ભુજ: ગુજરાત પર સર્જાયેલી વરસાદી સિસ્ટમના પગલે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહી વચ્ચે શનિવારે સવારે મેઘતૃષ્ણા ધરાવતા કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભુજ અને તેની આસપાસના વિસ્તારો ઉપરાંત અંજાર, ગાંધીધામ, બંદરીય માંડવી અને મુંદરા સહિતના પંથકોમાં કાળાડિબાંગ વાદળોની ઘેરાબંધી વચ્ચે છૂટોછવાયો વરસાદ શરૂ થતાં કચ્છીજનોમાં સોળ આની વરસાદ વરસે તેવી આશાનો સંચાર થયો છે.
ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહે વરસેલા ભારે વરસાદ બાદ કચ્છમાં મહત્તમ તાપમાનનો આંક ૩૬થી ૩૮ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય ગરમી અને બફારાનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું એ દરમિયાન શનિવારે સવારથી જ અચાનક સર્જાયેલા વરસાદી માહોલ અને ઝાપટાંને કારણે સમગ્ર પંથકના વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. હવામાનમાં આવેલા આ સુખદ પરિવર્તનથી સ્થાનિકોને ભારે રાહત મળી છે.
હવામાનના જણાવ્યા અનુસાર, એકસાથે અનેક સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ ફરી જોવા મળી રહ્યો છે. ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે શનિવારે અને રવિવારે રાજ્યમાં મેઘગર્જના, વીજળીના કડાકા-ભડાકાની સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ ચેતવણી આપી છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે પૂરા થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં માત્ર 12 તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. આ તમામ તાલુકા દક્ષિણ ગુજરાતના છે અને ઝરમર વરસાદ વરસ્યો છે. તાપીના વોલાડમાં સૌથી વધુ 0.63 ઇંચ, ડાંગના સુબીરમાં 0.20 ઇંચ વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં અત્યાર સુધીનો સિઝનનો સરેરાશ 70.10 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 96.87 ટકા અને કચ્છમાં સૌથી ઓછો 29.05 ઇંચ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 51.39 ટકા, પૂર્વ મધ્યમાં 67.05 ટકા તથા સૌરાષ્ટ્રમાં 54.58 ટકા વરસાદ નોંધાયો છે.
(ઉત્સવ વૈદ્ય)