Sun Sep 13 2026

Logo

ભારે વરસાદથી ધોરડોનું સફેદ રણ બેટમાં ફેરવાયું: રણોત્સવ સ્થળ દરિયામાં ફેરવાતાં અદભુત દ્રશ્યો સર્જાયા

2026-08-03 08:32:00
Author: Mumbai Samachar Team
ભારે વરસાદથી ધોરડોનું સફેદ રણ બેટમાં ફેરવાયું: રણોત્સવ સ્થળ દરિયામાં ફેરવાતાં અદભુત દ્રશ્યો સર્જાયા

ભુજઃ કચ્છમાં પડી રહેલા અનરાધાર વરસાદના કારણે સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો છે. આ ભારે વરસાદની સૌથી વ્યાપક અસર વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન ધામ એવા ધોરડોના સફેદ રણ પર જોવા મળી છે. દર વર્ષે જ્યાં દેશ-વિદેશના લાખો પ્રવાસીઓ આવે છે અને ઝાકઝમાળ રણોત્સવ યોજાય છે, તે ભાતીગળ ધોરડોનું શ્વેત રણ હાલ વરસાદી પાણીના ભરાવાને કારણે બેટમાં ફેરવાઈ ગયું છે. અનંત સીમાઓ સુધી પથરાયેલી સફેદ મીઠાની ચાદર પર પાણી ફરી વળતાં સમગ્ર વિસ્તાર કોઈ વિશાળ દરિયા જેવો નજરે પડી રહ્યો છે.

સરહદી કચ્છ વિસ્તારમાં દર ચોમાસે રણમાં પાણી ભરાવાની પ્રક્રિયા થાય છે, પરંતુ આ વર્ષે ટૂંકા સમયમાં પડેલા ભારે વરસાદને કારણે રણમાં વિપુલ પ્રમાણમાં પાણીનો ભરાવો થયો છે. રણના ખારાપટ પર પાણી તરે છે ત્યારે સર્જાતા પ્રતિબિંબો અને દ્રશ્યો મનોરમ્ય લાગી રહ્યા છે, તો બીજી તરફ આ પરિસ્થિતિને કારણે રણ તરફ જતા માર્ગો અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક તંત્ર એલર્ટ બન્યું છે. સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા હાલ પૂરતો રણ વિસ્તારમાં લોકો અને પ્રવાસીઓની અવરજવર પર નિયંત્રણો મૂકવામાં આવ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રણમાં આ રીતે પાણી ભરાવું એ પ્રકૃતિની એક સ્વાભાવિક પ્રક્રિયા છે, જે ચોમાસા બાદ ધીમે ધીમે ઓસરી જાય છે. પાણી સુકાઈ ગયા બાદ જ જમીન પર મીઠાની નવી અને ચમકતી સફેદ ચાદર તૈયાર થાય છે, જે આગામી રણોત્સવ માટે પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે. હાલ તો સફેદ રણનો આ રૌદ્ર અને રમણીય "સાગર અવતાર" સ્થાનિકો અને સોશિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને માર્ગો પરથી પાણી ઓસર્યા બાદ વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

(ઉત્સવ વૈદ્ય)