Sat Sep 12 2026

Logo

કચ્છમાં ડ્રગ્સ નેટવર્ક પર પોલીસનો પ્રહાર: આડેસર ચેકપોસ્ટ પાસેથી રૂ.૧૯.૧૯ લાખનું હેરોઈન ઝડપાયું

2026-03-02 10:18:00
Author: Mumbai Samachar Team
કચ્છમાં ડ્રગ્સ નેટવર્ક પર પોલીસનો પ્રહાર: આડેસર ચેકપોસ્ટ પાસેથી રૂ.૧૯.૧૯ લાખનું હેરોઈન ઝડપાયું

ગુરવિન્દરસિંઘ નિર્ભયસિંઘ ઢીલ્લોન


 

ભુજઃ કચ્છમાં માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે એક્શન મોડમાં આવેલી સ્થાનિક પોલીસે તાજેતરમાં ભીમાસરમાં કરોડોની કિંમતના પોષડોડાની ખેતી ઝડપાયા બાદ, હવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આડેસર ચેકપોસ્ટ પરથી રૂ ૧૯,૧૯,૦૦૦ની કિંમતના હેરોઈન સાથે પંજાબના એક શખ્સને દબોચી લીધો છે.

પંજાબથી રાધનપુર થઈને એક શખ્સ ફોર્ડ ઈકો સ્પોર્ટ કારમાં નશીલા પદાર્થનો જથ્થો લઈને કચ્છમાં વેચવા આવી રહ્યો હોવાની મળેલી સચોટ બાતમીના આધારે પોલીસે આડેસર ચેકપોસ્ટ પાસે આરોપી ભાગી ન જાય તે માટે પોલીસે પોતાના વાહનો ચાલુ રાખી વ્યૂહાત્મક રીતે ઘેરાબંધી કરી હતી.  

દરમિયાન, શંકાસ્પદ કાર (નંબર: પીબી ૧૦ ઈટી-૨૮૫૨) આવતા જ પોલીસે તેને આંતરી લીધી હતી.પોલીસે કારમાં સવાર ગુરવિન્દરસિંઘ નિર્ભયસિંઘ ઢીલ્લોન (રહે. ફિરોઝપુર, પંજાબ)ની અટકાયત કરી કારની ઝીણવટભરી તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં કંઈ ન મળતા બોનેટ ખોલીને તપાસ કરતા લોખંડના ભાગે પ્લાસ્ટિકની સેલોટેપથી એક થેલી ચોંટાડવામાં આવી હતી. જેની અંદરથી ક્રીમ રંગના ગાંગડા સ્વરૂપે અંદાજે રૂ.૧૯.૧૯ લાખની કિંમતનું ૯૯૫.૯૯૫ ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું.

ઝડપાયેલા ગુરવિન્દરસિંઘ નિર્ભયસિંઘ ઢીલ્લોને માદક પદાર્થનો આ જથ્થો પંજાબના ગુરમિતસિંઘ પાસેથી ખરીદ્યો હોવાની કબૂલાત આપી હતી.
હાલ પોલીસે અગાઉ કેટલી વાર આવી રીતે ખેપ મારી ચૂક્યો છે અને કચ્છમાં તે કોને આ માલ સપ્લાય કરવાનો હતો વગેરે બાબતની તપાસ આદરી છે.

(ઉત્સવ વૈદ્ય)

વધુ જુઓ...