Thu Apr 30 2026

Logo

એક નજર ઈધર ભી...: આખેઆખી કાર ટ્રેન કમ્પાર્ટમેન્ટમાં...

2026-03-21 10:18:00
Author: Kamini Shroff
Article Image

 

કામિની શ્રોફ


યુરોપ ફરવાનો આનંદ અનેકવિધ છે. કેટલાંક સ્થળ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે તો ત્યાં ભવ્ય કલાત્મક વારસો ધરાવતાં સ્થળ સુધ્ધાં છે. સાથે પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતી રળિયામણી જગ્યાઓ છે તો વૈજ્ઞાનિક અજાયબીઓ પણ છે. આ બધી જગ્યાએ સહેલ કરતી વખતનો આનંદ પણ અનેરો છે. એમાંય યુરોપની ટ્રેન ને બસ સફરની મજા અલગ જ અનુભૂતિ કરાવે છે. 

યુકે-યુરોપના રોકાણ દરમિયાન લંડનથી નેધરલેન્ડ્સ સુધીનો પ્રવાસ જળ-થળ-વાયુમાર્ગે કરવાના વિકલ્પો હતા. જોકે, હવાઈમાર્ગની મુસાફરી કરતી વખતે જે તે સ્થળના એરપોર્ટને જોવા-માણવા સિવાય બીજો કોઈ વિશેષ રોમાંચ નથી અનુભવી શકાતો. જ્યારે જળ અને થળ માર્ગે મુસાફરી અંગે જાણકારી મળી ત્યારે વાયુમાર્ગે મુસાફરી કરવા પર તરત ચોકડી મૂકી દીધી. સડક અને પાણી માર્ગે કરેલી મુસાફરીનો આનંદ અને રોમાંચ આજે પણ માનસપટ પરથી ભૂંસાયા નથી. જરૂરી અનુકૂળતા હોય તો એકવાર આ અનુભવ લેવા જેવો છે.

બસ - ફેરી - બસ

યુકેથી નેધરલેન્ડ્સ જવું હોય તો ઇંગ્લિશ ચેનલ પાર કરવી પડે. યુકેમાં જે સ્થળ પર હો ત્યાંથી સડક માર્ગે ડોવર જવાનું. સાઉથ-ઇસ્ટ ઈંગ્લેન્ડમાં આવેલી કેન્ટ કાઉન્ટીમાં આવેલું ડોવર ફેરી પોર્ટ છે. ઇંગ્લિશ ચેનલ મારફત નેધરલેન્ડ્સ જવા માગતા લોકો અહીંથી દોઢ કલાકની ફેરી સવારી કરીને ફ્રાન્સના કલાઇસ નામના ફેરી પોર્ટ પર પહોંચીને પછી યુરોપ પ્રવાસ શરૂ કરતા હોય છે. ખાસ કરીને ટુર ઑપરેટરો માટે આ અત્યંત જાણીતો અને અનુકૂળ પ્રવાસમાર્ગ હોવાનું કહે  છે. 

ફેરીમાં જતા પહેલા પ્રવાસના એકમાત્ર ઇમિગ્રેશન ચેક પોઈન્ટ પર પાસસપોર્ટમાં થપ્પો મરાવવાની વિધિ પાર પાડ્યા પછી આખેઆખી બસ એક ક્રૂઝમાં ઉતારવામાં આવી. જોકે, બીજી પણ કેટલીક બસ ત્યાં જોઈને આ એક સામાન્ય બાબત હોવાનો ખ્યાલ આવી ગયો. હવે તો મુંબઈમાં પણ આ આવો પ્રવાસ થઈ શકે છે. મહાકાય ફેરીમાં આંટો મારતા એનો ભપકો ઊડીને આંખે વળગ્યો. 

એકાદી આલીશાન રેસ્ટોરાં જેવી સગવડો સાથે કોફીથી માંડીને હાર્ડ ડ્રિંક્સના સરસ મજાના કાઉન્ટર્સમાં શિસ્તબદ્ધ રીતે થતી ખરીદી જોવાની મજા આવતી હતી. ઇંગ્લિશ ચેનલ જોતાવેંત 1958માં ડોવરથી કલાઇસ સુધી ઇંગ્લિશ ચેનલ તારી જનારા પ્રથમ ભારતીય મિહિર સેનનું સ્મરણ થઇ આવ્યું. કલાઈસથી સડક માર્ગે નેધરલેન્ડ્સ પહોંચતા ચારેક કલાક લાગે.

રોડ - ટ્રેન - રોડ

યુકેથી નેધરલેન્ડ્સ જવાનો એક આશ્ચર્યચકિત કનારો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. આ મુસાફરી સડક માર્ગે શરૂ થઈ વચ્ચે ટ્રેનમાં અને પછી સડક માર્ગે આગળ વધવાનો છે. જોકે, એમાં સૌથી રોમાંચિત અને અજાયબી પમાડનારી વાત એ છે કે આ મુસાફરીમાં પ્રવાસ કરતા હો એ આખેઆખી કાર ટ્રેનના કંપાર્ટમેન્ટમાં પ્રવેશતી હોય છે. 

