ભુજઃ પૂર્વ કચ્છના અંજાર તાલુકાના વરસાણા ગામ નજીક આવેલી એક ખાનગી હોટેલના પાર્કિંગમાં રેઢી પડેલી ટ્રકમાંથી રાજ્યસ્તરની સ્ટેટ મોનિટરીંગ સેલની ટુકડીએ સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને રૂા.૨,૦૬,૭૨,૦૦૦નો અંગ્રેજી શરાબનો જથ્થો જપ્ત કરી લેતાં ચકચાર
પ્રસરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, રાજ્યની સ્ટેટ મોનીટરિંગ સેલની એક ટુકડીને વરસાણા ગામ નજીક ઓવરબ્રિજના છેડે આવેલી આશાપુરા હોટેલના પાર્કિંગમાં રહેલી ટ્રકમાં શરાબ હોવાની મળેલી પૂર્વ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. અહીં હોટલના પાર્કિંગમાં બાતમી મુજબની પાર્ક થયેલી ટ્રક (નંબર આર.જે. ૧૭ જી.બી. ૧૪૭૭) અંગે હોટેલના સંચાલક મોહન ઉર્ફે મુન્ના ગોમારામ જાટ (ચૌધરી)ને પૂછતાં ત્રણેક દિવસથી ટ્રકને કોઇ લેવા ન આવ્યું હોવાનું જણાવ્યું હતું.
આ વાહનની તપાસ કરતાં ચોખાની બોરીઓ તેની નીચે શરાબની પેટીઓ મળી આવી હતી. ત્યારબાદ આ ટ્રકને અંજાર પોલીસ મથકલઇ જવાઈ હતી. ગણતરી માંડતા કિં.રૂા.૨,૦૬,૭૨,૦૦૦ની શરાબની ૩૦,૦૪૫ બોટલ મળી આવી હતી. આ ઉપરાંત રેગ્યુલર ઇન્ડિયન વ્હાઇટ રાઇઝના ૪૪૦ કટ્ટા, બારગઢથી ગાંધીધામની બિલ્ટી, આર.સી. બૂક, ફિટનેસ સર્ટિફિકેટ,પી.યુ.સી. વગેરે કાગળો જપ્ત કરવામાં આવ્યા હતા. હાલ ટ્રક હોટલમાં કોણ અને ક્યારે મૂકી ગયું, વાહન માલિકની ઓળખ વગેરે જાણવા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
(ઉત્સવ વૈદ્ય)