Thu Sep 17 2026

Logo

લીંબડીમાં લગ્નનો હરખ શોકમાં ફેરવાયો: ડી.જે. પર ગીત વગાડવાની સામાન્ય તકરારમાં યુવકની કરપીણ હત્યા!

2026-03-29 11:18:00
Author: Devayat Khatana
લીંબડીમાં લગ્નનો હરખ શોકમાં ફેરવાયો: ડી.જે. પર ગીત વગાડવાની સામાન્ય તકરારમાં યુવકની કરપીણ હત્યા!

લીંબડી: આજના સમયમાં અનેક બનાવો ચોંકાવી નાખે છે. ખૂબ જ સામાન્ય બાબતની બોલાચાલી કે વાત હત્યામાં પરિણમે છે. આવો જ એક કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લામાંથી પ્રકાશમાં આવ્યો હતો. જ્યાં લગ્ન પ્રસંગ માટે અમદાવાદથી લીંબડી આવેલા યુવકની ડી.જે. પર ગીત વગાડવા બાબતે થયેલી તકરારમાં કરપીણ હત્યાના બનાવે ચકચાર મચાવી હતી. 

મળતી વિગતો અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં લગ્ન પ્રસંગના હરખમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા જયેશભાઈ પાલજીભાઈ સોલંકી તેમના પરિવાર સાથે લીંબડી ખાતે તેમના સંબંધીના ઘરે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. ગત તારીખ ૨૭ માર્ચ ૨૦૨૬ના રોજ રાત્રિના સમયે દાંડિયારાસ અને ડી.જે.નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફરિયાદીના પુત્ર દીપક સોલંકીએ પોતાનું મનપસંદ ગીત વગાડવા માટે ડી.જે. ઓપરેટરને પોતાનો મોબાઈલ આપ્યો હતો. જોકે, આરોપી અમન પ્રવીણભાઈ ચાવડાને આ બાબત પસંદ ન આવતા તેણે લેપટોપમાંથી ગીત વગાડવાનું કહી તકરાર શરૂ કરી હતી. તે સમયે બંને વચ્ચે ગાળાગાળી અને બોલાચાલી થતા પરિવારજનોએ મામલો શાંત પાડ્યો હતો.

આગલા દિવસનું  મનદુખ રાખીને બીજે દિવસે એટલે કે ૨૮ માર્ચના રોજ બપોરે જ્યારે દીપક સોલંકી ઘરની બહાર નીકળ્યો હતો, ત્યારે ખોડિયાર મંદિર પાસે રોડ પર આરોપી અમન ચાવડાએ તેને આંતરી લીધો હતો. આરોપીએ ઉશ્કેરાઈ જઈને પોતાની પાસે રહેલી છરી વડે દીપકના ગળાના ભાગે જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘાયલ દીપક લોહીલુહાણ હાલતમાં દોડતો તેના પિતા પાસે પહોંચ્યો હતો અને જણાવ્યું હતું કે અમને તેને છરી મારી દીધી છે. તેને તાત્કાલિક સારવાર અર્થે લીંબડી સરકારી દવાખાને અને ત્યારબાદ સુરેન્દ્રનગરની ટી.બી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટના અંગે મૃતકના પિતા જયેશભાઈ સોલંકીએ લીંબડી પોલીસ સ્ટેશનમાં આરોપી અમન પ્રવીણભાઈ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૧૦૩(૧) (હત્યા), ૩૫૨ અને જી.પી. એક્ટની કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લગ્ન જેવા માંગલિક પ્રસંગમાં નજીવી બાબતે થયેલી હત્યાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને શોકનું મોજું ફરી વળ્યું છે.