Mon Jul 27 2026

Logo

કૉલકાતામાં મેયર ફિરહાદ હાકિમનું રાજીનામું: મમતા બેનરજીની મુશ્કેલીઓમાં મોટો વધારો

2026-06-05 16:35:00
Author: Mumbai Samachar Team
Article Image

કૉલકાતાઃ પશ્ચિમ બંગાળમાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીની મુશ્કેલીઓમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. એક તરફ ધારાસભ્યોએ છેડો ફાડ્યા બાદ હવે મેયર પદે રહેલા ફિરહાદ હાકિમે રાજીનામું આપી દીધું છે. મમતા દીદીએ એમનું રાજીનામું સ્વીકારી પણ લીધું છે. હાકિમે આરોપ લગાવ્યો હતો કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા બાદ કામ કરવાનું મુશ્કેલ બની રહ્યું છે. રિપોર્ટ અનુસાર તેણે મમતાદીદી પાસે પદ છોડવા માટેની વાત કરી હતી, જે વાત તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી)ના કેટલાક નેતા સહિત મમતા બેનરજીએ સ્વીકારી લીધી હતી. 

રાજકીય માહોલ બદલાઈ ગયો

રાજીનામાની ચર્ચા વચ્ચે હાકિમ કોઈ પગલું ભરે એ પહેલા તો હાકિમે ભાજપ સરકાર પર ઠીકરું ફોડવાનું શરૂ કરી દીધું હતું. હાકિમનું એવું પણ કહેવું છે કે, સુવેંદુ અધિકારીની સરકાર આવ્યા બાદ રાજકીય માહોલ ઘણો બદલી ગયો છે. આવી પરિસ્થિતિમાં મેયર તરીકે કામ કરતા રહેવું સરળ નથી. આ કારણે રાજીનામું આપ્યું છે. રાજીનામાની વાતને લઈને તેણે અગાઉ મમતા બેનરજીને વાત કરી હતી. 

હાકિમે મુખ્યમંત્રી સુવેંદુ અધિકારી સાથે મુલાકાત કર્યા બાદ રાજીનામું આપી દીધું હતું. આ રાજીનામું એવા સમયે સામે આવી રહ્યું છે, જ્યારે મમતા બેનરજીના હાથમાંથી તૃણમૂલ કોંગ્રેસની કમાન છૂટી રહી છે. એક જ પાર્ટીમાં બે ભાગલા પડી ગયા છે.મેયરે રાજીનામું આપી દેતા પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી એકવાર એક હલચલ મચી ગઈ છે. મમતા બેનરજી તરફથી શોભનદેવ ચટ્ટોપાધ્યાયનું નામ વિપક્ષના નેતા તરીકે આગળ કરવામાં આવ્યું હતું.

બંગાળને પાકિસ્તાન બનાવવાની વાત

પક્ષના 60 ધારાસભ્યો દીદીના આ નિર્ણય સામે નારાજ હતા. આ પછી ઋતબ્રત બનરજીને 58 ધારાસભ્યોનું સમર્થન મળ્યું અને તેઓ વિપક્ષ નેતા બની ગયા. સ્પીકરે પણ ઋતબ્રતને વિપક્ષના નેતા તરીકે જાહેર કર્યા છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયાએ ફિરહાદના રાજીનામા પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે દાવત એ ઈસ્લામીના મુખ્ય સંરક્ષક ફિરહાદ હકીમે જ એક સમયે પશ્ચિમ બંગાળને પાકિસ્તાન બનાવી દેવાની વાત કરી હતી. 

ઉર્દૂ ભાષાને રાજ્યની મુખ્યભાષા બનાવવાની વાત કરી હતી. હવે કૉલકાતાના મેયર પદેથી તેમણે રાજીનામું આપી દીધું છે. તુષ્ટિકરણની રાજનીતિ કેવી હોય એનું ઉદાહરણ એમનો કાર્યકાળ છે. એમના જવાથી કૉલકાતાના નાગરિક વહીવટી તંત્રમાં વિભાજનકારી અધ્યાયનો અંત થઈ ગયો છે. સારૂ થયું વહેલો છૂટકારો થઈ ગયો.