Mon Sep 07 2026

Logo

બનાસકાંઠામાંથી કચ્છ લવાતો રૂ. ૧.૦૫ કરોડનો વિદેશી દારૂ ઝડપાયો: બે શખ્સ ઝડપાયા

2026-08-08 12:57:00
Author: Mumbai Samachar Team
બનાસકાંઠામાંથી કચ્છ લવાતો રૂ. ૧.૦૫ કરોડનો વિદેશી દારૂ ઝડપાયો: બે શખ્સ ઝડપાયા

ભુજઃ સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ની ટુકડીએ બનાસકાંઠાના ઉણ ગામ નજીક દરોડો પાડીને લુધિયાણાથી કાપડની ઘાસડીઓની આડમાં કચ્છ લવાતો રૂ. ૧,૦૫,૧૨,૪૫૧ની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રક અને મુદ્દામાલ મળી કુલ રૂ.૧.૨૦ કરોડથી વધુનો માલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.

ચોક્કસ બાતમીના આધારે એસએમસીની ટુકડીએ થરા-રાધનપુર ધોરીમાર્ગ પરના ઓવરબ્રિજ નજીકથી રાજસ્થાન પાર્સિંગની ટ્રકને આંતરી હતી. તલાશી લેતાં તેમાંથી કાપડના બંડલોની પાછળ સંતાડેલો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ડ્રાઈવર ઓમપ્રકાશ કાકળ અને હેલ્પર જિતેન્દ્રકુમાર કાકળ (બંને રહે. રાજસ્થાન)ને ઝડપી લીધા હતા.

પોલીસ તપાસમાં ભુજની 'આશાપુરા એન્ટરપ્રાઇઝ'ના નામે દારૂનો આ જથ્થો મંગાવાયો હોવાનું ખૂલ્યું છે. માલ મોકલનાર રાજસ્થાનના હરીશ કુંકણા, લુધિયાણાના અજાણ્યા સપ્લાયર, ટ્રક માલિક અને ભુજમાં શરાબ મંગાવનાર મુખ્ય આરોપીઓને પકડી પાડવા પોલીસે કવાયત આદરી છે.

ઉત્સવ વૈદ્ય