મુંબઈઃ મુંબઈ સહિત સમગ્ર વિશ્વમાં વસતા કરોડો ગણેશભક્તો જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ઘડી આખરે આવી પહોંચી છે. ગણેશોત્સવ પૂર્વે મુંબઈના સુપ્રસિદ્ધ અને મનોકામના પૂર્ણ કરનારા 'લાલબાગચા રાજા' (Lalbaugcha Raja 2026)નો ફર્સ્ટ લુક આજે ઓફિશિયલી જાહેર કરવામાં આવ્યો હતો. બાપ્પાની મનમોહક પ્રતિમા અને સજાવટ જોઈને ભક્તોની આંખોમાં હર્ષાશ્રુ આવી ગયા હતા. લાલ બાગ ચા રાજાના ફર્સ્ટ લૂકે પણ સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા જાગી હતી.
લાલબાગ સાર્વજનિક ગણેશોત્સવ મંડળના આ 93મા વર્ષે બાપ્પાનું ભવ્ય, તેજોમય અને રાજવી રૂપ જોઈને ઉપસ્થિત તમામ ભક્તો અને શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ભાદ્રપદ ગણેશોત્સવ દરમિયાન સોમવાર, 14મી સપ્ટેમ્બર (ગણેશ ચતુર્થી)થી શરૂ થનારા આ મહોત્સવ માટે લાલબાગ પંડાલમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું છે. 11મી સપ્ટેમ્બના રોજ બાપ્પાનો ફર્સ્ટ લૂક રીવિલ કરવામાં આવ્યો હતો.
લાલબાગચા રાજા 2026નો પ્રથમ લુક અને શણગાર

આ વર્ષે પણ લાલબાગચા રાજાની પ્રતિમાને અત્યંત આકર્ષક અને ભવ્ય સિંહાસન પર બિરાજમાન કરવામાં આવી છે. સુવર્ણ આભૂષણો, હીરાજડિત મુગટ અને રેશમી પીતાંબરથી સજ્જ બાપ્પાના મુખમંડળ પરનું દિવ્ય તેજ ભક્તોના મન મોહી રહ્યું છે. મંડળ દ્વારા પંડાલને વિશેષ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક થીમ પર ડિઝાઈન કરવામાં આવ્યો છે, જે સમગ્ર દેશમાંથી આવતા લાખો દર્શનાર્થીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.
બાપ્પાની પ્રતિમાની પાછળ સ્થાપિત કરાયેલું વિશાળ ત્રિશૂળ અને ભવ્ય પ્રાચીન શિવ-મંદિર થીમ આધારિત ડેકોરેશન આ વર્ષના લાલબાગચા રાજાના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્રથમ દર્શન થતાંની સાથે જ લાલબાગ પરિસરમાં "ગણપતિ બાપ્પા મોરયા"ના ગગનભેદી નારા ગૂંજી ઊઠ્યા હતા.
આ વખતની થીમ પર ભક્તો પર જાદુ કરશે

પ્રતિમાની પૃષ્ઠભૂમિમાં વિશાળ કદનું સુવર્ણ-ચમક ધરાવતું ત્રિશૂળ સ્થાપિત કરવામાં આવ્યું છે, જે ભગવાન શિવના આશીર્વાદ અને દૈવી શક્તિનું પ્રતીક છે. સમગ્ર પંડાલને દક્ષિણ અને પશ્ચિમ ભારતના પ્રાચીન શિવ મંદિરોના પથ્થર સ્થાપત્ય અને કોતરણી જેવો લાઈવ લુક આપવામાં આવ્યો છે, જે ભક્તોને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે. 'લાલબાગચા રાજા'ને આ વર્ષે પરંપરાગત વસ્ત્રો, હીરાજડિત મુગટ અને વિશેષ સુવર્ણ આભૂષણોથી સજાવવામાં આવ્યા છે.
૧૪ સપ્ટેમ્બરથી સામાન્ય ભક્તો માટે દર્શન શરૂ
ગણેશ ચતુર્થીના પાવન દિવસથી ભક્તો માટે ૨૪ કલાક અવિરત દર્શન વ્યવસ્થા શરૂ થશે. જેમાં એક લાઇન 'ચરણ સ્પર્શ' (માનતા) માટે અને બીજી લાઇન સામાન્ય 'મુખ દર્શન' માટે રાખવામાં આવી છે. લાલબાગ નહીં પહોંચી શકનારા દેશ-વિદેશના ભક્તો માટે મંડળ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને ઓફિશિયલ ચેનલ્સ પરથી 24 કલાક લાઈવ આરતી અને દર્શનનું પ્રસારણ કરવામાં આવશે.
કઈ રીતે પહોંચશો?
. મધ્ય રેલવેના ભક્તો માટે ચિંચપોકલી, કરી રોડ અને પરેલ રેલવે સ્ટેશન સૌથી નજીક છે.
. પશ્ચિમ રેલવેના ભક્તો લોઅર પરેલ સ્ટેશને ઉતરીને ચાલીને અથવા ટેક્સી દ્વારા પંડાલ પહોંચી શકે છે.
. હાર્બર લાઈનના ભક્તો માટે કોટન ગ્રીન સ્ટેશન સૌથી નજીકનું સ્ટોપ રહેશે.