Tue Oct 06 2026

Logo

જમીનના ‘કેન્સર’ સામે માલધારીઓની લડાઈ: સ્થાનિકોની સૂઝબૂઝથી કચ્છનું એક આખું ગામ બન્યું બાવળમુક્ત

2026-09-10 11:46:00
Author: Mumbai Samachar Team
જમીનના ‘કેન્સર’ સામે માલધારીઓની લડાઈ: સ્થાનિકોની સૂઝબૂઝથી કચ્છનું એક આખું ગામ બન્યું બાવળમુક્ત

ભુજઃ રણ, દરિયો અને ખડકોનો ત્રિવેણી સંગમ ધરાવતા કચ્છ જિલ્લામાં વિદેશી અને આક્રમક ગણાતા ગાંડા બાવળનું સામ્રાજ્ય દિવસે ને દિવસે વિસ્તરી રહ્યું છે. એક તરફ જ્યાં જિલ્લાનાં હજારો એકર ગૌચર અને બન્નીનાં ઘાસિયાં મેદાનો આ પરદેશી વનસ્પતિના વિષચક્રમાં હોમાઈ ચૂક્યાં છે, ત્યાં બીજી તરફ સીમાવર્તી લખપત તાલુકાનું ગુગરિયાણા ગામ આ સમસ્યા સામે એક મજબૂત અપવાદ બનીને ઊભરી આવ્યું છે. સ્થાનિક માલધારીઓની અવિરત મહેનત અને સૂઝબૂઝના કારણે આ ગામ અને તેની આસપાસની સીમમાંથી ગાંડા બાવળનું નામોનિશાન મટી ગયું છે.

અરબ સાગરના કાંઠે અને કોટેશ્વર નજીક આવેલું ગુગરિયાણા ગામ મુખ્યત્વે પશુપાલન પર નિર્ભર છે. ૪૦ જેટલા પરિવારો અને અંદાજે ૨૫૦ની વસ્તી ધરાવતા આ ગામમાં ૪૫૦ ભેંસો તથા ૪૦૦ જેટલાં ઘેટાં-બકરાં છે. ખારા ભૂગર્ભજળ અને મર્યાદિત ખેતીના કારણે માલધારીઓ માટે પશુપાલન જ જીવાદોરી સમાન છે. ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં વનવિભાગ દ્વારા નજીકના હનુમાન ખુદી રાખાલ વિસ્તારમાં રણને આગળ વધતું અટકાવવા માટે ગાંડા બાવળ વાવવામાં આવ્યા હતા, જે થોડા જ સમયમાં આસપાસના વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ ગયા હતા.

ગાંડા બાવળના આક્રમણને કારણે ગૌચરમાંથી દેશી ઘાસ અદ્રશ્ય થવા લાગ્યું હતું અને તેના ઝેરી કાંટા વાગવાથી ભેંસો અને બકરીઓના આંચળ બંધ થઈ જતાં દૂધના ઉત્પાદનને મોટો ફટકો પડતો હતો. વધુમાં, તેની શીંગો ખાવાથી પશુઓનાં જડબાં જડાઈ જવાના કારણે તેમનાં મોત થવાના કિસ્સા પણ સામે આવ્યા હતા.

આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને ૧૯૯૦ના દાયકાના પ્રારંભમાં ગામના તત્કાલીન આગેવાન હાજી મામદ ભાગિયા જતની પ્રેરણાથી ગામલોકોએ એકજૂથ થઈને જમીન માટે કેન્સર સમાન બાવળ નાબૂદીનું અભિયાન શરૂ કર્યું હતું. લેયાર સિધિક જત અને ઈસાક જાનુ જત જેવા માલધારીઓ આજે પણ કુહાડી અને કોદાળી સાથે સીમમાં ખૂંદીને જ્યાં પણ નાનો-મોટો ગાંડો બાવળ દેખાય તેને મૂળસોતો ઉખાડી ફેંકે છે. માલધારીઓ આ વનસ્પતિને જમીનનું ‘કેન્સર’ ગણાવે છે અને તેનો એક પણ છોડ ગામની સીમમાં ઊગવા દેતા નથી.

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેઝર્ટ ઇકૉલૉજીના ડાયરેક્ટર વિજયકુમારના જણાવ્યા અનુસાર, ગાંડો બાવળ અત્યંત પ્રતિકૂળ અને ખારી જમીનમાં પણ ઝડપથી ઊગી નીકળે છે. તેની શીંગો પશુઓ ખાય ત્યારે તેમના છાણ સાથે નીકળતા બીજમાંથી તે તીવ્ર ઝડપે ફેલાય છે. આ વૃક્ષ અન્ય સ્થાનિક પ્રજાતિઓને પંગુ બનાવી દે છે અને ભૂગર્ભજળના સ્તર પર પણ પ્રતિકૂળ અસર કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા ગાંડા બાવળને આક્રમક વિદેશી પ્રજાતિ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે અને હવે તેને બન્નીના મેદાનોમાંથી હટાવવાની કામગીરી ચાલુ છે.

તત્કાલીન શાસકો દ્વારા ૧૮૮૫-૮૬માં અને બાદમાં વનવિભાગ દ્વારા પર્યાવરણીય કવચ ઊભું કરવાના હેતુથી લવાયેલો આ બાવળ આજે સમગ્ર કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે શિરદર્દ બની ગયો છે. પાડોશી પીપર જૂથ ગ્રામપંચાયત અને રોડાસર જેવાં ગામો આજે બાવળની કાંટમાં ગરકાવ થઈ ગયાં છે.
જ્યાં આજુબાજુના માર્ગો અને ગૌચરો ગાંડા બાવળથી ઢંકાયેલા છે, ત્યાં ગુગરિયાણાનો બે કિલોમીટર લાંબો પહોંચ-માર્ગ અને આખુંય ગૌચર એકદમ સ્વચ્છ છે. અહીં ધામણ અને ગંઢીર જેવા પોષક ઘાસ તથા દેશી બાવળ અને બોરડી જેવાં વૃક્ષો સચવાયેલાં છે. સજાગતા અને સામુહિક પ્રયાસો દ્વારા સ્થાનિક લોકો જો ધારે તો આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાજનક બનેલી પર્યાવરણીય સમસ્યાઓનો ઉકેલ સ્થાનિક ધોરણે લાવી શકે છે, તેનું ગુગરિયાણા ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.

(ઉત્સવ વૈદ્ય)