Tue Oct 06 2026

Logo

દૂધ ડેરીની સભામાં હિસાબ માંગતાં વિવાદ: માંડવીના પરવટ ગામે ડેરી પ્રમુખે ઘરમાં ઘૂસી પશુપાલક પર લાકડીથી હુમલો કર્યો

2026-09-16 12:01:00
Author: Mumbai Samachar Team
દૂધ ડેરીની સભામાં હિસાબ માંગતાં વિવાદ: માંડવીના પરવટ ગામે ડેરી પ્રમુખે ઘરમાં ઘૂસી પશુપાલક પર લાકડીથી હુમલો કર્યો

ભુજ: કચ્છના માંડવી તાલુકાના પરવટ ગામે સહકારી દૂધ મંડળીની વાર્ષિક સાધારણ સભામાં દૂધની બચતનો હિસાબ માંગવાની બાબતે ડેરી પ્રમુખે ઉશ્કેરાઈ જઈ એક પશુપાલકના ઘરે જઈ, લાકડી વડે જીવલેણ હુમલો કરી ઢોરમાર મારતાં ચકચાર મચી ગઈ છે. લોહીલુહાણ થયેલા ખેડૂતે હોસ્પિટલમાંથી આ હુમલા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ઘટનાની વિગતો અનુસાર, પરવટ ગામના તોરણ ફળિયામાં રહેતા પશુપાલક રાકેશભાઈ કરશનભાઈ ચૌધરી (ઉં.વ. ૪૭) ગત તા. ૧૪ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી દૂધ ડેરીની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન તેમણે પાડોશી અને ડેરી પ્રમુખ રોહિત નગીન ચૌધરીને દૂધની વાર્ષિક બચત અને નફા અંગે હિસાબી પ્રશ્ન પૂછતાં બંને વચ્ચે તકરાર થઈ હતી.

આ અંગેની અદાવત રાખીને સાંજે સાડા છ વાગ્યાના સુમારે ફરિયાદી પોતાની મોટરસાઇકલ પર દૂધ ભરવા ડેરીએ જવા નીકળતા હતા ત્યારે ડેરી પ્રમુખ રોહિત હાથમાં લાકડી લઈને તેમના ઘરે ધસી આવ્યો હતો. આરોપીએ ગાળાગાળી કરી રાકેશભાઈની પીઠ પર લાકડીથી માર મારી તેમને જમીન પર પટકી દીધા હતા. પરિવારજનો દોડી આવી વચ્ચે પડતાં પશુપાલકનો જીવ બચ્યો હતો.

ઈજાગ્રસ્ત રાકેશભાઈને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમણે તડકેશ્વર આઉટપોસ્ટ ખાતે ફરિયાદ નોંધાવી હતી. સહકારી મંડળીઓમાં પારદર્શક હિસાબ માંગનાર સભાસદોનો અવાજ દબાવવા માટે પદાધિકારીઓ દ્વારા આચરવામાં આવતી આવી ગુંડાગીરી સામે સ્થાનિક પશુપાલકોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. પોલીસે હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉત્સવ વૈદ્ય