ગાંધીનગર: ઓગસ્ટ પૂરો થઈ ગયો હોવા છતાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો નથી. આ દરમિયાન હવામાન ખાતા દ્વારા રાજ્યમાં 7 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ દિવસો દરમિયાન કોઈપણ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ નથી. રાજ્યના દરિયાકાંઠે પવન ફૂંકાઈ શકે છે, જેથી માછીમારોને દરિયો ખેડતી વખતે સાવધાની રાખવા જણાવાયું હતું. ગુજરાતના 75 ટકા ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે.
ચોમાસાની વર્તમાન સિઝનમાં વરસાદે લાંબો વિરામ લેતાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. વાવેતર બાદ પૂરતા વરસાદના અભાવે ઊભા પાક સુકાઈ જવાની અને ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને અસરગ્રસ્ત જિલ્લાઓને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવાની માગ ઉઠી છે.
વિધાનસભા કૉંગ્રેસ પક્ષના દંડક અને ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે ખેડૂતોના આ સળગતા પ્રશ્ને વિધાનસભા સત્ર દરમિયાન નિયમ 116 હેઠળ વિશેષ ચર્ચા હાથ ધરવા નોટિસ આપી હતી. તેમણે સરકારનું ધ્યાન દોરતાં જણાવ્યું છે કે વરસાદ ખેંચાવાથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોની મહેનત અને મૂડી બંને જોખમમાં મુકાઈ ગયા છે. રાજ્યના આ બંને વિસ્તારોમાં અપેક્ષા કરતાં ઘણો ઓછો વરસાદ નોંધાતાં સિંચાઈના પાણીની ગંભીર કટોકટી ઊભી થઈ છે. જો આગામી દિવસોમાં પૂરતો વરસાદ નહીં પડે તો ખેડૂતો પાયમાલ થઈ જશે.
ડૉ. પટેલે રાજ્ય સરકાર સમક્ષ વરસાદની ખેંચથી પ્રભાવિત જિલ્લાઓમાં સ્થિતિનું વાસ્તવિક મૂલ્યાંકન કરવા તાત્કાલિક સર્વેક્ષણ હાથ ધરવામાં આવે અને અસરગ્રસ્ત વિસ્તારોને સત્તાવાર રીતે અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે, પાક નુકસાનીનું યોગ્ય વળતર અને રાહત પેકેજ ખેડૂતોને સમયસર ચૂકવવામાં આવે તેવી માગ કરી હતી.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજ્યમાં સિઝનનો સરેરાશ 75.34 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં 29.49 ટકા, ઉત્તર ગુજરાતમાં 56.23 ટકા, પૂર્વ મધ્યમાં 74.92 ટકા, સૌરાષ્ટ્રમાં 56.03 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 103.67 ટકા વરસાદ નોંધાયો છે. નર્મદા ડેમ 88.15 ટકા ભરાયેલો છે, જ્યારે રાજ્યના 206 જળાશયોમાં 66.32 ટકા જળસંગ્રહ છે.
રાજ્યમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ પડ્યો હોવા છતાં 75 ટકા ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે. 27 ડેમ 100 ટકા ભરાયેલા છે. 31 ડેમ 70 થી 100 ટકા વચ્ચે, 29 ડેમ 50 થી 70 ટકા વચ્ચે અને 44 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે.