ભુજઃ રાજ્ય સરકારની કડક સૂચના બાદ શરૂ કરાયેલા 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' હેઠળ પૂર્વ કચ્છ પોલીસે ઝડપી પાડેલા ૨૭ બાંગ્લાદેશી નાગરિકોની સામે હવે કાયદાકીય સકંજો વધુ મજબૂત કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર રીતે વસવાટ કરતા આ તમામ ઘૂસણખોરોને પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કચેરીએ લાવીને દેશ વિરોધી પ્રવૃત્તિ કે સ્થાનિક સ્તરે કોઈ મોટા નેટવર્કની સંડોવણી અંગે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
મળતી વિગતો મુજબ, પૂર્વ કચ્છ પોલીસની જુદી-જુદી ટીમોએ ગાંધીધામ, આદિપુર, અંજાર અને ભચાઉ પંથકમાં આવેલી વિવિધ ઔદ્યોગિક કંપનીઓ તેમજ લાકડાના બેન્સાઓમાં આકસ્મિક દરોડા પાડીને કુલ ૩૭ શંકાસ્પદ શ્રમિકોની અટકાયત કરી હતી. સ્થાનિક પોલીસ મથકે કરાયેલી પ્રાથમિક પૂછપરછ દરમિયાન દસ્તાવેજોની ચકાસણી કરતાં તેમાંથી બાળકો અને મહિલાઓ સહિત ૨૭ નાગરિકો કોઈપણ કાયદેસરના પાસપોર્ટ કે વિઝા વિના ભારતીય સરહદમાં ઘૂસીને વસવાટ કરતા હોવાનું સ્પષ્ટ થયું હતું.
આ પકડાયેલા તમામ બાંગ્લાદેશી નાગરિકોને એસ.ઓ.જી. પોલીસ સમક્ષ હાજર કરી તેમની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઈ છે. આ તપાસ દરમિયાન તેઓ કોના મારફતે ભારતમાં પ્રવેશ્યા અને સ્થાનિક સ્તરે તેમને આશ્રય તેમજ રોજગારી અપાવવામાં કોણે મદદ કરી તે અંગેની મહત્વની કડીઓ મેળવવામાં આવી રહી છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂછપરછમાં ગુનાહિત વિગતો સ્પષ્ટ થયા બાદ આ તમામ નાગરિકોના સત્તાવાર દસ્તાવેજો બાંગ્લાદેશી દૂતાવાસ ખાતે મોકલવામાં આવશે. ત્યાંથી ગેરકાયદેસર વસવાટ અંગેનો આખરી અભિપ્રાય અને મંજૂરી ન મળે ત્યાં સુધી આ તમામ ૨૭ લોકોને પોલીસ હેડક્વાર્ટર અથવા અન્ય નિયત કરાયેલી સુરક્ષિત જગ્યાએ કડક જાપતા હેઠળ રાખવામાં આવશે. દૂતાવાસ દ્વારા મંજૂરી મળ્યા બાદ જ તમામને સરહદ પાર પરત મોકલવાની કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
બીજી તરફ, જિલ્લામાં હજુ પણ આવા અન્ય કોઈ વિદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે આશ્રય મેળવીને રહેતા નથી ને, તેની ખરાઈ કરવા માટે પોલીસે સઘન કોમ્બિંગ ડ્રાઈવ ચાલુ રાખી છે.
(ઉત્સવ વૈદ્ય)