Sun Sep 06 2026

Logo

14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર સામત્રા ગામના નરાધમને અંતિમ શ્વાસ સુધીની કેદ

2026-07-25 12:37:00
Author: Mumbai Samachar Team
14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર સામત્રા ગામના નરાધમને અંતિમ શ્વાસ સુધીની કેદ

ભુજની સ્પેશિયલ પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: આરોપીને રૂ.50 હજારનો દંડ અને પીડિતાને રૂ.4 લાખનું વળતર ચૂકવવા હુકમ

ભુજ: ભુજ તાલુકાના સામત્રા ગામે 14 વર્ષ અને 9 માસની સગીરાનું અપહરણ કરી તેના પર ગુજારાયેલા દુષ્કર્મના ચકચારી કેસમાં ભુજના સ્પેશિયલ જજ જે. એ. ઠક્કરની અદાલતે એક દાખલારૂપ ચુકાદો આપ્યો છે. નામદાર અદાલતે વિધર્મી આરોપી એવા સાહીદ સલીમ બાફણ (ઉં.વ.૨૦, રહે. મફતનગર, સામત્રા, તા. ભુજ) ને કસૂરવાર ઠેરવીને તેના આજીવન (અંતિમ શ્વાસ સુધીની) સખત કેદ અને રૂ.50,000ના દંડની કડક સજા ફટકારી છે. 

કેસની મળતી વિગતો અનુસાર, 27 નવેમ્બર 2025ના રોજ માનકુવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, પીડિત સગીરા સાંજના સમયે સ્વામિનારાયણ મંદિરે જઈ રહી હતી ત્યારે આરોપીએ તેને રસ્તામાં આંતરી, ડરાવી-ધમકાવીને મોબાઈલ નંબર મેળવી લીધો હતો અને ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરવા દબાણ કર્યું હતું. ત્યારબાદ એક દિવસ સગીરા દર્શન કરીને પરત ફરી રહી હતી ત્યારે આરોપીએ તેનું બળજબરીપૂર્વક અપહરણ કરી ગામની મસ્જિદ નજીકના જૂના ખંડરમાં લઈ ગયો હતો. ત્યાં તેને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો.

આ જઘન્ય બનાવ અંગે માનકુવા પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ ભુજ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. એ. એમ. પટેલે તપાસ હાથ ધરી અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કેસની ચાલેલી સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશન પક્ષ તરફથી 30 દસ્તાવેજી પુરાવા અને 11 સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા.

સરકારી વકીલની ધારદાર દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખી અદાલતે પોક્સો એક્ટની કલમ 5(એલ) અને 6 મુજબ આરોપીને કસૂરવાર ઠેરવી અંતિમ શ્વાસ સુધીની જેલની સજા સંભળાવી હતી. આ ઉપરાંત બી.એન.એસ. (ભારતીય ન્યાય સંહિતા) 2023ની અન્ય કલમો હેઠળ પણ આકરી સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે.

અદાલતે ભોગ બનનાર સગીરાને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ મારફતે રૂ.4 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. સાથોસાથ બાળ કલ્યાણ સમિતિ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ ને પીડિતાના સતત સંપર્કમાં રહી તેના જીવન અને શિક્ષણના પુનઃસ્થાપન માટે યોગ્ય માર્ગદર્શન આપવા પણ આદેશ કર્યો છે.

આ કેસમાં પ્રોસિક્યુશન પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી.જાડેજાએ સચોટ દલીલો કરી હતી, જ્યારે પીડિતાના કાયદાકીય સહાયક તરીકે એડવોકેટ માલશ્રીબેન ગઢવી અને ફરિયાદીના વકીલ તરીકે કાંતાબેન વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા.