Thu Apr 30 2026

Logo

અલવિદા આશાતાઈ: જ્યારે લતા મંગેશકરે ઈશારામાં કરી હતી આશા ભોસલેની પ્રશંસા, જે પળ બની ગઈ યાદગાર

2026-04-12 19:00:00
Author: Devayat Khatana
Article Image

ફિલ્મ ‘ઉત્સવ’ના ગીત ‘મન ક્યોં બહેકા’ના રેકોર્ડિંગનો એ કિસ્સો, જે આશાજી માટે કોઈ પણ એવોર્ડથી હતો મોટો

મુંબઈ: ભારતીય સંગીત જગતના દિગ્ગજ ગાયિકા આશા ભોસલેના નિધનથી ભારતીય સંગીત જગતના સુવર્ણ યુગના અંત આવ્યો છે. આઠ દાયકા સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પોતાના અવાજનું સામ્રાજ્ય ચલાવનાર લિજેન્ડરી સિંગર આશા ભોસલેના નિધનથી દિગ્ગજ નેતાઓથી લઈને સેલિબ્રિટિઝને આંચકો લાગ્યો છે. આશાતાઈના દિલમાં હંમેશા એક ઈચ્છા રહી હતી કે તેમની મોટી બહેન અને સ્વર કોકિલા લતા મંગેશકર તેમની ગાયકીના વખાણ કરે. એંસીના દાયકામાં એક એવો ઐતિહાસિક મુકામ પણ આવ્યો હતો, જ્યારે બંને બહેનોએ સાથે મળીને એક ગીત ગાયું અને આશાજીની આ વર્ષો જૂની ઈચ્છા પૂરી થઈ હતી.

વાત વર્ષ 1984માં રિલીઝ થયેલી ફિલ્મ 'ઉત્સવ'ના ગીત 'મન ક્યોં બહેકા રે બહેકા'ની છે. આ ગીતની રેકોર્ડિંગનો કિસ્સો શેર કરતા આશા ભોસલેએ એકવાર જણાવ્યું હતું કે, જ્યારે તેમણે લતા દીદી સાથે આ ડ્યુએટ સોંગ ગાયું ત્યારે એક ખાસ પળ આવી હતી. ગીતની શરૂઆતમાં લતાજીએ પ્રથમ પંક્તિ ગાઈ અને જેવી આશાતાઈએ બીજી પંક્તિ ગાઈ, લતાજીએ પોતાના ચશ્મા નીચે કરીને ખૂબ જ સુંદર રીતે ગાવાનો ઈશારો કર્યો હતો. બહેન તરફથી મળેલી આ શાબાશી આશાજી માટે કોઈ પણ એવોર્ડથી જરાયે ઊણી નહોતી. બંને બહેનોએ સાથે મળીને લગભગ 80થી 90 ગીતો ગાયા હતા, જેમાં તેઓ નજરો નજર ઈશારા કરીને એકબીજાના તાલ સાથે તાલ મિલાવતા જોવા મળ્યા અને એ ગીતો પણ અવિસ્મરણીય બની ગયા.

સૌથી મહત્ત્વનું ગીત ઉત્સવનું હતું. ગિરીશ કર્નાડ દ્વારા નિર્મિત અને શશી કપૂર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ફિલ્મ 'ઉત્સવ' એક આર્ટ ફિલ્મ હતી, જે સંસ્કૃત નાટક 'મૃચ્છકટિકમ' પર આધારિત હતી. આ ફિલ્મમાં લક્ષ્મીકાંત-પ્યારેલાલનું સંગીત હતું અને વસંત દેવે ગીતો લખ્યા હતા. આ ફિલ્મમાં રેખા, શેખર સુમન અને અનુરાધા પટેલ મુખ્ય ભૂમિકામાં હતા. જોકે, આ ફિલ્મનું નિર્માણકાર્ય શશી કપૂર માટે ખૂબ જ પડકારજનક રહ્યું હતું. અગાઉ આ રોલ માટે અમિતાભ બચ્ચનની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ બિગ બીના ઈનકાર બાદ શશી કપૂરે પોતે આ પાત્ર ભજવ્યું હતું. ફિલ્મના નિર્માણ દરમિયાન જ શશી કપૂરના પત્ની જેનિફરનું અવસાન થયું હતું અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.

આજે 'ઉત્સવ' ફિલ્મને કલ્ટ ક્લાસિક ફિલ્મોમાં ગણવામાં આવે છે, પરંતુ તે સમયે તે તેના બોલ્ડ સીન્સને કારણે ભારે વિવાદોમાં રહી હતી. ફિલ્મમાં રેખા અને શેખર સુમનના ઈન્ટિમેટ સીન્સ જોઈને શેખર સુમનની પત્ની ટ્રાયલ શો અધવચ્ચે છોડીને જતી રહી હતી. આ ઉપરાંત, શેખર સુમને પણ રેખા સાથેના અફેરનો દાવો કરીને વિવાદ સર્જ્યો હતો, જેના માટે બાદમાં તેમણે લેખિત માફી પણ માંગવી પડી હતી. આ તમામ વિવાદો છતાં આશા ભોસલે અને લતા મંગેશકરના અવાજમાં સજાયેલું આ ફિલ્મનું ગીત આજે પણ સંગીતપ્રેમીઓના હૃદયમાં જીવંત છે.