Wed Aug 19 2026

Logo

તો તમે મોટિવેશનલ સ્પીકર છો, એમ?

2026-03-12 08:59:58
Author: પ્રજ્ઞા વશી
Article Image

લાફ્ટર આફ્ટરઃ -

પ્રજ્ઞા વશી

પહેલાં તમે તમારી ઓળખમાં ભૂલેચૂકે પણ એમ કહો કે હું કવિ છું, તો સામેવાળાના મ્હોં ઉપરની બદલાયેલી રેખા જોવા જેવી હોય છે. એ પછી તે  ભાઈ જેમ તેમ દબાતા અવાજે કહેશે,

`એમ? તમે કવિ છો?'  
એકવાર ટ્રેનમાં (તે પણ ભુસાવળ રેલવેની ધુમાડાવાળી છુકછુક ગાડીમાં) એક ભાઈ હાંફતાં હાંફતાં ચડ્યા. એક હાથમાં કાગળિયાની થપ્પી અને બીજા હાથમાં બે મોટા થેલા. એમાં એમની સાથે ભેળ વેચતો ફેરિયો અથડાયો. એટલે હાથના ફૂલસ્કેપ કાગળો ઊડીને ગમે ત્યાં પડ્યા. હાથના થેલા ઊંચકે કે કાગળો વીણે? કવિ હતા એટલે ડોળા કાઢતાં કે ગુસ્સો કરતાં પણ આવડે નહીં. ભેળવાળાએ કાગળ ઉપાડતાં પેલા ભાઈને કહ્યું, `મને માફ કરજો. મેં તમને આવતા જોયા નહીં એટલે હું અથડાયો. તમારા કાગળ બગડી ગયા છે. એક કામ કરો, મને આપી દો. હું ભેળના પડીકાં બનાવવામાં લઈ લેવા. બદલામાં તમને પૈસા આપી દઉં!'

હવે શાંત લાગતા કવિરાજનો ગુસ્સો ઊછળ્યો. એ બોલ્યા, `આ મારી જીવનભરની મૂલ્યવાન પૂંજી છે. કેટલાં વર્ષોની તપસ્યા છે અને કેટલી રાતોના ઉજાગરા છે. તપસ્યા કરવી પડે ત્યારે માંડ કવિતા અવતરે છે. કવિતા કંઈ રસ્તામાં સસ્તા ભાવે મળતી નથી. સમજ્યા?'

ભેળવાળો તો કવિનો પ્રલાપ સાંભળીને ઠંડોગાર થઈ ગયો. એણે એનું માથ ખંજવાળ્યું. અમે પેલા ભાઈને બેસાડ્યા. જેવી બેઠક મળી કે તરત કવિએ એમના કાગળો માથે અડાડ્યા અને ભેળવાળાને કહ્યું, `તેં મારા કાગળ ઉડાડ્યા એ બદલ તને માફ કરૂ છું, પણ બદલામાં તારે મારી કવિતા સાંભળીને તારો અભિપ્રાય આપવો પડશે. સમજ્યો?' એ સાથે કવિએ ગળું ખંખેર્યું અને માઇક ઉપર બોલતો હોય એમ, `ભાઈઓ તથા બહેનો... આપણે સહુ એક જ ડગરના મુસાફિર છીએ...'

ભેળવાળાએ પૂછ્યું, `આ ડગર એટલે શું? અહીં તો કોઈ ડગરો (ઢેફું, પથરો) દેખાતો નથી.'

`જુઓ ભાઈઓ તથા બહેનો, હું કવિ છું, સિંગર છું, કથાકાર છું, શિક્ષક છું અને મોટિવેશનલ સ્પીકર તેમ જ પોઝિટિવ થિંકિગમાં માનનારો અને એનો પ્રચાર-પ્રસાર કરનારો એક ઉત્તમ વક્તા છું...'

આ સાંભળી નંદરબાર લોકલ ટ્રેનમાં અડધા ઊંઘતા જાગતા એવા પાટિયા પર સૂતેલા ભાઈએ પૂછ્યું: 
`આટલા બધા ઍવોર્ડ તમને કેવી રીતે મળ્યા? કશે પૈસા આપીને વેચાતા મળે છે કે શું?' 

ફરી પેલા શિક્ષક કમ સ્પીકરભાઈનું મગજ ફાટફાટ થવા લાગ્યું. એટલે એમણે ઊભા થઈને થોડા ગુસ્સામાં કહેવાનું શરૂ કર્યું,' ભાઈઓ, ઉપર ઊંઘતા-જાગતા ભાઈ ઊંઘતા જ રહે તો આપણને સહુને મજા આવશે. સાથે મારાં જીવનની સત્ય વાતોમાંથી હું જે શીખ્યો છું એ વાતો તમને કહી શકીશ. હે પ્રભુ! આ ઉપરવાળા ભાઈને ખબર જ નથી કે એ બીજા સાથે શું કરી રહ્યા છે. જ્યારે તમને કોઈ વાતમાં સમજ નહીં પડે ત્યારે મૌન ધારણ કરવું જોઈએ. 

