Sun Sep 06 2026

Logo

માનકૂવા બાદ તેલચોરી કૌભાંડ મામલે પ્રાગપર પોલીસ પર તવાઈ: 3 પોલીસકર્મી સસ્પેન્ડ, 5ની બદલી

2026-07-04 11:09:00
Author: Mumbai Samachar Team
માનકૂવા બાદ તેલચોરી કૌભાંડ મામલે પ્રાગપર પોલીસ પર તવાઈ: 3 પોલીસકર્મી સસ્પેન્ડ, 5ની બદલી

ભુજ:  પશ્ચિમ કચ્છમાં સ્ટેટ મોનિટરિંગ સેલ અને સ્થાનિક ગુનાશોધક શાખાના ઉપરાછાપરી દરોડા બાદ પોલીસ વિભાગમાં સપાટો બોલાવવામાં આવ્યો છે. માનકૂવા પોલીસ મથકના પીઆઈ સહિતના સ્ટાફ પર થયેલી સસ્પેન્શનની કાર્યવાહી બાદ, હવે પ્રાગપર પોલીસ મથકની હદમાં ઓપરેટ થતા તેલચોરી કૌભાંડ મામલે વધુ ત્રણ પોલીસ કર્મચારીઓને ફરજમોકૂફ કરી દેવાયા છે.

પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ સુંડાએ કડક વલણ અપનાવી પ્રાગપર બીટના ઇન્ચાર્જ એએસઆઈ પુનશી લાખુભાઈ, પત્રી આઉટપોસ્ટના ઇન્ચાર્જ શિવમ હરિરામભાઈ અને ડી-સ્ટાફના ઇન્ચાર્જ ભરતકુમાર મંછાજીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. આ ઉપરાંત, સેડાતા-ભારાપર જુગારધામ રેડના પ્રત્યાઘાત રૂપે એસપીએ માનકૂવા પોલીસ મથકના વધુ પાંચ કર્મચારીઓ (બાબુ પદ્માજી, જયપાલસિંહ, અશોક, વિનોદકુમાર અને એએસઆઈ પંકજકુમાર)ની નારાયણ સરોવર, નરા, હાજીપીર અને જખૌ જેવા સરહદી વિસ્તારોમાં તાકીદે બદલી કરી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા છ મહિનામાં રાજ્ય કક્ષાની એજન્સીઓ દ્વારા કચ્છમાં વારંવાર દરોડા પાડી સ્થાનિક પોલીસની પોલ ખોલવામાં આવી છે. દર વખતે સ્ટેટ વિજિલન્સ ત્રાટકે તે પછી જ સ્થાનિક સ્ટાફ સામે સસ્પેન્શન જેવા પગલાં લેવાતા હોવાથી, પોલીસ તંત્રની આગોતરી કામગીરી અને નિષ્ક્રિયતા સામે હવે આ ક્ષેત્રના નિષ્ણાતો અને નાગરિકોમાં ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.


(ઉત્સવ વૈદ્ય)