Fri Sep 11 2026

Logo

કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ: વહીવટી તંત્ર સજ્જ

2026-03-18 12:32:00
Author: Mumbai Samachar Team
કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ: વહીવટી તંત્ર સજ્જ

ભુજઃ માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સત્તાવાર તારીખો જાહેર થવાની પ્રબળ શક્યતાઓ વચ્ચે કચ્છના જિલ્લા વહીવટી તંત્રે તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. હાલમાં જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં વહીવટદારોએ શાસન સંભાળી લીધું છે, જેની સાથે જ હવે ચૂંટણીલક્ષી ગતિવિધિઓ પણ તેજ બની છે.

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નગરપાલિકાઓ બાદ હવે જિલ્લા અને તાલુકા પંચાયતો માટે પણ મુખ્ય અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂકના આદેશ જારી કરી દેવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતની કુલ ૩૮ બેઠકો અને જિલ્લાની નવ તાલુકા પંચાયતો માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આ કામગીરી માટે પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓને મુખ્ય અને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકેની મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. અધિકારીઓની નિયુક્તિ પૂર્ણ થતા હવે આગામી દિવસોમાં મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ સહિતની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉપયોગમાં લેવાનારા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનું ટૂંક સમયમાં જ ફર્સ્ટ લેવલ ચેકિંગ શરૂ કરવામાં આવશે.

અત્રે એ નોંધનીય છે કે, જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં હાલમાં ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થતા રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા વહીવટદારોએ વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. વહીવટદારોના આગમન સાથે જ વહીવટી તંત્ર હવે સંપૂર્ણપણે ચૂંટણી મોડમાં આવી ગયું છે અને આગામી દિવસોમાં ચૂંટણી પ્રક્રિયા વધુ ગતિશીલ બને તેવા સંકેતો મળી રહ્યા છે. 

(ઉત્સવ વૈદ્ય)