`ધ શટલ' નામથી ઓળખાતી રેલવે સર્વિસ માર્ગ પર દોડતાં વાહનોને યુકેના ફોકસ્ટોનથી ફ્રાન્સના કલાઈસ સુધી લઈ જાય છે. યુકેમાં તમે જે સ્થળે રહેતા હો ત્યાંથી કારની મુસાફરી કરી કેન્ટના ફોકસ્ટોન નામના ટાઉન પહોંચવાનું. 

આ શહેરની કેટલીક વિશેષતાઓ પૈકી એક છે ટ્રાન્સપોર્ટ હબની. `ધ શટલ' સર્વિસનું આ ચેનલ ટર્મિનલ છે જે ટ્રેન માર્ગે યુકેને ફ્રાન્સ સાથે જોડે છે. અહીં પહોંચ્યા પછી કાર, વેન, મોટરસાઈકલ અને બાઈસિકલ શટલ ટ્રેનમાં પ્રવેશ કરે. આ ટ્રેનના કમ્પાર્ટમેન્ટ ચારેકોરથી બંધ હોય. કાર આ કમ્પાર્ટમેન્ટમાં પ્રવેશે એ પછી 35-40 મિનિટની મુસાફરી દરમિયાન કારમાં જ બેસી રહેવું હોય તો એમ અને કારની બહાર નીકળી લટાર મારવાની પણ છૂટ હોય છે. 

દરેક કમ્પાર્ટમેન્ટમાં એક નાનકડો વોશરૂમ અને અમુક અંતરે મિની રેસ્ટોરાંની સગવડ પણ હોય છે. કલાઈસ આવે એટલે કાર ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાંથી બહાર નીકળી સડક માર્ગ પર આવી જાય અને ત્યાંથી કાર ચલાવી ચારેક કલાકમાં નેધરલેન્ડ્સ પહોંચી જવાય. કાર ટ્રેન કમ્પાર્ટમેન્ટમાં પ્રવેશે એ અનુભવ રોમાંચક રહ્યો.

યુરોસ્ટાર ટ્રેન

આ સર્વિસ બત્રીસ વર્ષ પહેલા જ શરૂ થઈ હતી. એનું કારણ એવું છે કે 1994માં `ચેનલ ટનલ' નામની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. `ચેનલ ટનલ' 50 કિલોમીટર લાંબી અંડરવોટર રેલવે ટનલ છે, જે યુકેના ફોકસ્ટોન અને ફ્રાંસના કલાઈસને ઈંગ્લિશ ચેનલની નીચેથી જોડે છે. વિશ્વની સૌથી લાંબી અંડર સી ટનલ તરીકે ખ્યાતિ ધરાવે છે અને તીવ્ર ઝડપે દોડતી કે ધસમસતી યુરોસ્ટારની ટ્રેનને યુકેથી યુરોપ પહોંચવામાં મદદ કરે છે. યુરોપની કેટલીક નેશનલ રેલ કંપનીઓના સહયોગથી યુરોસ્ટાર સર્વિસ શરૂ કરવામાં આવી હતી. 

આ સર્વિસની ખાસિયત એ છે કે પ્રવાસીઓને મોડર્ન ટે્રનોમાં આધુનિક આરામદાયક સગવડો સાથે મુસાફરી કરવાનો લહાવો મળે છે. લંડનથી એમ્સ્ટર્ડેમ સુધીનું અંતર ચાર કલાક અને નવ મિનિટમાં પૂરૂ થાય છે. હકીકતમાં લંડનથી એમ્સ્ટર્ડેમનું અંતર 300 કિલોમીટર જ છે. તકલીફ એટલી જ છે કે આ બન્ને પાટનગર વચ્ચે સમુદ્ર આવેલો છે. એટલે સીધું નથી જઈ શકાતું. 

અહીં આપણે બે ઉદાહરણમાં જોયું. યુકેનું ફોકસ્ટોન અને ફ્રાન્સનું કલાઈસ એ બે જ જમીન માર્ગની સગવડ છે. ફેરી અને 'ધ શટલનો પ્રવાસ માટે નવેક કલાક લાગી જાય છે. એટલે સમયને મહત્ત્વ આપતા લોકો લંડનથી એમ્સ્ટર્ડેમની મુસાફરી વિમાનમાર્ગે કરતા હોય છે. જોકે, યુરોસ્ટાર ટ્રેન સર્વિસ શરૂ થયા પછી અનેક લોકો ટ્રેનનો વિકલ્પ અપનાવવા લાગ્યા છે. આ પ્રવાસમાં હવાઈ મુસાફરી કરતા ઓછી માથાકૂટ કરવી પડે છે. 20 મિનિટ માટે ટ્રેન દરિયાની અંદરથી મુસાફરી કરી પચાસ કિલોમીટરનું અંતર કાપે છે. અલબત્ત, આ મુસાફરી એકવેરિયમમાંથી નહીં, પણ ચારેકોરથી બંધ ટનલમાંથી થતી હોવાથી બારીની બહાર કાળું ડિબાંગ અંધાં જ દેખાય છે.