Sat Sep 12 2026

Logo

પૂર્વ કચ્છ પોલીસનું ‘સે નો ટુ ડ્રગ્સ’ મિશન: માત્ર ૬ મહિનામાં નશાના નેટવર્ક પર પ્રહાર કરી ૪૩ ગુના નોંધ્યા, ૭૨ ઝડપાયા

2026-07-02 10:40:00
Author: Mumbai Samachar Team
પૂર્વ કચ્છ પોલીસનું ‘સે નો ટુ ડ્રગ્સ’ મિશન: માત્ર ૬ મહિનામાં નશાના નેટવર્ક પર પ્રહાર કરી ૪૩ ગુના નોંધ્યા, ૭૨ ઝડપાયા

ભુજઃ પૂર્વ કચ્છ જિલ્લામાં માદક અને નશીલા પદાર્થોની ગેરકાયદે હેરાફેરી, વેચાણ તેમજ સેવન કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ચાલુ વર્ષે શરૂ કરાયેલા ‘સે નો ટુ ડ્રગ્સ ઇન ઇસ્ટ કચ્છ’ મિશન અંતર્ગત પોલીસે નશાના કારોબારીઓ પર ધોંસ બોલાવીને સપાટો બોલાવ્યો છે.

પોલીસ તંત્ર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર, વર્ષ ૨૦૨૫ના આખા વર્ષ દરમિયાન આ સીમાવર્તી જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં માદક પદાર્થોના કુલ ૩૬ ગુના નોંધી ૭૩ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. તેની સરખામણીએ ચાલુ વર્ષ ૨૦૨૬માં પોલીસે માત્ર પ્રથમ છ મહિનામાં જ (૧ જાન્યુઆરીથી ૩૦ જૂન સુધીમાં) ડ્રગ્સના ૪૩ કેસો શોધી કાઢ્યા છે, જેમાં અત્યાર સુધીમાં ૭૨ આરોપીઓને જેલ ભેગા કરી દેવાયા છે. ગત આખા વર્ષ કરતાં ચાલુ વર્ષના માત્ર અડધા વર્ષમાં જ વધુ કેસો પકડી પાડી પૂર્વ કચ્છ પોલીસે નશાના નેટવર્કની કમર તોડી નાખી છે.

પૂર્વ કચ્છ પોલીસ પ્રશાસન દ્વારા જિલ્લાને સંપૂર્ણપણે ડ્રગ્સ મુક્ત બનાવવા માટે જનતાનો સહયોગ માંગવામાં આવ્યો છે. કોઈ પણ વિસ્તારમાં નશીલા પદાર્થોની હેરાફેરી કે વેચાણ થતું હોય તો તેની માહિતી જિલ્લા પોલીસ વડા: ૯૯૭૮૪ ૦૫૬૯૦,અંજાર ડીવાયએસપી ૯૯૭૮૪ ૦૮૨૪૫, ભચાઉ ડીવાયએસપી ૯૯૭૮૪ ૦૨૦૨૬ તેમજ પોલીસ કંટ્રોલ રૂમ ૬૩૫૯૬ ૨૬૮૪૫ નંબરો પર તાત્કાલિક આપવી, તેમ વન વિભાગ અને પોલીસ વિભાગે અપીલ કરી છે.

(ઉત્સવ વૈદ્ય)