Wed Sep 09 2026

Logo

યુદ્ધના ઓથ હેઠળ રાંધણગેસની સંગ્રહખોરી: કચ્છ પોલીસની લાલ આંખ, કુકમામાં દરોડો પાડી કાળાબજારિયાને દબોચ્યો...

2026-03-14 13:53:26
Author: Tejas Soni
યુદ્ધના ઓથ હેઠળ રાંધણગેસની સંગ્રહખોરી: કચ્છ પોલીસની લાલ આંખ, કુકમામાં દરોડો પાડી કાળાબજારિયાને દબોચ્યો...

AI Generated Images


ભુજ: ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે છેલ્લા 15 દિવસથી ચાલી રહેલા ભીષણ મહાયુદ્ધની અસરો હવે સ્થાનિક બજારોમાં પણ વર્તાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય તંગદિલીને કારણે દેશભરમાં રાંધણગેસના પુરવઠામાં મોટી અછત સર્જાઈ છે. આ કપરી પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવવા માટે કાળા બજારિયાઓ મેદાને પડ્યા છે. તંત્રની નિષ્ક્રિયતા વચ્ચે કચ્છ પોલીસ હવે એક્શન મોડમાં આવી છે અને તાજેતરમાં બે શખ્સોની ધરપકડ બાદ ભુજ પાસેના કુકમા ગામેથી વધુ એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

પશ્ચિમ કચ્છ ગુન્હાશોધક શાખાની ટુકડી પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે કુકમાના સી.કે. કોમ્પ્લેક્સમાં આવેલી 'બાલાજી એન્ટરપ્રાઇઝ' નામની દુકાન નંબર-૭ માં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસની તપાસ દરમિયાન આ દુકાનમાંથી બિનઅધિકૃત રીતે સંગ્રહ કરવામાં આવેલો ગેસ સિલિન્ડરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ગેસના બાટલાઓનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે માધાપરના રહેવાસી હિરેન અવિનાશ ટાંકની અટકાયત કરી છે. તેની દુકાનમાંથી 5 કિલોગ્રામની ક્ષમતાવાળા 112 ભરેલા બાટલા અને 62 ખાલી બાટલા મળી આવ્યા છે, જેની કુલ કિંમત અંદાજે રૂા. 159800/- આંકવામાં આવી છે. પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી લીધો છે અને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

હાલ પોલીસ એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે આટલી મોટી સંખ્યામાં સિલિન્ડરો કઈ એજન્સીમાંથી મેળવવામાં આવ્યા હતા અને તેનો મુખ્ય હેતુ શું હતો. કાળાબજારના આ નેટવર્ક સાથે અન્ય કોઈ મોટા શખ્સો સંડોવાયેલા છે કે કેમ તે અંગે પણ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસની આ ત્વરિત કામગીરીથી સંગ્રહખોરી કરનારા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

(ઉત્સવ વૈદ્ય)