Tue Jun 23 2026

Logo

મળો લિયોનેલ મેસીનાં 100 વર્ષનાં વયોવૃદ્ધ ચાહક અને માંડ એક વર્ષની ઉંમરના નવજાત ફૅનને!

Arlington   2026-06-23 18:12:38
Author: Ajay Motiwala
Article Image

અર્લિગ્ટન (અમેરિકા): વર્લ્ડ ચૅમ્પિયન આર્જેન્ટિનાના ફૂટબોલર લિયોનેલ મેસી જેવો દાયકાઓમાં એક ખેલાડી જોવા મળતો હોય અને તે કદાચ જો છેલ્લો વર્લ્ડ કપ રમી રહ્યો હોય તો તેની મૅચ સ્ટેડિયમમાં આવીને જોવાનું મન કોને ન થાય! સોમવારે રાત્રે ઑસ્ટ્રિયા સામેની મૅચમાં આ સૉકર આઇકનનો પર્ફોર્મન્સ અસાધારણ અને અદ્દભુત હતો અને એની મોજ અહીંના સ્ટેડિયમમાં હજારો લોકોએ માણી હતી એમાં 100 વર્ષનાં તેના વયોવૃદ્ધ મહિલા ફૅન પણ હતાં.

100 વર્ષનાં હોય કે એક વર્ષનો, મેસીના ફૅન તો સૌ કોઈ હોય. એટલું જ નહીં, માંડ એક વર્ષની ઉંમરના બાળકને લઈને પણ તેના પૅરન્ટ્સ આ મૅચ જોવા આવ્યા હતા અને મેસીએ ગોલ કર્યો ત્યારે તેને ઊંચો કરીને ગોલ સેલિબ્રેટ કર્યો હતો. અર્લિંગ્ટનના સ્ટેડિયમમાં બેઠેલા હજારો પ્રેક્ષકોમાં તેમ જ કરોડો ટીવી-દર્શકોમાં આ ટેણિયો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

100 વર્ષ (100 years old)ની ઉંમરના એક મહિલા સૉકરપ્રેમી આ મૅચ જોવા આવ્યા હતા. તેઓ તેમ જ પેલો ભૂલકો મેસીના રેકૉર્ડ-બ્રેક ગોલના સાક્ષી છે. આ મહિલાએ મૅચ બાદ જરૂર પોતાના મિત્રો અને સંબંધીઓને ગર્વથી કહ્યું હશે કે તેઓ મેસીની ઐતિહાસિક મૅચના સાક્ષી બન્યાં છે. એવી જ રીતે, એક વર્ષનું બાળક (Toddler) મોટું થશે ત્યારે ઘણાને કહેશે કે તેણે મેસીની વર્લ્ડ રેકૉર્ડ 17મા અને 18મા ગોલવાળી મૅચ સ્ટેડિયમમાં જોઈ હતી.

મેસીએ સોમવારે બે ગોલ કરીને આર્જેન્ટિનાને ઑસ્ટ્રિયા સામે 2-0થી રોમાંચક વિજય અપાવ્યો હતો. તેણે મૅચનો પ્રથમ ગોલ કર્યો ત્યારે વર્લ્ડ કપના ઇતિહાસમાં વ્યક્તિગત રીતે સૌથી વધુ 16 ગોલ કરનાર જર્મનીના મિરોસ્લાવ ક્લૉઝનો દાયકાઓ જૂનો વિશ્વવિક્રમ તોડ્યો હતો. ત્યાર બાદ મેસીએ 18મો ગોલ કરીને પોતાનો રેકૉર્ડ વધુ મજબૂત કર્યો હતો. મેસીનો આ વિશ્વવિક્રમી છઠ્ઠો વર્લ્ડ કપ છે. આર્જેન્ટિનાએ નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચતા પહેલાં આ વખતના વર્લ્ડ કપમાં બે મૅચમાં કુલ પાંચ ગોલ કર્યા છે અને એ પાંચેય ગોલ મેસીએ કર્યા છે.

100 વર્ષનાં મહિલા કેમ મેસીના ફૅન?

અર્લિંગ્ટનના સ્ટેડિયમમાં ઉપસ્થિત મેસીનાં 100 વર્ષની ઉંમરના ચાહકે પણ આકર્ષણ જમાવ્યું હતું. તેઓ `100 વર્ષની ઉંમરના મૅસી ફૅન' બૅનર લઈને ઊભા હતા. તેમણે ભૂતકાળમાં સ્ટેડિયમમાં જઈને આર્જેન્ટિનાના મહાન ખેલાડીઓ આલ્ફ્રેડો ડી સ્ટેફાનો તેમ જ ડિયેગો મૅરડોનાની મૅચ પણ જોઈ હતી. આ મહિલાના મતે `ગોલ કરવાની મેસીની સ્ટાઇલ અને કળા અસાધારણ છે. તે જ્યારે બૉલને નેટમાં મોકલવા જે સહજતાથી કિક મારે છે ત્યારે મારા માટે ફૂટબૉલ જાણે મ્યૂઝિક બની જાય છે.'

બીજી તરફ, 10-12 મહિનાની ઉંમરના બચ્ચાંને તેના પૅરન્ટ્સ વારંવાર ઊંચો કરતા હતા અને કૅમેરામૅનને પ્રભાવિત કરતા હતા. આ ભૂલકાંને પણ આર્જેન્ટિના શર્ટ પહેરાવવામાં આવ્યું હતું.