Wed Sep 16 2026

Logo

કચ્છમાં સામખિયાળી-ભચાઉ વચ્ચે રેલવે લાઈનનું સફળ પરીક્ષણ, 130 કિલોમીટરની ઝડપે ટ્રેન દોડાવાઈ

2026-08-07 16:31:47
Author: Chandrakant Kanoja
કચ્છમાં સામખિયાળી-ભચાઉ વચ્ચે રેલવે લાઈનનું સફળ પરીક્ષણ, 130 કિલોમીટરની ઝડપે ટ્રેન દોડાવાઈ

ભુજ: કચ્છમાં રેલવે ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચાતાં સામખિયાળી-ભચાઉ વચ્ચે નવનિર્મિત ત્રીજી અને ચોથી રેલવે લાઈન પર 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઇલેક્ટ્રિક એન્જિન અને ઓબ્ઝર્વેશન કાર દોડાવી સફળ સ્પીડ ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી.

સંચાલન વ્યવસ્થાનું સઘન નિરીક્ષણ કર્યું

બે દિવસીય સી.આર.એસ. (ચીફ રેલવે સેફ્ટી કમિશનર) પરીક્ષણ દરમિયાન રેલવે સંરક્ષા આયુક્ત ઈ. શ્રીનિવાસ તથા અમદાવાદ મંડળના ડી.આર.એમ. વેદપ્રકાશ સહિતના ઉચ્ચ અધિકારીઓએ સામખિયાળી યાર્ડ, સિગ્નાલિંગ સિસ્ટમ અને વોંધ રેલવે સ્ટેશન ખાતે સંચાલન વ્યવસ્થાનું સઘન નિરીક્ષણ કર્યું હતું. આ અવસરે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોએ અધિકારીઓનું સ્વાગત કરી રેલવે સબંધી પ્રશ્નોની ચર્ચા કરી હતી.

લોજિસ્ટિક ખર્ચ ઓછો થશે

અમદાવાદ મંડળના આ મહત્વપૂર્ણ રેલખંડ પર ચાર લાઈન પ્રકલ્પ પૂર્ણ થવાથી કંડલા અને મુંદરા બંદરેથી થતાં માલ પરિવહનને અભૂતપૂર્વ વેગ મળશે. તેમજ માલગાડીઓનો ટર્નઅરાઉન્ડ સમય ઘટી જવાથી લોજિસ્ટિક ખર્ચ ઓછો થશે, જ્યારે યાત્રી ટ્રેનોનું સંચાલન પણ વધુ સુચારુ અને સમયબદ્ધ બનશે. આ માર્ગે આખરી મંજૂરી મળ્યા બાદ પ્રવાસી ટ્રેનો દોડાવવામાં આવશે તેમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું.

(ઉત્સવ વૈધ)