Sat Sep 12 2026

Logo

વિધાન પરિષદ ચૂંટણી: મહાયુતિમાં બેઠકોની વહેંચણી ફાઈનલ, ભાજપને ફાળે સૌથી વધુ બેઠકો

2026-05-21 19:50:24
Author: Mumbai Samachar Team
વિધાન પરિષદ ચૂંટણી: મહાયુતિમાં બેઠકોની વહેંચણી ફાઈનલ, ભાજપને ફાળે સૌથી વધુ બેઠકો

શિવસેનાને ૩ અને NCPને ૨ બેઠકો મળવાની સંભાવના; આગામી સપ્તાહમાં બેઠકોની અદલાબદલી પર આખરી નિર્ણય લેવાશે

મુંબઈ: રાજ્યની ૧૭ બેઠક માટે યોજાનારી વિધાન પરિષદની ચૂંટણી માટે મહાયુતિની બેઠક વહેંચણીની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી છે. પ્રાથમિક માહિતી અનુસાર ભાજપના ફાળે સૌથી વધુ એટલે કે ૧૨ બેઠકો, શિવસેનાને ૩ બેઠકો જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ (એનસીપી)ને બે બેઠકો મળશે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બંને નાયબ મુખ્ય પ્રધાનોની બેઠકમાં આ બેઠક વહેંચણી પર અંતિમ મહોર મારવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.

વિધાનપરિષદની ૧૭ બેઠકો માટે ૧૮ જૂનના રોજ મતદાન થવાનું છે, જ્યારે ૨૨ જૂનના રોજ તેનું પરિણામ જાહેર થશે. આ ચૂંટણીમાં મહાયુતિનું પલ્લું ભારે હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. તે જ પૃષ્ઠભૂમિમાં વિધાન પરિષદ ચૂંટણી માટે મહાયુતિની પ્રાથમિક ફોર્મ્યુલા સામે આવી છે.

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના સંખ્યાબળના આધારે મહાયુતિના નેતાઓ વચ્ચે પ્રાથમિક ચર્ચા શરૂ થઈ ગઈ છે. જે પક્ષ પાસે સભ્યોની સંખ્યા વધુ છે, તે પક્ષ દ્વારા વિધાન પરિષદની તે સંબંધિત બેઠક પર દાવો કરવામાં આવી રહ્યો છે.

આ ફોર્મ્યુલા અનુસાર, ભાજપના ફાળે ૧૨, શિવસેનાના ફાળે ૩ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ (એનસીપી)ના ફાળે ૨ બેઠક આવશે તેવી માહિતી મળી રહી છે. આ જ ફોર્મ્યુલાના આધારે મહાયુતિની સમન્વય સમિતિમાં બેઠક વહેંચણી અંગે પ્રાથમિક ચર્ચા હાથ ધરવામાં આવશે. કેટલીક બેઠકો માટે ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ વચ્ચે અદલાબદલી થશે. આગામી એક સપ્તાહમાં મહાયુતિમાં બેઠકોની વહેંચણી અંગે સર્વસંમતિ સધાય તેવી શક્યતા વર્તાવવામાં આવી રહી છે. 

. બેઠક ફાળવણી ફોર્મ્યુલા - ભાજપ ૧૨, શિવસેના ૩ અને રાષ્ટ્રવાદી ૨

કઈ બેઠક પર કયા પક્ષનો દાવો?

. રાષ્ટ્રવાદી કોંગ્રેસ - રાયગઢ-રત્નાગીરી-સિંધુદુર્ગ, હિંગોલી-પરભણી
. શિવસેના - થાણે, નાસિક, યવતમાળ,
. ભાજપ - નાગપુર, વર્ધા - ચંદ્રપુર - ગઢચિરોલી, અહિલ્યાનગર, છત્રપતિ સંભાજીનગર - જાલના, સતારા - સાંગલી, પુણે, જલગાંવ, નાંદેડ, ભંડારા - ગોંદિયા, અમરાવતી, લાતુર - ધારાશિવ - બીડ, સોલાપુર