવાસોનું ખાતમૂહુર્ત રાજ્યના નાણા અને પોલીસ હાઉસિંગ પ્રધાન કમલેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
ખાતમૂહુર્ત પ્રસંગે સંબોધન કરતા રાજ્ય પ્રધાને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વમાં દેશની સરહદો અને આંતરિક સુરક્ષા અત્યંત મજબૂત છે. પોલીસ વિભાગનું સૂત્ર ‘સેવા, સુરક્ષા અને શાંતિ’ છે, જેને સાર્થક કરવા સરકાર કટિબદ્ધ છે. દેશમાં અશાંતિ ફેલાવવા માંગતા અને માદક પદાર્થોની ઘૂસણખોરી કરતા દેશવિરોધી તત્વોને ઓળખી તેમની માહિતી પોલીસ સુધી પહોંચાડવી અને ભેદભાવ રાખ્યા વિના રાષ્ટ્રભાવનાને સર્વોપરી રાખી પોલીસને સજાગ કરે તેવી કમલેશભાઈ પટેલે સરહદી વિસ્તારના નાગરિકોને અપીલ કરી હતી અને ઓપરેશન સિંદૂર'માં દીકરીઓએ ભજવેલી ભૂમિકાને બિરદાવી, સમાજમાં તેમના શિક્ષણની વધુ તકો પૂરી પાડવા અનુરોધ કર્યો હતો.
વધુમાં કહ્યું કે, પોલીસ જ્યારે 24 કલાક જનતાની સેવામાં વ્યસ્ત હોય છે, ત્યારે તેમના પરિવારની સુવિધાની જવાબદારી સરકારની છે. રાજ્ય સરકાર આગામી 5 વર્ષમાં 20 હજારથી વધુ નવા પોલીસ આવાસો બનાવવા માટે કટિબદ્ધ છે. બંદરીય માંડવીમાં બનનારા આ નવા અને આધુનિક આવાસોથી જવાનો પારિવારિક ચિંતા મુક્ત થઈ વધુ કુશળતાથી ફરજ બજાવી શકશે.
આ પ્રસંગે માંડવી-મુંદરા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું કે, મુંદરા બાદ હવે માંડવીમાં આધુનિક આવાસની ભેટ મળવાથી જવાનોનું મનોબળ વધશે. તેમણે નવા આવાસ સંકુલમાં વરસાદી પાણીના સંગ્રહ અને મોટા પાયે વૃક્ષારોપણ કરવા માટે પણ સૂચન કર્યું હતું. આવનારા સમયમાં બનનારા આ 27 આવાસો કોસ્ટલ બેલ્ટમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવામાં મદદરૂપ થશે તેમ આઇજી ચિરાગ કોરડીયાએ જણાવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન પ્રજાસત્તાક પર્વ પર દિલ્હીના રાજમાર્ગ ખાતે આયોજિત એનસીસી પરેડમાં ભાગ લેનાર કેડેટ જીનલબા જાડેજાનું રાજ્યમંત્રીના હસ્તે ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાએ આભાર વિધિ કરી હતી. મુંદરાના એ.એસ.પી ગૌતમ વિવેકાનંદન, મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવા, પૂર્વ પ્રમુખ હરેશ વિંઝોડા સહિતના અગ્રણીઓ, અધિકારીઓ અને પોલીસ પરિવારો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.