Mon Oct 05 2026

Logo

કચ્છના રાપરમાં સુપર માર્કેટમાં લિફ્ટ અને પિલર વચ્ચે માથું ફસાતા યુવકનું કરુણ મોત

2026-03-27 21:33:55
Author: Chandrakant Kanoja
કચ્છના રાપરમાં સુપર માર્કેટમાં લિફ્ટ અને પિલર વચ્ચે માથું ફસાતા યુવકનું કરુણ મોત

રાપર : કચ્છના વાગડ પંથકના રાપર શહેરમાં ગુરુવારે એક કંપારી છૂટી જાય તેવી દુર્ઘટના સામે આવી છે. શહેરની જાણીતી વતન મસાલા સુપર માર્કેટ'માં માલસામાનની હેરફેર માટે વપરાતી લિફ્ટ એક યુવક માટે કાળ સાબિત થઈ છે. લિફ્ટ અને પિલર વચ્ચે માથું ફસાઈ જતાં ૩૦ વર્ષીય આશાસ્પદ યુવકનું  ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

માર્કેટમાં રાબેતા મુજબ કામકાજ ચાલી રહ્યું હતું

પી.એસ.આઈ. પી.એલ. કણેજાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગત ગુરુવારે માર્કેટમાં રાબેતા મુજબ કામકાજ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ત્યાં નોકરી કરતા ચેતન પુંજાભાઈ ગામી (પટેલ) નામનો યુવાન લિફ્ટ પાસે કામ કરી રહ્યો હતો. અચાનક લિફ્ટ ચાલુ થઈ જતાં ચેતનનું માથું લિફ્ટ અને લોખંડના પિલર વચ્ચે આવી ગયું હતું. લિફ્ટની ભીંસમાં આવતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આસપાસના લોકો અને સહકર્મચારીઓ તરત જ તેને બચાવવા દોડી આવ્યા હતા અને તાત્કાલિક રાપર સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

 6 મહિના પહેલા જ આ સુપર માર્કેટમાં નોકરીએ લાગ્યો હતો

આ દુર્ઘટનાની સૌથી કરુણ બાબત એ છે કે મૃતક ચેતન હજુ 6  મહિના પહેલા જ આ સુપર માર્કેટમાં નોકરીએ લાગ્યો હતો. ૭ માસના માસુમ પિતાના આકસ્મિક મોતથી સમગ્ર પટેલ સમાજ અને વાગડ  પંથકમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોનારા લોકોના કાળજા કંપી ઉઠ્યા હતા. સ્થાનિક વેપારી આલમે પણ આ દુઃખદ ઘટના પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે. રાપર પોલીસે આ મામલે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(ઉત્સવ વૈધ)