નવી દિલ્હીઃ મહિલા અનામત લાગુ કરવા માટેના બંધારણીય સુધારા બિલ પર આજે દેશની સંસદમાં ચર્ચા થઈ રહી છે. સંસદમાં મહિલા અનામત અને સુરક્ષાના મુદ્દા પર બોલતી વખતે મહારાષ્ટ્રના સાંસદ અરવિંદ સાવંત અને ભાજપના સાંસદ નિશિકાંત દુબે વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. નિશિકાંત દુબેએ આદિત્ય ઠાકરેનું નામ લેતા અરવિંદ સાવંત ગુસ્સે થઈ ગયા હતા.
નારી શક્તિ બિલ પર બોલતા અરવિંદ સાવંતે કહ્યું કે મહિલા અનામત વિશે વાત કરતા પહેલા, મહિલાઓની સુરક્ષા અંગે ચર્ચા કરો. કુલદીપ સેંગર કોણ,ક્યા પક્ષ સાથે છે? શું બ્રિજ ભૂષણ સિંહ મહિલાઓનું સન્માન કરે છે? ત્યારબાદ સાંસદ નિશિકાંત દુબેએ આદિત્ય ઠાકરેનું નામ લેતા સુપ્રિયા સુળે અને સાંસદ સાવંત ગુસ્સે થયા હતા.
જો તેઓ કુલદીપ સેંગર અને બ્રિજભૂષણ સિંહના દાખલા આપે છે, તો આદિત્ય ઠાકરેનું નામ પણ લેવું પડશે, કારણ કે આદિત્યએ એક નાયિકાની હત્યા કરી હતી, અમે તેની ચર્ચા કરવા માંગીએ છીએ, એમ નારી શક્તિ બિલ પરની ચર્ચામાં સાંસદ નિશિકાંત દુબેએ આદિત્ય ઠાકરેનું નામ લઈને ગંભીર આરોપ લગાવ્યો હતો.
આ સાંભળી શિવસેનાના સાંસદો ગુસ્સે થયા હતા. સાંસદ અરવિંદ સાવંત અને એનસીપીના સાંસદ સુપ્રિયા સુળેએ નિશિકાંત દુબેનો સખત વિરોધ કર્યો હતો અને અરવિંદ સાવંતે અમિત શાહનું નામ લીધા વિના તેમને તડીપાર કહી તેમના પર નિશાન સાધ્યું હતું. નિશિકાંત દુબે પર કાર્યવાહી થવી જોઈએ, તેઓ આદિત્ય ઠાકરેનું નામ ન લઇ શકે, સુપ્રિયા સુળે અને અરવિંદ સાવંતે માંગણી કરી. ઉપરાંત, જો બોલવા બેસશું તો બધું બહાર આવશે.
દરમિયાન, મહિલા અનામત આપતી વખતે, નવા સાંસદોની સંખ્યા વધારીને 840 કરવામાં આવી રહી છે, પરંતુ હાલના 544 સાંસદોમાં અનામત આપવાની તમારામાં હિંમત છે? અરવિંદ સાવંતે પ્રશ્ન કર્યો.