આવા તુચ્છ પ્રશ્ન કરી કરીને તમે ક્યાં સુધી બ્રેક મારશો? જેમ કે નાની-નાની વાતે ટે્રનને બ્રેક મારવાથી રેલવેને કેટલુંક નુકસાન તો થાય જ, ઉપરથી કેટલા બધા લોકો પોતાનાં ગંતવ્ય સ્થાને મોડા પહોંચે છે. માટે બી પોઝિટિવ. જીવનમાં પોઝિટિવિટી તમને મૌન અને શાંતિ જાળવવાનું શીખવે છે. 

બીજું, જ્યાં સુધી વાતના દરેક પહેલુની તમને ખબર ન હોય ત્યાં સુધી એ વાતમાં વચ્ચે ડબકા મૂકવા નહીં. જેમ કે ઉપર સૂતેલા અડધા ઊંઘતા ભાઈએ સૂતાં સૂતાં જ પ્રશ્ન પૂછ્યો કે શું તમે ઍવોર્ડ વેચાતા લીધા છે? હાલાંકિ એ ભાઈને ખબર જ નથી કે મને હજી સુધી એક પણ ઍવોર્ડ મળ્યો નથી. એટલે પહેલાં સમગ્રતયા જ્ઞાન પ્રાપ્ત કરો, એ પછી જ તમે પ્રશ્ન પૂછવાના અધિકારી બનો છો..... અધૂરો ઘડો છલકાય ઘણો એવું કંઈક આ ભાઈના પ્રશ્નો દ્વારા પ્રતિપાદિત થાય છે.'

ઉપરવાળા ભાઈએ ફરી બગાસાં ખાતાં ખાતાં પૂછ્યું, `પ્રિતપાદિતનો અર્થ જરા સમજાયો નહીં.'

`આમ તો તમે ઊંઘી જાઓ એમાં જ આ પેસેન્જરોનું ભલું છે. છતાં તમે મારામાં થોડો રસ ધરાવો જ છો, તો મારે તમને મારૂ જ્ઞાન આપવું જ રહ્યું. તો સાંભળો. `પ્રતિપાદિત'નો અર્થ થાય છે સમજાવું... તો પછી મારી માર્મિક વાતો, પોઝિટિવિટીની વાતો, સુજ્ઞ માર્મિક કવિતાઓ ક્યાંથી સમજાવાની? એક કામ કરો. તમ તમારે ચાદર ઓઢીને ઊંઘી જાવ. જો કે મારે મારી કવિતાઓનું વાંચન કરીને પુસ્તકોથી વિમુખ થઈ રહેલા લોકોને કવિતા દ્વારા મારા હૃદયની વાત પહોંચાડવી હતી. કવિનો આ મુખ્ય અને ઉમદા ધર્મ છે....'

ફરી ઉપરવાળાએ બગાસાં ખાતાં પ્રશ્ન પૂછ્યો, `તે આ વિમુખ થવું એટલે શું? કવિરાજ?'
`એટલે એક કવિ તરીકે અને મોટિવેશનલ સ્પીકર તરીકે મારે તમને `વિમુખ'નો અર્થ બરાબર સમજાવવો જ રહ્યો. નહીંતર મારૂ શિક્ષકત્વ પણ લાજે'

`ઓહોહો...! તમને તો ઍવોર્ડ જ એટલા મળ્યા છે, એટલે તમારે દરેકે દરેક શબ્દનો અર્થ સમજાવવો જ રહ્યો. ફરી કહું છું ભાઈ, આ શિક્ષક, કવિ, સ્પીકર એ બધાને તમે હજી ઉપાધિ કહો, ડિગ્રી કહો તો ચાલે, પણ ઍવોર્ડ તો ના જ કહેવાય. સમજ્યા?'

`જુઓ ભાઈ, મારી પત્નીને મારી સાથે નહીં ફાવ્યું એટલે એ મારાથી છૂટી પડી ગઈ.
(કવિતાને મોટિવેશનલ સ્પીચ આપી આપીને અધમૂઈ કરી નાખી હશે.) એટલે કે વિમુખ થઈ ગઈ... મ્હોં ફેરવી ગઈ..!' 

ત્યાં નીચેથી અને ઉપરથી ઊંઘવાના ઘરઘરાટા સંભળાયા. નીચે બેઠેલો ભેળવાળો ક્યારે વિમુખ થઈ ગયો એ ખબર જ ન પડી અને ઉપરવાળો ઉપરથી નીચે ઊતરતાં બોલ્યો, `ચાલો ત્યારે. હવે હું પણ વિમુખ થઈને મ્હોં ફેરવું છું. સ્ટેશન આવે ત્યાં સુધી તમને પ્રશ્ન પૂછી પૂછીને હેરાન કર્યા. કારણ કે હું ઊંઘી જાઉં તો માં સ્ટેશન જતું રહે. 

જાગવાનો એક જ ઉત્તમ ઉપાય હતો કે તમને પ્રશ્નો પૂછતા રહીને જાગતા રહેવું. હવે આ નીચે ઊંઘતાને પણ સ્પીચ આપી આપીને જગાડતા રહેજો. તમારો શિક્ષક ધર્મ અને તમારી પોઝિટિવિટી... ઉપરથી તમારી કવિતા. વાહ, કહેવું પડે... લગે રહો. પણ જોજો, તમાં સ્ટેશન જતું ના રહે કવિરાજ...!'