Wed Sep 23 2026

Logo

મલાડમાં નિર્માણાધીન ઈમારતના 20મા માળેથી પટકાયેલા મજૂરનું મોત

2026-04-23 18:59:00
Author: Yogesh C. Patel
મલાડમાં નિર્માણાધીન ઈમારતના 20મા માળેથી પટકાયેલા મજૂરનું મોત

મુંબઈ: મલાડમાં નિર્માણાધીન ઈમારતના 20મા માળેથી પટકાયેલા મજૂરે જીવ ગુમાવતાં પોલીસે કામના સ્થળે કથિત બેદરકારી બદલ કોન્ટ્રાક્ટર સહિત ત્રણ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

બાંગુર નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના બુધવારની રાતે મલાડ પશ્ર્ચિમમાં એવરશાઈન નગર પરિસરમાં બની હતી. ઘટનામાં મૃત્યુ પામેલા યુવાનની ઓળખ મનોજ ઘુરહુ ગુપ્તા (30) તરીકે થઈ હતી.

પોલીસ ફરિયાદ અનુસાર ગુપ્તા નિર્માણાધીન ઈમારતના 20મા માળે કામ કરતો હતો. શિફ્ટ પૂરી થતાં ગુપ્તા 20મા માળેથી નીચે ઊતરવા માટે લિફ્ટમાં પ્રવેશવા ગયો ત્યારે તેણે સંતુલન ગુમાવ્યું હતું. લિફ્ટની શાફ્ટ અને બાજુની દીવાલ વચ્ચેની જગ્યામાં તે પડી ગયો હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે કામના સ્થળે સુરક્ષાનાં પગલાંનો અભાવ અને લાઈટની નબળી સ્થિતિને કારણે આ ઘટના બની હોવાનું પ્રથમદર્શી જણાયું હતું. 20મા માળેથી પડી ગયેલો ગુપ્તા ગંભીર રીતે ઘવાયો હતો, જેને પગલે તેનું મૃત્યુ થયું હતું.

આ પ્રકરણે બાંગુર નગર પોલીસે કોન્ટ્રાક્ટર, સાઈટ સુપરવાઈઝર અને સેફ્ટી સુપરવાઈઝર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)

વધુ જુઓ...