અમદાવાદઃ દરેક લોકોનું ઘરના ઘરનું સપનું હોય છે. પરંતુ હાલ પ્રોપર્ટીના વધેલા ભાવથી ઘણા લોકો માટે ઘર ખરીદવું માત્ર એક સપનું જ બની ગયું છે. આ દરમિયા એક રિપોર્ટ પ્રમાણે, અમદાવાદના હાઉસિંગ માર્કેટમાં પ્રીમિયમ સેગમેન્ટનો દબદબો જોવા મળ્યો છે. ₹50 લાખથી વધુની કિંમતના ઘરોની માંગમાં ઉછાળો જોવા મળ્યો છે.
₹1 કરોડથી વધુની કિંમતના મકાનના વેચાણમાં 15 ટકાનો ઉછાળો
વર્ષ 2024ની સરખામણીમાં 2025માં શહેરમાં રહેણાંક મકાનોના વેચાણમાં માત્ર 1 ટકાનો મામૂલી વધારો થયો હતો. તેમ છતાં, ₹50 લાખથી ₹1 કરોડની કિંમતના ઘરોમાં વાર્ષિક ધોરણે 10 ટકાનો મજબૂત વધારો નોંધાયો હતો, જ્યારે ₹1 કરોડથી વધુની કિંમતના મકાનોના વેચાણમાં 15 ટકાનો ઉછાળો આવ્યો હતો.
આ વિસ્તારો છે હોટ ફેવરિટ
2025ના બીજા છ માસિક ગાળામાં ₹50 લાખથી ₹1 કરોડના બ્રેકેટમાં વેચાણ 9 ટકા વધ્યું હતું, જ્યારે ₹1 કરોડથી ઉપરની શ્રેણીમાં 16 ટકાનો ઉછાળો આવ્યો હતો. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે ₹50 લાખથી ₹2 કરોડની રેન્જમાં માંગ મુખ્યત્વે વૈષ્ણોદેવી સર્કલથી ગાંધીનગર, ગોતા, ઝુંડાલ, સાયન્સ સિટી, શિલજ, શેલા, સાઉથ બોપલ અને ગોધાવી જેવા વિસ્તારોમાં છે.
પ્રીમિયમ કેટેગરીમાં વધતું વેચાણ
નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ફ્લેગશિપ રેસિડેન્શિયલ રિપોર્ટ અનુસાર, કુલ વેચાણ 2024માં 18,462 યુનિટ્સથી વધીને 2025માં 18,752 યુનિટ્સ થયું છે. જોકે, પ્રીમિયમ કેટેગરીમાં આંકડા અલગ જ છે. 2024માં ₹50 લાખથી ₹1 કરોડની કિંમતના 7,759 યુનિટ્સ વેચાયા હતા. જે 2025માં વધીને 8,535 યુનિટ્સ થયા હતા. જ્યારે 2024માં ₹1 કરોડથી વધુની કિંમતના 3926 યુનિટ્સની સામે 2025માં 4525 યુનિટ્સ વેચાયા હતા.
સૂત્રોના કહેવા પ્રમાણે, વધતી જતી આવકને કારણે ₹50 લાખથી ₹2 કરોડના ઘરો ઝડપથી વેચાઈ રહ્યા છે. આ મકાનો સામાન્ય રીતે 1,700 થી 2,500 ચોરસ ફૂટના હોય છે. હવે વિશાળ 2BHK પણ આ કેટેગરીમાં આવી રહ્યા છે. બેંક લોનના વ્યાજ દરો અને 100 ટકા ચેક ટ્રાન્ઝેક્શન પણ વેચાણને ટેકો આપી રહ્યા છે. આ ઉપરાંત સ્થિર આર્થિક સ્થિતિ અને રેપો રેટમાં ઘટાડાને કારણે માર્કેટ મજબૂત છે. જોકે, એફોર્ડેબલ હાઉસિંગની માંગ અને સપ્લાય બંનેમાં ઘટાડો થઈ રહ્યો છે.